સુરત સહિત સમગ્ર ગુજરાતમાં ખોરાકમાં ભેળસેળ સામે રાજ્ય સરકારે વ્યાપક અને કડક અભિયાન હાથ ધર્યું છે. ઉનાળાની સિઝનમાં લોકોએ વધુ પ્રમાણમાં વપરાતા ખાદ્ય પદાર્થો જેમ કે તડબૂચ, શેરડીનો રસ, મેંગો જ્યુસ અને આઈસ્ક્રીમ જેવી વસ્તુઓની ગુણવત્તા પર ખાસ નજર રાખવામાં આવી રહી છે. તાજેતરમાં જાહેર કરાયેલા આંકડા મુજબ એપ્રિલ મહિનામાં રાજ્યભરમાં કુલ 4193 એકમોની તપાસ કરવામાં આવી છે, જે સરકારની કડક વલણને સ્પષ્ટ કરે છે.
આ અભિયાન દરમિયાન ખાદ્ય સુરક્ષા વિભાગે શંકાસ્પદ અને અપ્રમાણભૂત ખોરાક સામે તાત્કાલિક કાર્યવાહી કરી છે. ખાસ કરીને પનીર જેવા દૂધજન્ય પદાર્થોમાં ભેળસેળની ફરિયાદોને ધ્યાનમાં રાખીને 1018 કિલો શંકાસ્પદ પનીરનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો અને તેને સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો. આ જથ્થાની અંદાજિત કિંમત 1.83 લાખ રૂપિયા હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે.
ઠંડા પીણા અને આઈસ્ક્રીમનાં વેચાણ પર નજર
ઉનાળાની સિઝનમાં આરોગ્ય માટે જોખમી બની શકે તેવા ખાદ્ય પદાર્થોની વેચાણમાં વધારો થતો હોય છે. તેથી સરકાર દ્વારા ખાસ ઝુંબેશ ચલાવી 1705 નમૂનાઓની તપાસ કરવામાં આવી, જેમાં તડબૂચ, શેરડીનો રસ, મેંગો જ્યુસ અને આઈસ્ક્રીમનો સમાવેશ થાય છે. ઉપરાંત, “ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ” અભિયાન હેઠળ 1576 સ્થળોએ સીધી તપાસ અને જનજાગૃતિ કાર્ય કરવામાં આવ્યું.
આ ઝુંબેશનો મુખ્ય હેતુ માત્ર ભેળસેળ પકડવાનો નથી, પરંતુ લોકોમાં જાગૃતિ લાવવાનો પણ છે. ખાસ કરીને રોડસાઈડ પર વેચાતા ઠંડા પીણાં અને સસ્તા આઈસ્ક્રીમમાં ગુણવત્તાની સમસ્યાઓ વધુ જોવા મળે છે, જેને ધ્યાનમાં રાખીને અધિકારીઓએ સતત ચકાસણી વધારી છે.
આ પણ વાંચો: સ્માર્ટ સિટી વડોદરામાં પાણીની પારાયણ : 'નળમાં જળ નહીં,' આવી રહ્યું છે કાળું જળ
સીલિંગ, નોટિસ અને દંડની કાર્યવાહી
તપાસ દરમિયાન ગંભીર ઉલ્લંઘન સામે 18 એકમોને સીલ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત 270 એકમોને નોટિસ પાઠવવામાં આવી છે, જ્યારે 118 નમૂનાઓને લેબોરેટરી તપાસ માટે મોકલવામાં આવ્યા છે. મહાનગરપાલિકાઓ દ્વારા 2.84 લાખ રૂપિયાથી વધુનો દંડ વસૂલવામાં આવ્યો છે, જે ખાદ્ય સુરક્ષા નિયમોના ઉલ્લંઘન સામે સરકારની કડક સ્થિતિ દર્શાવે છે.
અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે આવી કાર્યવાહી માત્ર શરૂઆત છે અને આગામી સમયમાં વધુ સઘન ચકાસણી હાથ ધરવામાં આવશે. ખાસ કરીને શહેરી વિસ્તારોમાં નાના વેપારીઓ અને સ્ટોલધારકો પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો: 'ડ્રાય સ્ટેટ' માં કરોડોનો દારૂ! : સુરેન્દ્રનગર પોલીસે ફિલ્મી ઢબે પકડ્યો મોટો જથ્થો
મંત્રીનો પ્રફુલ પાનસેરીયાનો સંદેશ
રાજ્યના ખાદ્ય અને નાગરિક પુરવઠા મંત્રી પ્રફુલ પાનસેરીયાએ કડક સંદેશ આપતા જણાવ્યું કે ભેળસેળ કરનારાઓને કોઈ પણ પ્રકારની રાહત આપવામાં નહીં આવે અને કાયદાકીય રીતે કડક કાર્યવાહી કરવામાં આવશે. તેમણે લોકોને અપીલ કરી છે કે તેઓ સસ્તા અને શંકાસ્પદ આઈસ્ક્રીમ અથવા ઠંડા પીણાંનો ઉપયોગ ટાળે અને પ્રમાણભૂત કંપનીઓના ઉત્પાદનોને પ્રાથમિકતા આપે.
મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું કે કેટલાક વેપારીઓ વધુ નફો કમાવાની લાલચમાં હલકી ગુણવત્તાવાળા પદાર્થો બનાવે છે, જે લોકોના આરોગ્ય માટે ગંભીર જોખમ ઉભું કરે છે. આવા વેપારીઓ સામે સમાજે પણ સજાગ રહેવાની જરૂર છે અને આવા ઉત્પાદનોનો બહિષ્કાર કરવો જોઈએ.
જનજાગૃતિ પર મુકાયો ભાર
આ સમગ્ર અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોના આરોગ્યનું સંરક્ષણ છે. ઉનાળામાં ખાસ કરીને ખોરાક અને પીણાં ઝડપથી બગડવાની શક્યતા વધારે હોય છે, જેના કારણે ફૂડ પોઈઝનિંગ જેવા કેસોમાં વધારો થાય છે. તેથી સરકાર અને સ્થાનિક તંત્ર દ્વારા સમયસર તપાસ અને નિયંત્રણ જરૂરી બની જાય છે.






