સ્માર્ટ સિટી તરીકે ઓળખાતા વડોદરામાં વિકાસના દાવાઓ વચ્ચે નાગરિકો મૂળભૂત સુવિધા માટે સંઘર્ષ કરી રહ્યાં હોવાની હકીકત ફરી સામે આવી છે. શહેરના વોર્ડ નંબર 14 વિસ્તારમાં આવેલા પથ્થર ગેટ નજીકની નાની ખારવાવાડ અને સાઈબાબાની ગલીમાં પીવાના પાણીની ગંભીર સમસ્યા ઉદ્ભવી છે. અહીંના રહીશો છેલ્લા કેટલાક સમયથી દૂષિત પાણી મળવાની ફરિયાદ કરી રહ્યાં છે.
સ્થાનિકોના જણાવ્યા અનુસાર, નળમાંથી આવતું પાણી પીવાલાયક તો દૂર, ઉપયોગ માટે પણ અયોગ્ય બની ગયું છે. પાણીનો રંગ કોલ્ડડ્રિંક જેવો કાળો દેખાય છે અને તેમાંથી ભારે દુર્ગંધ આવે છે. આવી સ્થિતિમાં રહેવાસીઓએ આરોગ્ય જોખમ વચ્ચે જીવન પસાર કરવાની ફરજ પડી રહી છે. આ મુદ્દે લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને આજે રહીશોએ રસ્તા પર ઉતરીને સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો હતો.
દૂષિત પાણીથી આરોગ્ય પર ખતરો
વિસ્તારમાં રહેતા લોકોનો આક્ષેપ છે કે આ સમસ્યા લાંબા સમયથી ચાલતી હોવા છતાં સંબંધિત તંત્રએ કોઈ અસરકારક પગલાં લીધા નથી. ગંદા પાણીના કારણે લોકોમાં ત્વચાનાં રોગ, પેટના ઈન્ફેક્શન અને અન્ય બીમારીઓ ફેલાવાનો ભય ઊભો થયો છે.
સ્થાનિક મહિલાઓએ જણાવ્યું હતું કે ઘરકામ માટે પણ આ પાણી ઉપયોગી નથી અને પીવાના પાણી માટે અલગથી ખર્ચ કરવો પડી રહ્યો છે. ખાસ કરીને નાના બાળકો અને વૃદ્ધો માટે આ પરિસ્થિતિ વધુ જોખમી બની રહી છે. આ સ્થિતિ આરોગ્ય વ્યવસ્થાની ચિંતાઓને વધુ ગંભીર બનાવે છે.
સ્થળ પર પહોંચ્યા વિરોધ પક્ષના કોર્પોરેટરો
પરિસ્થિતિની ગંભીરતા ધ્યાનમાં લેતા વોર્ડ નંબર 14ના કોંગ્રેસ કોર્પોરેટર તીર્થ બ્રહ્મભટ્ટ અને દીપા શ્રીવાસ્તવ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા. તેમણે સ્થાનિકોની સમસ્યા સાંભળી અને તંત્ર સામે આકરા સવાલો ઉઠાવ્યા હતા.
કોર્પોરેટરોએ આક્ષેપ કર્યો કે નાગરિકોએ બહુમતી આપીને જે પ્રતિનિધિઓને સત્તા સોંપી છે તેઓ હાલ મૂળભૂત પ્રશ્નો ઉકેલવામાં નિષ્ફળ રહ્યાં છે. તેમણે જણાવ્યું કે પાણી જેવી જરૂરી સેવા માટે લોકો રસ્તા પર ઉતરવા મજબૂર બને તે તંત્ર માટે શરમજનક બાબત છે.
આ પણ વાંચો: અમદાવાદની 2038 એશિયન ગેમ્સ બિડને મોટું પ્રોત્સાહન : OCA ટીમ ટૂંક સમયમાં કરશે મુલાકાત
3 દિવસમાં ઉકેલ નહીં તો આંદોલનની ચીમકી
સ્થાનિક નેતાઓએ તંત્રને સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો આગામી 3 દિવસમાં સમસ્યાનું યોગ્ય નિરાકરણ નહીં આવે, તો ઉગ્ર આંદોલન શરૂ કરશે. રહીશોએ પણ આ લડતમાં સાથે રહેવાની તૈયારી દર્શાવી છે. એક તરફ શહેરમાં આધુનિક સુવિધાઓ અને વિકાસના દાવાઓ થાય છે, ત્યારે બીજી તરફ લોકો શુદ્ધ પાણી જેવી મૂળભૂત જરૂરિયાત સાથે સંઘર્ષ કરી રહ્યાં છે. હવે જોવાનું રહેશે કે તંત્ર કેટલુ ઝડપથી આ સમસ્યાનું નિરાકરણ લાવે છે.




