દેશની સર્વોચ્ચ અદાલતે શુક્રવારે નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)ની કામગીરી અને NEET પરીક્ષાની વિશ્વસનીયતા અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને NTA ને વધુ મજબૂત અને NEET જેવી રાષ્ટ્રીય સ્તરની પરીક્ષાઓને સંપૂર્ણપણે સુરક્ષિત તથા ‘ફૂલપ્રૂફ’ બનાવવા માટે શું પગલાં લેવામાં આવી રહ્યા છે તે અંગે વિગતવાર જવાબ રજૂ કરવાનો આદેશ આપ્યો છે.
જસ્ટિસ પી.એસ. નરસિમ્હા અને જસ્ટિસ આલોક આરાધેની બેન્ચે કેન્દ્ર સરકારને 6 સપ્તાહની અંદર સોગંદનામું (Affidavit) દાખલ કરવા જણાવ્યું છે. આ સોગંદનામામાં NTA ની સંસ્થાકીય ક્ષમતા, નિષ્ણાત કર્મચારીઓની નિમણૂક અને ભવિષ્યમાં પરીક્ષાઓની વિશ્વસનીયતા જાળવવા માટેની વ્યૂહરચના અંગે સ્પષ્ટ માહિતી આપવાની રહેશે.
NTA માં નિષ્ણાતોની ટીમ અને સંસ્થાકીય ક્ષમતા વધારવા પર ભાર
સુપ્રીમ કોર્ટે પોતાના નિર્દેશમાં જણાવ્યું કે કેન્દ્ર સરકારે એ સ્પષ્ટ કરવું પડશે કે NTA માં કેવી રીતે સંસ્થાકીય અનુભવ (Institutional Memory) અને વિશેષજ્ઞતા (Expertise) વિકસાવવામાં આવશે. સાથે જ એ પણ જણાવવાનું રહેશે કે પરીક્ષા વ્યવસ્થાપન માટે જરૂરી વિશેષજ્ઞ કર્મચારીઓ અને વિવિધ ક્ષેત્રના નિષ્ણાતોને કેવી રીતે જોડવામાં આવશે.
કોર્ટે નોંધ્યું હતું કે NTA પાસે એવી ભૌતિક અને બૌદ્ધિક ક્ષમતા હોવી જોઈએ કે જેના કારણે NEET-2024 અને 2026 જેવી વિવાદાસ્પદ પરિસ્થિતિઓ ફરી ક્યારેય સર્જાય નહીં. અદાલતે સ્પષ્ટ કર્યું કે લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે જોડાયેલી પરીક્ષાઓમાં કોઈપણ પ્રકારની ખામી ગંભીર પરિણામો લાવી શકે છે.
આ પણ વાંચો: 'સ્વેચ્છાએ જશો તો બચી જશો, બાકી કાર્યવાહી નક્કી!' : ઘૂસણખોરો માટે કેન્દ્રીય ગૃહમંત્રાલયનું 'અલ્ટીમેટમ'
“યુવાનોને નિરાશ ન કરી શકાય”
સુનાવણી દરમિયાન બેન્ચે કડક ટિપ્પણી કરતાં જણાવ્યું હતું કે આવી ઘટનાઓ વિદ્યાર્થીઓ માટે અત્યંત આઘાતજનક સાબિત થાય છે. કોર્ટે કહ્યું કે, “આવી ઘટના બને ત્યારે તે ખૂબ જ દુઃખદ અને માનસિક રીતે પીડાદાયક હોય છે. આપણે આપણા યુવાનોને નિરાશ ન કરી શકીએ.”
અદાલતે વધુમાં જણાવ્યું કે જો ભવિષ્યમાં આવી કોઈ ઘટના ફરી બને તો જવાબદારી પણ નિશ્ચિત થવી જોઈએ. પરીક્ષા પ્રણાલીમાં પારદર્શિતા અને જવાબદારી બંને જરૂરી હોવાનું કોર્ટે ભારપૂર્વક જણાવ્યું હતું.
કેન્દ્ર સરકાર: PM મોદી વ્યક્તિગત રીતે દેખરેખ રાખી રહ્યા છે
સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકાર તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ અદાલતને જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ સમગ્ર મુદ્દાની વ્યક્તિગત રીતે દેખરેખ રાખી રહ્યા છે.
તેમણે જણાવ્યું કે સરકાર વિદ્યાર્થીઓની ચિંતાઓને લઈને અત્યંત ગંભીર છે અને પરીક્ષા પ્રણાલીમાં કોઈ ખામી ન રહે તે માટે સતત પ્રયાસ કરી રહી છે. મહેતાના જણાવ્યા મુજબ, “અમે દેશના યુવાનો સાથે સંકળાયેલા મુદ્દા પર કામ કરી રહ્યા છીએ અને સરકાર તેમની ચિંતાઓને લઈને સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે.”
આ પણ વાંચો: ગાંધીનગરમાં FABEXA-11 એક્ઝિબિશનનો પ્રારંભ : જગદીશ વિશ્વકર્માએ હાજરી આપી
ડૉક્ટર સંગઠનોની અરજી બાદ શરૂ થઈ કાર્યવાહી
આ સમગ્ર મામલો ત્યારે સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો હતો જ્યારે ઓલ ઈન્ડિયા મેડિકલ એસોસિએશન અને યુનાઈટેડ ડોક્ટર્સ ફ્રન્ટ દ્વારા અરજી દાખલ કરવામાં આવી હતી. અરજીમાં NTA પર દેશની સૌથી મોટી અને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાંથી એક NEET ની વિશ્વસનીયતા જાળવવામાં નિષ્ફળ જવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો.
અરજદારોનું કહેવું હતું કે પરીક્ષા પ્રક્રિયામાં પારદર્શિતા, સુરક્ષા અને વિશ્વસનીયતા સુનિશ્ચિત કરવા માટે વધુ મજબૂત વ્યવસ્થા જરૂરી છે.
આ પણ વાંચો: ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ : 30 મે થી 4 જૂન સુધી આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
અગાઉ પણ NTA સામે કરી હતી કડક ટિપ્પણી
નોંધનીય છે કે NEET પેપર લીક અને અન્ય વિવાદોને લઈને સુપ્રીમ કોર્ટે અગાઉ પણ NTA સામે કડક વલણ અપનાવ્યું હતું. કોર્ટે ટિપ્પણી કરી હતી કે “દુઃખની વાત છે કે NTA એ અગાઉના NEET પેપર લીકમાંથી કોઈ પાઠ શીખ્યો નથી.”
હવે કેન્દ્ર સરકાર દ્વારા દાખલ થનારા એફિડેવિટ અને ભવિષ્યમાં NTAમાં થનારા સુધારાઓ પર લાખો વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષણ ક્ષેત્રની નજર ટકેલી છે.






