દેશભરના કરોડો ખેડૂતો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે 20 જૂનના રોજ પશ્ચિમ બંગાળના હુગલી જિલ્લાના તારકેશ્વર ખાતેથી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-Kisan) યોજનાનો 23મો હપ્તો જાહેર કરશે. આ અવસરે વડાપ્રધાન દેશના વિવિધ રાજ્યોના ખેડૂતો સાથે વર્ચ્યુઅલ માધ્યમથી સંવાદ કરશે અને તેમને સંબોધન પણ કરશે.
આ હપ્તા અંતર્ગત દેશના 9.44 કરોડથી વધુ ખેડૂત પરિવારોના બેંક ખાતામાં સીધા લાભ હસ્તાંતરણ (DBT) દ્વારા રૂ.18,880 કરોડથી વધુની સહાય જમા કરવામાં આવશે. કૃષિ ક્ષેત્રને આર્થિક મજબૂતી આપવા માટે કેન્દ્ર સરકારની આ મહત્વાકાંક્ષી યોજનાનો વધુ એક તબક્કો આવતીકાલે અમલમાં આવશે.
આ પણ વાંચો: ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી : અમદાવાદથી ગાંધીનગર અને કડી સુધી વરસાદી માહોલ
ગુજરાતના ખેડૂતોને રૂ.1,025 કરોડથી વધુનો લાભ
23 મા હપ્તા હેઠળ ગુજરાતના આશરે 51.28 લાખ ખેડૂત પરિવારોને રૂ.1,025 કરોડથી વધુની સહાય સીધી તેમના બેંક ખાતામાં જમા થશે. DBT વ્યવસ્થાના કારણે સહાયની રકમ સીધી ખેડૂતો સુધી પહોંચશે, જેના કારણે પારદર્શિતા અને કાર્યક્ષમતામાં વધારો થયો છે.
રાજ્યના કૃષિ ક્ષેત્ર માટે આ સહાય ખાસ મહત્વની માનવામાં આવી રહી છે, કારણ કે હાલમાં ચોમાસાની શરૂઆત સાથે જ ખેડૂતો વાવણીની તૈયારીઓ અને ખેતીકામમાં વ્યસ્ત છે. આવી સ્થિતિમાં મળનારી આર્થિક સહાય ખેડૂતો માટે ઉપયોગી સાબિત થઈ શકે છે.
ગાંધીનગરમાં રાજ્યકક્ષાનો કાર્યક્રમ
વડાપ્રધાનના રાષ્ટ્રીય કાર્યક્રમના અનુસંધાને ગાંધીનગર ટાઉનહોલ ખાતે રાજ્યકક્ષાના “PM-Kisan ઉત્સવ દિવસ”નું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમની અધ્યક્ષતા ભૂપેન્દ્ર પટેલ કરશે.
કાર્યક્રમમાં રાજ્યના કૃષિ મંત્રી જીતુ વઘાણી અને રાજ્ય મંત્રી રમેશ કટારા પણ ઉપસ્થિત રહેશે. રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને યોજનાની માહિતી અને લાભ અંગે જાગૃતિ લાવવા માટે પણ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો: 'હું ખેડૂતો માટે કામ કરું છું' એમ કહી અંબાલાલે કરી વરસાદની મોટી આગાહી : ગુજરાતના આ વિસ્તારો માટે આગામી 4 કલાક ભારે
22 હપ્તામાં ખેડૂતોને મળ્યો મોટો લાભ
PM-Kisan યોજના હેઠળ અત્યાર સુધીમાં 22 હપ્તાઓ મારફતે દેશના 11 કરોડથી વધુ ખેડૂતોને કુલ રૂ.4.28 લાખ કરોડથી વધુની સહાય ચૂકવવામાં આવી છે. આ યોજના દેશના નાના અને સીમિત જમીન ધરાવતા ખેડૂતો માટે મહત્વપૂર્ણ આર્થિક આધાર બની છે.
ગુજરાતની વાત કરીએ તો અત્યાર સુધીમાં રાજ્યના 69 લાખથી વધુ લાભાર્થી ખેડૂત પરિવારોને કુલ રૂ.23,083 કરોડથી વધુની સહાય સીધી તેમના ખાતામાં જમા કરવામાં આવી છે. રાજ્યમાં યોજનાનો વ્યાપ સતત વધતો રહ્યો છે અને લાખો ખેડૂતો તેનો લાભ લઈ રહ્યા છે.
ગ્રામ્ય સ્તર સુધી ઉજવાશે PM-Kisan ઉત્સવ
આ કાર્યક્રમ માત્ર ગાંધીનગર પૂરતો મર્યાદિત નહીં રહે. સમગ્ર ગુજરાતમાં જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય સ્તરે પણ “PM-Kisan ઉત્સવ દિવસ”ની ઉજવણી કરવામાં આવશે.
રાજ્યભરના કૃષિ વિજ્ઞાન કેન્દ્રો, માર્કેટ યાર્ડ, ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન (FPO), પ્રધાનમંત્રી કિસાન સમૃદ્ધિ કેન્દ્રો અને પ્રાથમિક કૃષિ ધિરાણ સહકારી મંડળીઓ ખાતે વિશેષ કાર્યક્રમો યોજાશે. અહીં ખેડૂતો માટે વડાપ્રધાનના સંબોધનનું જીવંત પ્રસારણ પણ દર્શાવવામાં આવશે.
આ પણ વાંચો: ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી સાથે વાવણીને વેગ : 4.27 લાખ હેક્ટરમાં પાક વાવેતર; ક્યાંક વરસાદ રાહત તો ક્યાંક પાણીની સમસ્યા
ખેતી અને ખેડૂતોને આર્થિક મજબૂતી આપવાનો પ્રયાસ
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ પાત્ર ખેડૂતોને દર વર્ષે રૂ.6,000ની સહાય ત્રણ સમાન હપ્તામાં આપવામાં આવે છે. આ સહાયનો મુખ્ય હેતુ ખેડૂતોને ખેતી સંબંધિત ખર્ચ અને અન્ય જરૂરિયાતોમાં આર્થિક આધાર પૂરો પાડવાનો છે.
ચોમાસાની સિઝન શરૂ થઈ રહી હોવાથી અને રાજ્યમાં વાવણીની પ્રક્રિયા તેજ બની રહી હોવાથી આવતીકાલે જાહેર થનારો 23મો હપ્તો લાખો ખેડૂતો માટે મહત્વપૂર્ણ સાબિત થવાનો છે. ખેડૂતોની નજર હવે સીધી તેમના ખાતામાં જમા થનારી સહાયની રકમ પર ટકેલી છે.





