ગુજરાતમાં વધી રહેલા ડ્રગ્સના દૂષણ સામે સુરક્ષા એજન્સીઓ સતત સક્રિય બની રહી છે. આ દરમિયાન વલસાડ જિલ્લાના વાપી નજીક આવેલા કુંતા ગામમાં ગુજરાત ATS અને વલસાડ SOGએ સંયુક્ત ઓપરેશન હાથ ધરીને MD ડ્રગ્સના એક મોટા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. પોલીસે ગોડાઉન પર દરોડો પાડી આશરે 71.31 લાખ રૂપિયાની કિંમતનું 2.337 કિલોગ્રામ મેફેડ્રોન (MD ડ્રગ્સ) જપ્ત કર્યું છે.
આ કાર્યવાહી દરમિયાન પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે સમગ્ર નેટવર્કનો અન્ય એક સૂત્રધાર ફરાર થઈ જતાં તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. ATS અને SOGની આ કાર્યવાહી બાદ દક્ષિણ ગુજરાતમાં ડ્રગ્સ સપ્લાય નેટવર્ક અંગે ફરી ગંભીર પ્રશ્નો ઉભા થયા છે.
ગોડાઉનમાંથી શંકાસ્પદ કેમિકલ પણ મળ્યું
પોલીસને દરોડા દરમિયાન માત્ર MD ડ્રગ્સ જ નહીં પરંતુ 658 ગ્રામ જેટલો અન્ય એક શંકાસ્પદ માદક પદાર્થ પણ મળી આવ્યો છે. હાલ આ પદાર્થ કયો કેમિકલ અથવા ડ્રગ્સ છે તેની ચોક્કસ ઓળખ માટે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL)ની મદદ લેવામાં આવી રહી છે.
હવે સરકારી દાખલાઓ માટે કચેરીઓના ધક્કા બંધ!: આવક-જાતિના દાખલા અને રેશનકાર્ડ હવે મળશે સીધા WhatsApp પર, જાણો કેવી રીતે
તપાસ દરમિયાન પોલીસને ગોડાઉનમાં ડ્રગ્સ પેકિંગ માટે વપરાતા સાધનો પણ મળી આવ્યા છે. જેમાં મિક્ષર મશીન, ડિજિટલ વજનકાંટા, પ્લાસ્ટિકની કોથળીઓ અને નાના પેકેટ તૈયાર કરવા માટેની અન્ય સામગ્રીનો સમાવેશ થાય છે. આ પરથી તપાસ એજન્સીઓએ અનુમાન લગાવ્યું છે કે અહીં વ્યવસ્થિત રીતે ડ્રગ્સનું પેકિંગ અને વિતરણ થતું હતું.
બે આરોપી ઝડપાયા, એક ફરાર
પોલીસે આ કેસમાં અબ્દુલ કલામ અબ્દુલરબ ખાન (ઉંમર 36, રહે. ખારીવાડ, નાની દમણ) અને મેહુલકુમાર નલીનકુમાર મકવાણા (ઉંમર 45, રહે. રાજ રેસીડેન્સી-1, બલીઠા, વાપી)ની ધરપકડ કરી છે.
જ્યારે રાજેશ મુરારી મોર્યા (રહે. ગોકુલધામ રો-હાઉસ, સરીગામ, ઉમરગામ) ફરાર હોવાનું સામે આવ્યું છે. પોલીસ દ્વારા તેની શોધખોળ માટે અલગ ટીમો કાર્યરત કરવામાં આવી છે. તપાસ એજન્સીઓ હવે આ નેટવર્કના અન્ય સભ્યો અને સપ્લાય ચેઇન સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે.
અમરેલીમાં ગીર પુનઃવસવાટ મુદ્દે ગરમાયો વિવાદ: રાજભા ગઢવીને મંજૂરી મળતા ઉઠ્યા સવાલો
યુવાધનને નિશાન બનાવવાનું કાવતરું
પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આરોપીઓ ગોડાઉનને વેરહાઉસ તરીકે ઉપયોગમાં લેતા હતા. અહીં મોટા જથ્થામાં આવતું ડ્રગ્સ નાના પેકેટમાં પેક કરીને આસપાસના વિસ્તારોમાં છૂટક વેચાણ કરવામાં આવતું હતું.
તપાસ એજન્સીઓના મતે આ નેટવર્ક ખાસ કરીને યુવાધનને નિશાન બનાવી રહ્યું હતું. MD ડ્રગ્સ જેવા સિન્થેટિક નશીલા પદાર્થો પાર્ટી સર્કલ અને યુવાનોમાં ઝડપથી ફેલાઈ રહ્યા હોવાના કારણે પોલીસ માટે આ મોટો પડકાર બની રહ્યો છે.
વાપી-દમણ બોર્ડર વિસ્તાર પર ફરી સવાલ
તાજેતરના સમયમાં વાપી અને દમણ બોર્ડર વિસ્તાર ડ્રગ્સ માફિયાઓ માટે હબ બની રહ્યો હોય તેવી પરિસ્થિતિ સામે આવી રહી છે. અગાઉ પણ વાપીના ચલા વિસ્તારમાં આવેલા એક બંગલામાંથી MD ડ્રગ્સનો જથ્થો ઝડપાયો હતો. જ્યારે દમણના બામણપૂજા ગામે આવેલા એક ફાર્મહાઉસમાંથી આખું ડ્રગ્સ બનાવવાનું કારખાનું ઝડપાયું હતું.
આ સતત કાર્યવાહી દર્શાવે છે કે દક્ષિણ ગુજરાત અને દમણ બોર્ડર વિસ્તારમાં સંગઠિત ડ્રગ્સ નેટવર્ક સક્રિય છે. ATS અને સ્થાનિક પોલીસ એજન્સીઓ હવે સપ્લાય ચેઇન, ફાઇનાન્સિંગ અને આંતરરાજ્ય કનેક્શન સુધી તપાસ વિસ્તારી રહી છે.
અંકલેશ્વરમાં સોશિયલ મીડિયા પર ધાર્મિક ટિપ્પણીને લઈને વિવાદ: ‘તોસિફ ટાઇગર’ સામે આક્રોશ
ગુજરાતમાં ડ્રગ્સ વિરુદ્ધ વધતી કાર્યવાહી
છેલ્લા કેટલાક વર્ષોમાં ગુજરાતમાં ડ્રગ્સ સંબંધિત કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે. ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારો, ઔદ્યોગિક શહેરો અને બોર્ડર વિસ્તારોમાં ડ્રગ્સ સપ્લાય નેટવર્ક સામે સતત કાર્યવાહી થઈ રહી છે.
હાલ પોલીસે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. જપ્ત કરાયેલા ડ્રગ્સનો સ્ત્રોત, સપ્લાય ચેઇન અને સંભવિત આંતરરાજ્ય કનેક્શન્સ અંગે ATS અને SOG દ્વારા સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે.






