West Bengal Elections 2026: પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીનો જંગ ચરમસીમાએ પહોંચ્યો છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીએ મમતા બેનર્જીના ગઢમાં ગાબડું પાડવા માટે પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કરી દીધો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શુક્રવારે ભાજપનો મેનિફેસ્ટો રજૂ કર્યો, જેને આ વખતે 'સંકલ્પ પત્ર'ને બદલે 'ભરોસા પત્ર' નામ આપવામાં આવ્યું છે. આ ઢંઢેરામાં ભાજપે હિન્દુત્વ, સુરક્ષા અને લોકકલ્યાણકારી યોજનાઓનું મિશ્રણ કરીને મતદારોને રીઝવવાનો મોટો દાવ ખેલ્યો છે.
અમિત શાહે આ પ્રસંગે મમતા સરકાર પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, બંગાળની જનતા હવે 'દીદી' ના શાસનથી કંટાળી ગઈ છે અને પરિવર્તન ઈચ્છે છે. તેમણે વચન આપ્યું હતું કે જો ભાજપ સત્તા પર આવશે તો માત્ર છ મહિનાની અંદર સમાન નાગરિક સંહિતા (UCC) લાગુ કરવામાં આવશે. આ ઉપરાંત, ઘૂસણખોરી રોકવા અને સરહદો સીલ કરવા જેવા મુદ્દાઓ પર પણ ભાર મૂકવામાં આવ્યો છે, જે બંગાળના રાજકારણમાં ગરમાવો લાવી શકે છે.
6 મહિનામાં UCC અને ઘૂસણખોરી પર સર્જિકલ સ્ટ્રાઈક
અમિત શાહે જાહેરાત કરી હતી કે ભાજપ શાસિત અન્ય રાજ્યોની જેમ બંગાળમાં પણ સત્તામાં આવ્યાના 6 મહિનાની અંદર UCC (Uniform Civil Code) લાગુ કરવામાં આવશે. આ કાયદાથી રાજ્યના તમામ નાગરિકો માટે સમાન કાયદો અમલી બનશે. આ ઉપરાંત, તેમણે સુરક્ષાના મુદ્દે વચન આપ્યું કે બાંગ્લાદેશી ઘૂસણખોરો સામે 'ઝીરો ટોલરન્સ' ની નીતિ અપનાવીને સરહદો સંપૂર્ણપણે સીલ કરવામાં આવશે, જેથી ગાયોની તસ્કરી અને ગેરકાયદેસર પ્રવેશ અટકાવી શકાય.
મહિલાઓ માટે 'લક્ષ્મી' સમાન યોજના: દર મહિને ₹3000
મહિલા મતદારોને આકર્ષવા માટે ભાજપે મોટી જાહેરાત કરી છે. અમિત શાહે વચન આપ્યું છે કે ભાજપ સરકાર દરેક માતાના બેંક ખાતામાં દર મહિનાની 1 થી 5 તારીખ વચ્ચે 3,000 રૂપિયા સીધા ટ્રાન્સફર કરશે. આ યોજના ટીએમસીની 'લક્ષ્મી ભંડાર' યોજના સામે ભાજપનો વળતો પ્રહાર માનવામાં આવે છે. આ ઉપરાંત, કેન્દ્ર સરકારની 'આયુષ્માન ભારત' જેવી તમામ યોજનાઓ જે અત્યાર સુધી બંગાળમાં અટવાયેલી હતી, તેને તાત્કાલિક લાગુ કરવાનું વચન અપાયું છે.
સરકારી કર્મચારીઓ માટે ખુશખબર: 7મું પગાર પંચ અને DA
બંગાળના સરકારી કર્મચારીઓમાં રહેલા અસંતોષને દૂર કરવા માટે ભાજપે 'માસ્ટરસ્ટ્રોક' માર્યો છે. મેનિફેસ્ટો મુજબ, સરકાર બન્યાના માત્ર 45 દિવસમાં 7મા પગાર પંચની ભલામણો લાગુ કરવામાં આવશે. સાથે જ તમામ પેન્શનરો અને કર્મચારીઓ માટે બાકી રહેલું મોંઘવારી ભથ્થું (DA) પણ સુનિશ્ચિત કરવામાં આવશે.
'ભરોસા પત્ર' એ વિકસિત બંગાળનો રોડમેપ
અમિત શાહે ભારપૂર્વક જણાવ્યું હતું કે, ટૃણમૂલ કોંગ્રેસના 15 વર્ષના 'દુઃસ્વપ્ન' સમાન શાસન પછી બંગાળ હવે વિકાસનો માર્ગ શોધી રહ્યું છે. તેમણે કહ્યું, "બંગાળના લોકોએ દીદીને ત્રણ તક આપી, પણ દરેક વખતે નિરાશા જ મળી છે. અમારો આ 'ભરોસા પત્ર' એ માત્ર ચૂંટણી વચન નથી, પણ વિકસિત બંગાળ માટેનો ભાજપનો રોડમેપ છે." આ ઢંઢેરામાં યુવાનો માટે રોજગારી અને બંગાળની સંસ્કૃતિના જતન માટે પણ અનેક સંકલ્પો લેવામાં આવ્યા છે.





