વડોદરા શહેરના VIP રોડ પર 14 જુલાઈની વહેલી સવારે એક અત્યંત ભયાનક અને હૃદયકંપાવનારી હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે, જેણે વડોદરાના કુખ્યાત 'રક્ષિત કાંડ'ની યાદ તાજી કરાવી દીધી છે. પૂરઝડપે આવી રહેલી એક અજાણ્યા આઈ-20 કારના ચાલકે બાઈક સવાર ત્રણ યુવકોને પાછળથી એટલી જોરદાર ટક્કર મારી હતી કે બાઈક હવામાં ફંગોળાઈને અંદાજે 100 ફૂટ દૂર જઈને પડ્યું હતું. આ સમગ્ર કાળજું કંપાવી દેનારી ઘટનાના CCTV ફૂટેજ હવે સામે આવ્યા છે, જે અકસ્માતની ભયાનકતા દર્શાવે છે.
આ પણ વાંચો: જગન્નાથ રથયાત્રા 2026 : 16 જુલાઈથી શરૂ થશે પુરીની વિશ્વપ્રસિદ્ધ રથયાત્રા, જાણો સંપૂર્ણ કાર્યક્રમ અને મહત્વની તારીખો
જમીને પરત ફરી રહેલા વિદ્યાર્થીઓ બન્યા ભોગ
મળતી વિગતો અનુસાર, એમ. એસ. યુનિવર્સિટી ની બોયઝ હોસ્ટેલમાં રહીને સાયન્સ વિભાગમાં અભ્યાસ કરતા ત્રણ મિત્રો- સુજલ મનોજકુમાર ચૌહાણ (ઉં.વ. 21), મિહિર શૈલેષભાઈ પટેલ (ઉં.વ. 21) અને ઋતુરાજસિંહ 13 જુલાઈની રાત્રે પોતાના અન્ય એક મિત્રનું બાઈક લઈને ગોલ્ડન ચોકડી પાસે આવેલી સંગમ હોટેલમાં જમવા ગયા હતા. ત્યાંથી જમીને તેઓ હરણી રોડ પર રહેતા એક મિત્રને મળ્યા હતા. ત્યારબાદ મોડી રાત્રે આશરે 1:30 વાગ્યે તેઓ હોસ્ટેલ જવા નીકળ્યા હતા.
વહેલી સવારે પોણા ચાર વાગ્યાની આસપાસ જ્યારે તેઓ અમિતનગર બ્રિજથી એલ એન્ડ ટી સર્કલ તરફ જતા રોડ પર SBI બેંકની સામેથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે પાછળથી ગફલતભરી રીતે પૂરઝડપે ધસી આવેલી એક કારે તેમને અડફેટે લીધા હતા. ટક્કર એટલી પ્રચંડ હતી કે ત્રણેય યુવાનો રોડ પર પટકાયા હતા અને બાઈક ઘસડાતું દૂર સુધી ગયું હતું. અકસ્માત સર્જ્યા બાદ કાર ચાલક માનવતા ભૂલીને ઘટનાસ્થળેથી કાર ભગાડી ફરાર થઈ ગયો હતો.
એક યુવકની હાલત અત્યંત ગંભીર, ICUમાં સારવાર હેઠળ
અકસ્માત બાદ સ્થાનિકો અને અન્ય વાહનચાલકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. કોઈ અજાણ્યા નાગરિકે 108 એમ્બ્યુલન્સને જાણ કરતા ત્રણેય ઘાયલ વિદ્યાર્થીઓને તાત્કાલિક એસ.એસ.જી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માતમાં સુજલ ચૌહાણને મોઢા તેમજ શરીર પર નાની-મોટી ઈજાઓ થઈ છે. જ્યારે મિહિર પટેલને માથાના ભાગે અને પાંસળીમાં ગંભીર ઈજાઓ પહોંચી છે. સૌથી વધુ ગંભીર ઈજા ઋતુરાજસિંહને થઈ છે, જે માથા અને મોઢાના ભાગે થયેલી ગંભીર ઈજાઓને કારણે હાલ બેભાન અવસ્થામાં ICUમાં જિંદગી અને મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે.
આ પણ વાંચો: રથયાત્રાના સમય મુદ્દે હોબાળો : પુરીના ગજપતિ મહારાજાએ ઇસ્કોન પર ભક્તોને ગેરમાર્ગે દોરવાનો લગાવ્યો આરોપ
નંબર પ્લેટ વગરની કાર, પોલીસ માટે મોટો પડકાર
CCTV ફૂટેજ સામે આવ્યા બાદ પોલીસે ફરાર કારચાલકને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. જો કે, અકસ્માત સર્જનાર i20 કાર પર આગળ કે પાછળ કોઈ જ નંબર પ્લેટ ન હોવાથી પોલીસ તપાસમાં મોટો અવરોધ ઊભો થયો છે. આ ઉપરાંત કારના કાચ પર કાળી ફિલ્મ મારેલી હોવાથી અંદર બેઠેલા ડ્રાઇવરની ઓળખ કરવી પણ મુશ્કેલ બની છે. હાલમાં ઈજાગ્રસ્ત સુજલ ચૌહાણની સત્તાવાર ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધીને વિવિધ ટીમો બનાવી કાયદાના લીરેલીરા ઉડાવનાર નરાધમ કાર ચાલકને શોધવા માટે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.






