અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભરપેટ વખાણ કરતા તેમને પોતાના મહાન મિત્ર ગણાવ્યા છે. ટ્રમ્પે દાવો કર્યો છે કે ભારત અમેરિકા અને તેમના પર 100% ભરોસો રાખી શકે છે.
અમેરિકાના 250th સ્વતંત્રતા દિવસ નિમિત્તે નવી દિલ્હીના ભારત મંડપમમાં એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકી રાજદૂત સર્જિયો ગોરને ફોન કરીને ત્યાં હાજર લોકોને સંબોધિત કર્યા હતા. ટ્રમ્પે પોતાના સંબોધનમાં ભારત પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કર્યો હતો અને પીએમ મોદીને પોતાના ખાસ મિત્ર ગણાવીને તેઓ તેમના બહુ મોટા ફેન હોવાનું સ્વીકાર્યું હતું.
'મોદીને ખબર છે કે ક્યાં ફોન કરવો'
ટ્રમ્પે ભારત-અમેરિકાના મજબૂત થતા સંબંધો પર ભાર મૂકતા જણાવ્યું હતું કે, અમે પહેલા ક્યારેય ભારતની આટલા નજીક નહોતા. ભારત દેશ મારા પર અને અમેરિકા પર 100% ભરોસો રાખી શકે છે. જો ભારતને ક્યારેય પણ કોઈ મદદની જરૂર પડશે, તો પીએમ મોદીને બરાબર ખબર છે કે તેમણે ક્યાં ફોન કરવાનો છે, તેઓ અહીં જ ફોન કરે છે અને હું હંમેશા તૈયાર છું.
ટ્રેડ ડીલ અને ટેરિફ પર સકારાત્મક સંકેતો
ટ્રમ્પનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે બંને દેશો વચ્ચે ટ્રેડ ડીલ (વેપાર કરાર) અને ટેરિફને લઈને મહત્વની વાતચીત ચાલી રહી છે. અમેરિકાએ તાજેતરના મહિનાઓમાં કેટલાક ભારતીય ઉત્પાદનો પર ટેરિફ વધાર્યો હતો, પરંતુ ફેબ્રુઆરી મહિનામાં અમેરિકાએ ભારત પર લગાવેલા 50% ટેરિફને ઘટાડીને 18% કરી દીધો હતો. અમેરિકી વિદેશ મંત્રી માર્કો રુબિયોએ પણ સંકેત આપ્યા છે કે બંને દેશો વચ્ચે ટૂંક સમયમાં જ વ્યાપાર કરાર થઈ શકે છે. ભારત અને અમેરિકા હાલમાં રક્ષા, AI, સેમિકન્ડક્ટર અને ઉર્જા ક્ષેત્રે સાથે મળીને આગળ વધી રહ્યા છે.
રોકાણમાં થયો મોટો ફાયદો
ભારતમાં અમેરિકી રાજદૂત સર્જિયો ગોરે જણાવ્યું કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ જ્યારે પણ તેમની સાથે વાત કરે છે, ત્યારે પીએમ મોદી વિશે ચોક્કસ પૂછે છે. તેમણે માહિતી આપી હતી કે નવી દિલ્હી સ્થિત અમેરિકી દૂતાવાસે આ વર્ષે અમેરિકામાં 20.5 અબજ ડોલરનું રેકોર્ડ બ્રેક રોકાણ લાવવામાં મોટી મદદ કરી છે.
આતંકવાદ વિરુદ્ધ ઝીરો ટોલરન્સ: એસ જયશંકર
આ કાર્યક્રમમાં હાજર ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે જણાવ્યું હતું કે વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ ટ્રમ્પે બંને દેશોની ભાગીદારીને મજબૂત કરવાની એક નવી દિશા નક્કી કરી છે. તેમણે આતંકવાદના મુદ્દે કડક વલણ અપનાવતા કહ્યું કે, આતંકવાદ સામે "ઝીરો ટોલરન્સ" હોવું જોઈએ એટલે કે તેમાં બિલકુલ નરમાઈ દાખવવી જોઈએ નહીં. ભારત અને અમેરિકા બંને લોકતાંત્રિક દેશો હોવાથી સંરક્ષણ, ટેકનોલોજી, સેમિકન્ડક્ટર, સ્પેસ અને શિક્ષણ જેવા અનેક ક્ષેત્રોમાં વ્યૂહાત્મક ભાગીદારી સતત વધારી રહ્યા છે.





