Home Gujarat Valsad Jalaram Khaman Note Dispute Vandalism Case

વલસાડમાં સામાન્ય વાતમાં થઈ માથાકૂટ : જલારામ ખમણ સેન્ટરમાં કરાઈ તોડફોડ, હંગામો મચાવી ગ્રાહક થયો ફરાર

હંગામો મચાવનાર ગ્રાહકની છબી
Published by: Niraj Chokshi
Last Updated: May 02, 2026, 11:36 AM IST

વલસાડ શહેરના ધરમપુર ચોકડી વિસ્તારમાં આવેલા જાણીતા નાસ્તા કેન્દ્ર જલારામ ખમણ સેન્ટર ખાતે એક સામાન્ય નોટ બદલવાની બાબતે ઘર્ષણ સર્જાયું હતું. એક અજાણ્યા ગ્રાહકે દુકાનમાં તોડફોડ કરી હંગામો મચાવ્યો હતો, જેને પગલે આખા વિસ્તારમાં થોડીવાર માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

એક ગ્રાહક નાસ્તો કરવા માટે દુકાનમાં આવ્યો હતો. નાસ્તો કર્યા બાદ તેણે બિલ ચુકવવા માટે 500 રૂપિયાની નોટ આપી હતી. દુકાનદારે તેને છૂટ્ટા પૈસા પરત આપ્યા, પરંતુ તેમાં રહેલી બે નોટો સહેજ ફાટેલી હોવાનું ગ્રાહકે જણાતા ઘર્ષણ થયું હતું.

નોટ બદલી આપ્યા છતાં ઉગ્ર પ્રતિક્રિયા

દુકાનદારે પરિસ્થિતિને સમજતા સૌજન્ય દાખવી અને તરત જ ફાટેલી નોટો બદલીને ગ્રાહકને આપી દીધી હતી. છતાં, ગ્રાહકનો ગુસ્સો શાંત થયો ન હતો. તેણે દુકાનદારને અપ શબ્દો કહ્યાં હતા. આ શખ્સે અચાનક દુકાનમાં તોડફોડ શરૂ કરી દીધી હતી. ટેબલ-ખુરશી અને અન્ય સામાનને નુકસાન પહોંચાડતા દૃશ્યોને જોઈને ત્યાં હાજર અન્ય ગ્રાહકોમાં ભયનો માહોલ ફેલાયો હતો.

આ પણ વાંચો: ખોરાકમાં ભેળસેળ સામે રાજ્યવ્યાપી ઝુંબેશ : હજારો એકમોની તપાસ, મંત્રીએ આપ્યો કડક સંદેશ

સમજાવવાના પ્રયાસ નિષ્ફળ

ગ્રાહક સાથે આવેલી મહિલા અને અન્ય હાજર લોકોએ ગ્રાહકને શાંત પાડવાનો અને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, ગુસ્સામાં આવેલા આ વ્યક્તિએ કોઈની વાત સાંભળી નહોતી અને સતત હંગામો ચાલુ રાખ્યો હતો.

પરિસ્થિતિ વધુ બગડતી જોઈ દુકાન સંચાલકે તાત્કાલિક 112 ઈમરજન્સી નંબર પર પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચવા માટે તાત્કાલિક કાફલો મોકલ્યો હતો, પરંતુ પોલીસ પહોંચે તે પહેલાં જ હંગામો કરનાર શખ્સ સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.

આ પણ વાંચો: વડોદરામાં કુટણખાણાં હવે ‘ડિજિટલ’ : સોશિયલ મીડિયા પર ફેક પ્રોફાઈલ બનાવી દેહવ્યાપારનું નેટવર્ક સક્રિય

પોલીસ તપાસ શરૂ

આ ઘટનાને પગલે વલસાડ સિટી પોલીસ મથકે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. દુકાન સંચાલકે લેખિત અરજી આપીને થયેલા નુકસાન અને ઘટનાની વિગત રજૂ કરી છે. પોલીસે હવે દુકાન અને આસપાસના વિસ્તારોના CCTV ફૂટેજ એકત્રિત કરી તપાસ શરૂ કરી છે. આરોપીની ઓળખ અને ધરપકડ માટે ટેક્નિકલ અને માનવ સંસાધન બંનેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. અધિકારીઓએ જણાવ્યું છે કે ટૂંક સમયમાં શખ્સની ઓળખ થઈ શકે છે.

જાહેર સ્થળે વધતી આક્રમકતા પર ચિંતા

આ ઘટના માત્ર એક નાની બાબત પરથી કેવી રીતે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી શકે છે તેનું ઉદાહરણ બની છે. જાહેર સ્થળોએ ગ્રાહકો અને વેપારીઓ વચ્ચેના વિવાદોમાં વધતી આક્રમકતા સમાજ માટે ચિંતાનો વિષય બની રહી છે. ખાસ કરીને નાની બાબતોને લઈને હિંસક વર્તન વધતું હોવું કાયદો અને વ્યવસ્થા માટે પડકારરૂપ છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now