Home National What Is Operation Sheruwali Rajouri Encounter Operation Sherwali Indian Army

શું છે ઓપરેશન 'શેરુવાલી'? : જાણો રાજૌરીના ગાઢ જંગલોમાં સેના કઈ રીતે કરી રહી છે ઓપરેશન

Rajouri Encounter Operation Sherwali
Published by: Nirali Gohil
Last Updated: May 29, 2026, 11:28 AM IST

Rajouri Encounter: જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લાના દુર્ગમ અને ગાઢ જંગલોમાં સુરક્ષા દળો દ્વારા આતંકવાદીઓ સામેનું 'ઓપરેશન શેરવાલી' આજે સાતમા દિવસે પણ અત્યંત તીવ્રતા સાથે ચાલુ છે. સેના, જમ્મુ-કાશ્મીર પોલીસ અને અર્ધલશ્કરી દળોની સંયુક્ત ટીમો આતંકવાદીઓના દરેક ઠેકાણાને શોધીને તેમને ખતમ કરવા માટે કટિબદ્ધ છે. આ વિસ્તારમાં છુપાયેલા પાકિસ્તાની આતંકવાદીઓને બહાર કાઢવા માટે અત્યાધુનિક ડ્રોન અને રોકેટ-પ્રોપેલ્ડ ગ્રેનેડ (RPG) નો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

રાજૌરીના ડોરીમલ-ગંભીર મોગલા જંગલ વિસ્તારમાં આતંકવાદીઓનું એક જૂથ છુપાયું હોવાની ચોક્કસ બાતમી મળતા જ સુરક્ષા દળોએ ઘેરાબંધી કરી હતી. છેલ્લા સાત દિવસથી ચાલી રહેલા આ સર્ચ ઓપરેશન દરમિયાન સેનાએ આતંકવાદીઓની સંભવિત ગુફાઓ અને ઠેકાણાઓ પર RPG ના માધ્યમથી જોરદાર હુમલો કર્યો છે. અધિકારીઓના જણાવ્યા મુજબ, ગાઢ વૃક્ષો અને દુર્ગમ પહાડી વિસ્તારોનો ફાયદો ઉઠાવીને આતંકવાદીઓ સતત પોતાનું સ્થાન બદલી રહ્યા છે, પરંતુ સુરક્ષા દળોનું આ વ્યૂહાત્મક ઓપરેશન તેમની કમર તોડવા માટે પૂરતું છે.

શું છે આ 'ઓપરેશન શેરવાલી'?

'ઓપરેશન શેરવાલી' એ જંગલના આંતરિક ભાગમાં છુપાયેલા પાકિસ્તાની આતંકવાદીઓને શોધી કાઢવા માટેનું અત્યંત આક્રમક સર્ચ ઓપરેશન છે. ડ્રોન સર્વેલન્સ દ્વારા પ્રાપ્ત થયેલા ઈનપુટ્સ મુજબ, આ વિસ્તારમાં એક કમાન્ડર સહિત 2 થી 3 પાકિસ્તાની આતંકવાદીઓ સક્રિય છે. સેનાએ આતંકવાદીઓને બહાર આવવા માટે મજબૂર કરવાના ઉદ્દેશ્યથી RPG રાઉન્ડ્સનો ઉપયોગ કર્યો હતો, જેનાથી ગાઢ જંગલોમાં ધુમાડાના ગોટા જોવા મળ્યા હતા. જાનહાનિ ટાળવા માટે સેના અત્યંત સાવચેતી સાથે આગળ વધી રહી છે.

આ પણ વાંચો: NEET વિવાદ પર સુપ્રીમ કોર્ટનું કડક વલણ: NTA ને વધુ મજબૂત બનાવવા કેન્દ્ર સરકાર પાસેથી માંગ્યો જવાબ

લોહીના નિશાન અને ઘેરાબંધીનો કસવટો ગાળિયો

સૂત્રોના જણાવ્યા અનુસાર, સોમવારે થયેલા ટૂંકા ગોળીબારમાં એક આતંકવાદી ઈજાગ્રસ્ત થયો હોવાના પુરાવા સુરક્ષા દળોને મળ્યા હતા. જંગલમાં જોવા મળેલા લોહીના નિશાનના આધારે સૈનિકોએ આતંકવાદીઓનો પીછો કરવાનું શરૂ કર્યું છે. એક આતંકવાદી ઠેકાણાને તો પહેલા જ નષ્ટ કરી દેવામાં આવ્યું છે, જે દર્શાવે છે કે આતંકવાદીઓ હવે ઘેરાબંધીમાં ફસાઈ રહ્યા છે. સેનાની આ સંયુક્ત કામગીરીમાં હેલિકોપ્ટર, ડ્રોન, સર્ચ ડોગ્સ અને મોટી સંખ્યામાં વધારાના સૈનિકો તૈનાત કરવામાં આવ્યા છે.

સુરક્ષામાં વધારો: વાહન ચેકિંગ અને સઘન પેટ્રોલિંગ

રાજૌરીના આ જંગલ વિસ્તાર તરફ જતા તમામ મુખ્ય માર્ગો પર સુરક્ષા દળોએ વાહન ચેકિંગ વધારી દીધું છે. કોઈપણ આતંકવાદી અહીંથી બચીને ભાગી ન શકે તે માટે ઘેરાબંધીને વધુ મજબૂત કરવામાં આવી છે. આ દુર્ગમ અને ઉબડખાબડ ભૂપ્રદેશમાં લડવું એક મોટો પડકાર છે, પરંતુ સુરક્ષા દળોની સજ્જતા અને ટેકનોલોજીના ઉપયોગથી આતંકવાદીઓના સફાયાની આશા પ્રબળ બની છે. સ્થાનિક લોકોમાં પણ આ ઓપરેશનને લઈને સુરક્ષાની ભાવના જાગી છે, કારણ કે સુરક્ષા દળો એક પણ કચાસ રાખ્યા વગર આ વિસ્તારને આતંકમુક્ત કરવા માટે કાર્યરત છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now