મધ્ય પૂર્વમાં લાંબા સમયથી ચાલી રહેલા તણાવ વચ્ચે હવે એક નવી રાજકીય ચર્ચાએ જોર પકડ્યું છે. અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ફરી એક વખત 'અબ્રાહમ અકોર્ડ'ને કેન્દ્રમાં લાવવામાં આવ્યો છે. ખાસ વાત એ છે કે હવે ટ્રમ્પ દ્વારા ઈરાનને પણ આ સમજૂતીમાં સામેલ કરવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે, જેના કારણે આંતરરાષ્ટ્રીય રાજકારણમાં નવી ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.
માહિતી અનુસાર અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા તણાવમાં ઘટાડા અને સંભવિત સમજૂતીની ચર્ચા વચ્ચે ટ્રમ્પે અનેક અરબ અને મુસ્લિમ દેશોના નેતાઓ સાથે ફોન પર વાતચીત કરી હતી. જેમાં સાઉદી અરેબિયા, સંયુક્ત આરબ અમીરાત, કતાર, તુર્કી, ઇજિપ્ત, જોર્ડન અને બહેરીન જેવા દેશોના નેતાઓ સામેલ હતા.
અમેરિકન સૂત્રોના જણાવ્યા મુજબ આ ચર્ચાનો મુખ્ય મુદ્દો ઈરાન સાથે ઊભરતી સંભવિત ડીલ હતો, પરંતુ વાતચીત દરમિયાન ટ્રમ્પે અચાનક અબ્રાહમ અકોર્ડનો મુદ્દો ઉઠાવી અરબ દેશોએ ઈઝરાયેલ સાથે સંબંધો સામાન્ય કરવા જોઈએ તેવી વાત કરી હતી.
શું છે અબ્રાહમ અકોર્ડ?
અબ્રાહમ અકોર્ડ અમેરિકાની મધ્યસ્થતામાં થયેલું એક ઐતિહાસિક રાજકીય સમજૂતી કરાર છે. તેનો મુખ્ય હેતુ અરબ દેશો અને ઈઝરાયેલ વચ્ચે લાંબા સમયથી ચાલતી દુશ્મની ઘટાડીને રાજદ્વારી, વેપાર અને સુરક્ષા સંબંધો સામાન્ય કરવાનો હતો.
આ સમજૂતી 2020 દરમિયાન કોરોના મહામારીના સમયમાં જાહેર થઈ હતી. શરૂઆતમાં સંયુક્ત આરબ અમીરાત અને બહેરીન એ ઈઝરાયેલ સાથે સત્તાવાર સંબંધો સ્થાપિત કર્યા હતા. ત્યારબાદ મોરોક્કો અને સુદાન પણ આ કરારમાં જોડાયા હતા.
નિષ્ણાતોના મતે આ સમજૂતી પાછળનો એક મોટો વ્યૂહાત્મક હેતુ મધ્ય પૂર્વમાં ઈરાનના વધતા પ્રભાવને સંતુલિત કરવાનો પણ હતો. અમેરિકા ઈઝરાયેલ અને અરબ દેશોને એક મંચ પર લાવી પ્રદેશમાં નવી રાજકીય ગઠબંધન ઉભું કરવા માગતું હતું.
ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે કેમ છે કટ્ટર દુશ્મની?
ઈરાન અને ઈઝરાયેલ વચ્ચેનો તણાવ દાયકાઓ જૂનો છે. વર્ષ 1979ની ઇસ્લામિક ક્રાંતિ પહેલાં બંને દેશો વચ્ચે સારા સંબંધો હતા. પરંતુ ઇસ્લામિક ક્રાંતિ બાદ અયાતુલ્લાહ શાસન આવતાં ઈરાનની વિદેશ નીતિમાં ઈઝરાયેલ વિરોધ કેન્દ્રસ્થાને આવી ગયો.
ઈરાને વર્ષો દરમિયાન હમાસ, હિઝબુલ્લાહ અને હૂતી જૂથો જેવા સંગઠનોને સમર્થન આપી “Axis of Resistance” ઊભું કર્યું. બીજી તરફ ઈઝરાયેલ અને અમેરિકા ઈરાનના પરમાણુ કાર્યક્રમ અને પ્રાદેશિક પ્રભાવ સામે સતત કડક વલણ અપનાવતા આવ્યા છે. તાજેતરના હુમલાઓ અને રાજકીય ટકરાવ બાદ બંને દેશો વચ્ચેનો તણાવ વધુ વધી ગયો છે. તેથી હાલની પરિસ્થિતિમાં ઈરાનનું અબ્રાહમ અકોર્ડમાં જોડાવું ખૂબ મુશ્કેલ માનવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો: PM મોદીના ફેન બન્યા ટ્રમ્પ : કહ્યું- ભારત મારા પર 100% ભરોસો રાખી શકે
ટ્રમ્પનો નવો સંકેત અને અરબ દેશો પર દબાણ
ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ અબ્રાહમ અકોર્ડનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે મધ્ય પૂર્વના દેશોએ આ ઐતિહાસિક સમજૂતીમાં જોડાઈ પ્રદેશમાં શાંતિ અને સહકાર વધારવો જોઈએ. અમેરિકન રિપબ્લિકન નેતા Lindsey Graham એ પણ ટ્રમ્પની પહેલને સમર્થન આપ્યું છે. તેમણે કહ્યું હતું કે જો અરબ અને મુસ્લિમ દેશો અબ્રાહમ અકોર્ડમાં જોડાશે તો તે મધ્ય પૂર્વના ઈતિહાસની સૌથી મોટી શાંતિ પહેલ બની શકે છે. ટ્રમ્પ ફરી સત્તામાં આવવાની સંભાવનાઓ વચ્ચે મધ્ય પૂર્વમાં પોતાનું પ્રભાવ મજબૂત બનાવવા ઈચ્છે છે. અબ્રાહમ અકોર્ડને વિસ્તૃત કરવું તેની વ્યૂહરચનાનો મહત્વનો ભાગ બની શકે છે.
શું સાઉદી અરેબિયા તૈયાર થશે?
આ સમગ્ર ચર્ચામાં સૌથી મહત્વપૂર્ણ નામ મોહમ્મદ બિન સલમાનનું માનવામાં આવે છે. ભૂતકાળમાં તેમણે ઈઝરાયેલ સાથે સંબંધો સામાન્ય કરવાની ઈચ્છા દર્શાવી હતી, પરંતુ ગાઝા સંકટ અને પ્રાદેશિક રાજકારણ બાદ તેમનું વલણ નરમ પડ્યું હોવાનું કહેવાય છે.
જો સાઉદી અરેબિયા અબ્રાહમ અકોર્ડમાં સત્તાવાર રીતે જોડાય તો મધ્ય પૂર્વના રાજકીય સમીકરણોમાં મોટો ફેરફાર આવી શકે છે. જોકે ઈરાન અને ઈઝરાયેલ વચ્ચેનો ઐતિહાસિક વિરોધ જોતા હાલ ઈરાનનું આ કરારમાં જોડાવું ખૂબ જ અઘરું માનવામાં આવે છે.





