બુધવારે (20 ઓગસ્ટ 2025) અમિત શાહે લોકસભામાં ત્રણ બીલ રજુ કર્યા બાદ ભારે હોબાળો શરૂ થયો હતો. બિલ વાંચ્યા પછી, વિપક્ષી તેને ફાડીને ગૃહમંત્રી અમિત શાહ તરફ ફેંક્યું. આ બિલમાં જોગવાઈ કરવામાં આવી છે કે ગંભીર ગુનાહિત આરોપોના સંબંધમાં જો PM, કેન્દ્રીય પ્રધાન, CM અથવા રાજ્ય અથવા કેન્દ્રશાસિત પ્રદેશના મંત્રી સતત 30 દિવસ જેલમાં રહે તો તેમને પદ પરથી હટાવવામાં આવે. તો ચાલો આ ત્રણેય બીલ વિશે વિગતે જાણીએ...
બંધારણ (એકસો ત્રીસમો સુધારો) બિલ 2025
5 વર્ષ કે તેથી વધુ સજાપાત્ર ગુના માટે 30 દિવસ સુધી કસ્ટડીમાં રહ્યા પછી કાઢી મૂકવાની જોગવાઈ કરવામાં આવી છે. આ બીલ પ્રધાનમંત્રી, કેન્દ્રમાં મંત્રી, મુખ્યમંત્રી અને રાજ્યના મંત્રી પર લાગુ પડે છે. આને પહેલા કોઈ મંત્રી માટે રાજીનામું આપવાની કોઈ જોગવાઈ નહતી. હવે કલમ 75 - પ્રધાનમંત્રી અને કેન્દ્રીય મંત્રી પરિષદની નિમણૂક, કલમ 164 - મુખ્યમંત્રી અને મંત્રી પરિષદની નિમણૂક અને કલમ 239AA - દિલ્હીના મુખ્યમંત્રી અને મંત્રી પરિષદ એમ ત્રણ કલમોમાં સુધારાની જોગવાઈ કરવામાં આવી છે.
જમ્મુ અને કાશ્મીર પુનર્ગઠન (સુધારા) બિલ 2025
જમ્મુ અને કાશ્મીર પુનર્ગઠન અધિનિયમ, 2019 (2019 ના 34) માં એવી કોઈ જોગવાઈ નથી કે ગુનાહિત આરોપોમાં ધરપકડ અને અટકાયતની સ્થિતિમાં મુખ્યમંત્રી અથવા મંત્રીને દૂર કરી શકાય. તેથી જમ્મુ અને કાશ્મીર પુનર્ગઠન સુધારામાં બિલ મુજબ તેની કલમ 54 માં સુધારો કરવામાં આવશે. આ કલમમાં નવી કલમ (4A) ઉમેરવામાં આવશે.
કેન્દ્રશાસિત પ્રદેશ સરકાર (સુધારા) બિલ 2025
કેન્દ્રશાસિત પ્રદેશના ઉદ્દેશ્યો અને કારણોના નિવેદન (સુધારા બિલ, 2025) અનુસાર, કેન્દ્રશાસિત પ્રદેશ અધિનિયમ, 1963 (1963 ના 20) માં એવી કોઈ જોગવાઈ નથી કે જેના હેઠળ ગંભીર ગુનાહિત આરોપોમાં ધરપકડ અને અટકાયત પછી મુખ્યમંત્રી અથવા મંત્રીને દૂર કરી શકાય. આ જ કારણ છે કે આ કાયદાની કલમ 45 માં સુધારો કરીને આવી પરિસ્થિતિ માટે કાનૂની જોગવાઈ કરવી જરૂરી છે. આ બિલ ઉપરોક્ત ઉદ્દેશ્યોને પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરે છે.