Rajkot Local Body Election 2026: રાજકોટ મહાનગરપાલિકા (RMC) ની વર્ષ ૨૦૨૬માં યોજાનારી સામાન્ય ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે. આગામી ૨૬ એપ્રિલે મતદાન અને ૧૧ એપ્રિલ સુધીમાં ઉમેદવારી પત્રો ભરવાની તારીખો નક્કી થતાં જ રાજકીય માહોલમાં ભારે ગરમાવો આવી ગયો છે. જોકે, આ વખતનો જંગ અગાઉની તમામ ચૂંટણીઓ કરતાં સાવ અલગ અને ઐતિહાસિક સાબિત થવા જઈ રહ્યો છે. તેનું મુખ્ય કારણ છે અનામતની નવી રોટેશન સિસ્ટમ! ઝવેરી પંચની ભલામણોના આધારે લાગુ થયેલા અનામત વર્ગીકરણના નવા નિયમોએ રાજકોટના સ્થાનિક રાજકારણમાં મોટો ભૂકંપ સર્જ્યો છે.
ઉલ્લેખનીય છેકે, તમામ ૧૮ વોર્ડની ૭૨ બેઠકો પર રાજકીય સમીકરણો એવી રીતે બદલાયા છે કે દાયકાઓથી પોતાના વોર્ડમાં એકહથ્થુ શાસન ચલાવતા દિગ્ગજ નેતાઓના પાયા હચમચી ગયા છે. ગુજરાત સરકારે ઝવેરી પંચની ભલામણો સ્વીકારીને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં અન્ય પછાત વર્ગ (OBC) માટેની અનામત ૧૦ ટકાથી વધારીને સીધી ૨૭ ટકા કરી દીધી છે. આ ઐતિહાસિક નિર્ણયની સૌથી મોટી અસર રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ સીમાંકન અને બેઠકોના રોટેશન પર પડી રહી છે. નવી રોટેશન પ્રક્રિયા અમલમાં આવતાં સામાજિક સમીકરણો અને જાતિગત આંકડાઓનું રાજકીય ગણિત સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે.
આ પણ વાંચોઃ ચૂંટણીમાં ભાજપે જે સુંદર ચહેરાને ટિકિટ આપી એ કોણ છે? : જાણો કેમ instagram પર ભાજપના આ ઉમેદવારને લાખો લોકો કરે છે ફોલો
આ નિર્ણય પાછળ શું કારણ છે?
વોર્ડ પ્રમાણે આંકડાકીય વિશ્લેષણ કરીએ તો… અનામત રોટેશને ભારે આશ્ચર્યજનક સ્થિતિ ઊભી કરી છે. વોર્ડ નંબર ૧માં અત્યાર સુધી અનુસૂચિત જાતિ (SC) માટે અનામત રહેલી બેઠક હવે સીધી OBCના ફાળે ગઈ છે, જ્યારે વોર્ડ નંબર ૨ની સામાન્ય (General) બેઠકને SC અનામતમાં ફેરવી દેવાઈ છે. આ જ સિલસિલો આગળ વધારતા, વોર્ડ નંબર ૫ની ત્રીજી બેઠક OBC કેટેગરીમાં જતી રહી છે. વોર્ડ ૬ અને ૭ની સ્થિતિ તો વળી અલગ જ પ્રકારની છે; વોર્ડ ૬ની પ્રથમ બેઠક SC અને ત્રીજી બેઠક OBC માટે અનામત રખાઈ છે, જ્યારે વોર્ડ ૭માં તેનાથી બિલકુલ વિપરીત પ્રથમ બેઠક OBC અને ત્રીજી બેઠક SC માટે અનામત જાહેર થઈ છે. વધુમાં, વોર્ડ નંબર ૧૦માં જે બેઠક પહેલાં OBC હતી તે હવે સામાન્યમાં અને સામાન્ય બેઠક OBCમાં પરિવર્તિત થઈ છે.
આ પણ વાંચોઃ 1 M Followers ધરાવતી Social Media Star ને ભાજપે આપી ટિકિટ : શું ચૂંટણીમાં મતદારો પર ચાલશે Influencer અંકિતા પરમારનો જાદુ?
આ ઉપરાંત, વોર્ડ ૧૪ અને ૧૫માં અગાઉની SC બેઠકો હવે OBCને ફાળવવામાં આવી છે. આ આંકડાકીય અને માળખાગત ફેરફારો સ્પષ્ટ ઈશારો કરી રહ્યા છે કે જૂના જોગીઓ માટે હવે પોતાના ગઢ સાચવવા લગભગ અશક્ય બની ગયા છે. મહત્વપૂર્ણ વાત એ છે કે.. અનામત બેઠકોના આ ભૌગોલિક અને જ્ઞાતિગત પરિવર્તનને કારણે રાજકોટના સ્થાનિક રાજકારણમાં ભારે ખળભળાટ મચી ગયો છે. વર્ષોથી પોતાના હોમ વોર્ડમાં ચૂંટાતા વર્તમાન કોર્પોરેટરો અને સિનિયર નેતાઓ રાતોરાત પોતાની પરંપરાગત બેઠકો ગુમાવી બેઠા છે.
રાજકીય અસ્તિત્વ બચાવવા લોબિંગ અને ભાઈ-ભત્રીજાવાદ
બેઠકનું સ્ટેટસ બદલાતા ઘણા કદાવર નેતાઓના પત્તા આપોઆપ કપાઈ ગયા છે. પોતાના રાજકીય અસ્તિત્વને બચાવવા માટે આ નેતાઓએ અત્યારથી જ ગાંધીનગરના આંટાફેરા શરૂ કરી દેશ્યા છે. પોતાના માટે કોઈ નવો અને સુરક્ષિત વોર્ડ શોધવા અથવા તો પોતાના કોઈ વફાદાર વ્યક્તિને ટિકિટ અપાવવા માટે ભયંકર લોબિંગ અને દબાણની રાજનીતિ શરૂ થઈ ચૂકી છે.
આ પણ વાંચોઃ આ સુંદર ચહેરા માટે ભાજપે વર્ષો જૂના કાર્યકરનું પત્તું કાપ્યું : ટિકિટ ના આપી તો નયનાબેન ભાજપને હરાવવા અપક્ષ ચૂંટણી લડશે, 34માંથી 32 નવા ચહેરા!
પરંતુ વાત અહીં અટકતી નથી… પોતાના રાજકીય વારસાને જીવંત રાખવા માટે 'ભાઈ-ભત્રીજાવાદ' પણ પૂરજોશમાં ચાલી રહ્યો છે. જે નેતાઓ અનામત રોટેશનના કારણે ચૂંટણી લડવા માટે ગેરલાયક ઠર્યા છે અથવા જેમની બેઠક અન્ય જ્ઞાતિ માટે રિઝર્વ થઈ ગઈ છે, તેઓ હવે બેક-ડોર એન્ટ્રી માટે પોતાના પત્ની, પુત્ર, ભાઈ કે અન્ય સગાસંબંધીઓ માટે ટિકિટની માંગ કરી રહ્યા છે.
પક્ષના પ્રદેશ હાઈકમાન્ડ સમક્ષ આવા દબાણો એટલા વધી રહ્યા છે કે આગામી દિવસોમાં તે મોવડી મંડળ માટે બહુ મોટા માથાના દુખાવા સમાન બની રહેશે. આગામી મહાનગરપાલિકાની ચૂંટણી માત્ર અનામતના બદલાયેલા માળખા પર જ નહીં, પરંતુ રાજકોટના હૈયે હજુ તાજી એવી ગોઝારી ઘટનાઓના પડછાયા હેઠળ પણ લડાશે.
TRP અગ્નિકાંડ અને નો-રિપીટ થિયરી
TRP ગેમ ઝેન અગ્નિકાંડની હચમચાવી દેનારી દુર્ઘટના અને તેમાં વહીવટી તંત્રની ગંભીર બેદરકારી છતી થતાં સત્તાધારી પક્ષ ભાજપની છબીને બહુ મોટો ફટકો પડ્યો છે. પ્રજાના મનમાં પ્રવર્તતો રોષ અને નારાજગી શાંત કરવા માટે ભાજપ હાઈકમાન્ડ અત્યંત સતર્ક બની ગયું છે. મહત્વપૂર્ણ વાત એ છે કે.. આ અગ્નિકાંડ અને અન્ય વિવાદોમાં સંડોવાયેલા અથવા જેમની કામગીરી શંકાના ગીરામાં રહી છે, તેવા તમામ વિવાદાસ્પદ નેતાઓને આ વખતે સંપૂર્ણપણે સાઇડલાઇન કરી દેવાય તેવી પ્રબળ શક્યતા છે.
ડેમેજ કંટ્રોલના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટી આગામી ચૂંટણીમાં આકરી 'નો-રિપીટ' થિયરી અપનાવી શકે છે. પક્ષનું મુખ્ય ફોકસ હવે 'સ્વચ્છ છબી' ધરાવતા અને 'ફ્રેશ ફેસ' (નવા ચહેરાઓ) ને મેદાનમાં ઉતારવા પર છે. ખાસ કરીને યુવાનો, શિક્ષિત ઉમેદવારો અને સમાજમાં સારું પ્રભુત્વ ધરાવતા સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સને ટિકિટ આપીને મતદારોનું ધ્યાન ખેંચવાની નવી રણનીતિ ઘડાઈ રહી છે.
સત્તાનું રોટેશન અને ત્રિપાંખિયો જંગ
રાજકોટ મહાનગરપાલિકાના ઐતિહાસિક પરિપ્રેક્ષ્ય પર નજર કરીએ તો, મેયર અને અન્ય પદાધિકારીઓ માટે અઢી-અઢી (૨.૫) વર્ષની ટર્મનું રોટેશન વર્ષોથી અસ્તિત્વમાં છે. આ સિસ્ટમ મુજબ, પાંચ વર્ષની સંપૂર્ણ ટર્મ દરમિયાન બે અલગ-અલગ જ્ઞાતિ અથવા વર્ગના ઉમેદવારોને મેયર પદની જવાબદારી સોંપવામાં આવે છે.
પરંતુ, ઝવેરી પંચના નવા અનામત માળખા બાદ મેયર પદનું આ રોટેશન પણ નવેસરથી નક્કી થશે, જેના પર રાજકીય નિષ્ણાતોની બાજ નજર મંડાયેલી છે. કોને પ્રથમ અઢી વર્ષ મળશે અને કોને બાકીના, તે સત્તાની વહેંચણીનું મુખ્ય કેન્દ્ર બનશે. આ વખતની ચૂંટણીમાં મુકાબલો માત્ર બે પક્ષો પૂરતો સીમિત રહ્યો નથી.
પરંપરાગત રીતે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ખેલાતા આ રાજકીય જંગમાં હવે આમ આદમી પાર્ટી (AAP) એ પણ સક્રિય રીતે ઝંપલાવ્યું છે. શું ભાજપ પોતાના અસંતુષ્ટ નેતાઓને મનાવીને 'નો-રિપીટ' થિયરીનો સફળતાપૂર્વક અમલ કરી શકશે? બીજી તરફ વિપક્ષો પણ એન્ટી-ઇન્કમ્બન્સી અને TRP અગ્નિકાંડ જેવા મુદ્દાઓને ઢાલ બનાવી રહ્યા છે.






