Vadodara BJP Dispute: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ બરાબરનો જામ્યો છે, પરંતુ ઉમેદવારોના નામ જાહેર થતાની સાથે જ વડોદરા જિલ્લા ભાજપમાં ભડકો થયો છે. શિસ્તબદ્ધ ગણાતી ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ ફાળવણીના મુદ્દે આંતરિક જૂથવાદ સપાટી પર આવ્યો છે. વડોદરા જિલ્લા પંચાયતની હાઈપ્રોફાઈલ ગણાતી પોર બેઠક પર ઉમેદવારની પસંદગી મામલે કાર્યકરો અને દાવેદારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પક્ષ દ્વારા જાહેર કરાયેલા નામ સામે સ્થાનિક સ્તરે 'અસંતોષની આગ' લાગી છે, જે આગામી દિવસોમાં ભાજપના વિજય રથને રોકી શકે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે.
પોર બેઠક પર ભાજપના 'ગણિત' ઉંધા પડ્યા?
જિલ્લા પંચાયતની પોર બેઠક માટે ભાજપ હાઈકમાન્ડે અંકિતા પરમાર ના નામ પર મહોર મારી છે. જોકે, આ જાહેરાત થતાની સાથે જ પોર પંથકના સ્થાનિક કાર્યકરોમાં સોપો પડી ગયો છે. પક્ષના પાયાના કાર્યકરોનો આરોપ છે કે, જે લોકો વર્ષોથી જનતાની વચ્ચે રહીને પક્ષ માટે પરસેવો પાડી રહ્યા છે, તેમની અવગણના કરીને નવા ચહેરાને સ્થાન આપવામાં આવ્યું છે. આ નિર્ણયને કારણે વર્ષો જૂના વફાદાર કાર્યકરોમાં પક્ષ પ્રત્યે નારાજગી વ્યાપી છે.

નયનાબેન પરમારનો બળવો: 'જનતાના આદેશ' પર લડશે ચૂંટણી
ટિકિટ ફાળવણીમાં જેમના નામની સૌથી વધુ ચર્ચા હતી તેવા નયનાબેન પરમાર ની બાદબાકી થતા તેમણે હવે ભાજપ સામે સીધો જંગ છેડ્યો છે. ટિકિટ ન મળતા નારાજ થયેલા નયનાબેને પક્ષના વ્હીપ સામે પડકાર ફેંક્યો છે. તેમના પતિ રાજેશ પરમારે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા આક્રોશ ઠાલવતા જણાવ્યું છે કે, "પક્ષે ભલે અન્યાય કર્યો હોય, પણ જનતા અને સમર્થકોનો આગ્રહ છે કે અમે લડીએ. તેથી નયનાબેન હવે અપક્ષ ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતરશે."
11 એપ્રિલે શક્તિપ્રદર્શન: અપક્ષ ઉમેદવારી નોંધાવશે
માત્ર જાહેરાત જ નહીં, પરંતુ નયનાબેન પરમારે ચૂંટણી જીતવા માટેની રણનીતિ પણ તૈયાર કરી લીધી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, નયનાબેન પરમાર આગામી 11 એપ્રિલ ના રોજ પોતાના વિશાળ સમર્થકો અને કાર્યકરોની ફોજ સાથે જિલ્લા પંચાયતની કચેરીએ પહોંચશે. આ દિવસે તેઓ મોટા પાયે રેલી યોજી અને શક્તિપ્રદર્શન કરી અપક્ષ તરીકે ઉમેદવારી પત્ર ભરશે. આ પગલાથી પોર બેઠક પર ત્રિપાંખિયો જંગ ખેલાશે તે નક્કી છે. નયનાબેનને ભાજપે ટિકિટ ન આપતા તેમના પતિએ સોશિયલ મીડિયા પર બળાપો કાઢ્યો.

ભાજપ માટે 'ડેમેજ કંટ્રોલ' મોટો પડકાર
એક તરફ ભાજપ તમામ બેઠકો પર 'ક્લીન સ્વીપ' કરવાનો દાવો કરી રહી છે, ત્યારે બીજી તરફ ઘરના જ લોકો પક્ષ સામે બાયો ચડાવી રહ્યા છે. જો નયનાબેન અપક્ષ તરીકે મક્કમ રહે છે, તો ભાજપની વોટ બેંકમાં ગાબડું પડવાની પૂરેપૂરી શક્યતા છે. મતોનું વિભાજન થવાથી સીધો ફાયદો વિરોધ પક્ષને મળી શકે છે. હવે જોવાનું એ રહેશે કે ભાજપના જિલ્લા કક્ષાના નેતાઓ નયનાબેનને મનાવી લેવામાં સફળ રહે છે કે પછી 11 એપ્રિલે પોર બેઠક પર ભાજપની મુશ્કેલીઓ વધશે.
34 માંથી 32 નવા ચહેરા!
મહત્વનું છે કે,વડોદરા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભાજપે 'ચેન્જ ઈઝ ધ સ્ટ્રેટેજી' મંત્ર સાથે સૌને ચોંકાવી દીધા છે. 34 બેઠકોમાંથી માત્ર મનિષાબેન પરમાર અને હર્ષાબેન પરમારને રિપીટ કરી, બાકીની તમામ 32 બેઠકો પર નવા અને યુવા ચહેરાઓને મેદાનમાં ઉતાર્યા છે.પક્ષે જૂના જોગીઓના સ્થાને નવી લીડરશિપ તૈયાર કરવા પર ભાર મૂક્યો છે. હવે મોટો સવાલ એ છે કે શું જિલ્લા પંચાયત જેવો જ 'નો રિપીટ'નો ઝટકો વડોદરા મહાનગરપાલિકામાં પણ જોવા મળશે? શું મતદારો ભાજપના આ નવા પ્રયોગને આવકારશે?






