Home Gujarat Vadodara Ankita Parmar Bjp Vadodara District Panchayat Por Seat Candidate

1 M Followers ધરાવતી Social Media Star ને ભાજપે આપી ટિકિટ : શું ચૂંટણીમાં મતદારો પર ચાલશે Influencer અંકિતા પરમારનો જાદુ?

Ankita Parmar BJP candidate Vadodara Por Seat election campaign
Published by: Vishal Dave
Last Updated: Apr 10, 2026, 05:14 AM IST

BJP Gave Ticket To Social Media Star Ankita Parmar : ગુજરાતના રાજકારણમાં જ્યારે પણ ચૂંટણીના બ્યુગલ વાગે છે, ત્યારે નવા ચહેરાઓ અને આશ્ચર્યજનક નિર્ણયોની અપેક્ષા સહજ બની જાય છે. ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવારોની યાદી જાહેર કરીને રાજકીય વિશ્લેષકો અને વિરોધીઓને ફરી એકવાર ચોંકાવી દીધા છે. સોશિયલ મીડિયા સ્ટારને ટિકિટ આપીને ભાજપે પોતાના વર્ષોથી કામ કરતા કાર્યકરોને પણ ચોંકાવી દીધા છે.

વડોદરા જિલ્લા પંચાયતના ચૂંટણી જંગમાં ભાજપે જે ઉમેદવારોની પસંદગી કરી છે, તેમાં સૌથી વધુ ચર્ચા અંકિતા પરમારના નામની થઈ રહી છે. ઈન્સ્ટાગ્રામ પર 1 મિલિયનથી વધુ ફોલોઅર્સ ધરાવતી આ સોશિયલ મીડિયા સ્ટારને ભાજપે વડોદરાની અત્યંત મહત્વની એવી પોર બેઠક પરથી ચૂંટણી મેદાનમાં ઉતારી છે. વિશ્લેષણ કરીએ તો, આ નિર્ણય માત્ર એક સામાન્ય ટિકિટ ફાળવણી નથી, પરંતુ ભાજપની બદલાતી રણનીતિ અને યુવા નેતૃત્વ પરના તેમના અતૂટ વિશ્વાસનું સ્પષ્ટ પ્રતીક છે.

આ નિર્ણય પાછળ શું કારણ છે?

હવે અહીં એક મહત્વનો મુદ્દો સમજવો જરૂરી છે કે ભાજપે અંકિતા પરમાર પર પસંદગીનો કળશ શા માટે ઢોળ્યો? આની પાછળ તેમનો અગાઉનો નક્કર વહીવટ અનુભવ જવાબદાર છે. તેઓ વડોદરા તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે સફળતાપૂર્વક પોતાની ફરજ બજાવી ચૂક્યા છે. પોતાના કાર્યકાળમાં તેમણે અનેક ગામડાઓમાં પાકા રસ્તા, પીવાના પાણી અને સ્ટ્રીટ લાઈટ જેવી પાયાની સુવિધાઓના પ્રશ્નો ઉકેલવામાં અત્યંત સક્રિય ભૂમિકા ભજવી હતી.

ખાસ કરીને મહિલા સશક્તિકરણના ક્ષેત્રમાં સ્વસહાય જૂથોને પ્રોત્સાહન આપીને સ્થાનિક મહિલાઓને આત્મનિર્ભર બનાવવાનું નોંધપાત્ર કામ તેમણે કર્યું છે. પંચાયતની કામગીરીમાં પારદર્શિતા લાવવા માટે ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ તેમની કાર્યશૈલીનો હિસ્સો રહ્યો છે, જેમાં ગંભીરતા અને ગતિ બંનેનો સમન્વય જોવા મળે છે.

આ ઉપરાંત, અંકિતા હાલમાં ગુજરાત પ્રદેશ ભાજપ યુવા મોરચાના ઉપપ્રમુખ તરીકેની મહત્વની જવાબદારી પણ નિભાવી રહ્યા છે. સંગઠનમાં તેમનું આ સ્થાન દર્શાવે છે કે પક્ષના હાઈકમાન્ડે તેમની કાર્યદક્ષતાને રાજ્ય સ્તરે સ્વીકારી છે. 'નમો યુવા સંવાદ' જેવા કાર્યક્રમો થકી રાજ્યભરના યુવાનોને પક્ષની વિચારધારા સાથે જોડવામાં તેમની ભૂમિકા ચાવીરૂપ રહી છે.

પોર બેઠકનું રાજકીય સમીકરણ

વડોદરા જિલ્લા પંચાયતની પોર બેઠકનું રાજકીય ગણિત પણ રસપ્રદ છે. આ બેઠક ઔદ્યોગિક અને ગ્રામીણ એમ બંને પ્રકારના મતદારોનું મિશ્રણ ધરાવે છે. અહીં ઓબીસી અને પાટીદાર મતદારોનું પ્રભુત્વ નોંધપાત્ર છે, પરંતુ આજની નવી પેઢી જાતિવાદના સમીકરણોથી ઉપર ઉઠીને વિકાસ અને આધુનિકતાને પ્રાધાન્ય આપે છે.

પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલની 'નો-રિપીટ' થિયરી અને નવા યુવા ચહેરાઓને તક આપવાની રણનીતિમાં અંકિતા એકદમ ફિટ બેસે છે. પક્ષનું માનવું છે કે ડિજિટલ માધ્યમથી જો યુવા પેઢી સાથે સીધું જોડાણ રાખવામાં આવે, તો તે લાંબા ગાળે સંગઠનના મૂળિયાં વધુ મજબૂત બનાવે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now