સુરતમાં તાજેતરમાં પડેલા ભારે વરસાદ અને પૂરની પરિસ્થિતિથી અસરગ્રસ્ત વેપાર, વાણિજ્ય અને સેવાકીય એકમોને રાહત આપવા રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલા પુનઃવસન સહાય પેકેજને ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ આવકાર્યો છે. તેમણે જણાવ્યું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ જાહેર કરાયેલું આ પેકેજ વેપારીઓ અને નાના ધંધાર્થીઓ માટે મહત્વપૂર્ણ રાહતરૂપ સાબિત થશે.
'સંવેદનશીલ અને નિર્ણાયક કાર્યશૈલીનું ઉત્તમ ઉદાહરણ'
જગદીશભાઈ વિશ્વકર્માએ જણાવ્યું કે રાજ્ય સરકારે આપત્તિની ઘડીએ ઝડપથી નિર્ણય લઈને અસરગ્રસ્ત વેપારીઓના હિતમાં સંવેદનશીલ અભિગમ અપનાવ્યો છે. તેમના જણાવ્યા મુજબ આ પુનઃવસન પેકેજ માત્ર તાત્કાલિક સહાય પૂરતું મર્યાદિત નથી, પરંતુ વેપાર અને સ્થાનિક અર્થતંત્રને ફરી ગતિ આપવા માટેનું મહત્વપૂર્ણ પગલું છે.
લારી-રેકડીથી લઈને GST રિટર્ન ભરતા વેપારીઓ સુધી સૌને લાભ
તેમણે જણાવ્યું કે આ સહાય પેકેજમાં લારી-રેકડી ધારકો, કેબિનધારકો, નાના વેપારીઓ તેમજ GST રિટર્ન ભરતા દુકાનદારો સહિત વિવિધ વર્ગોને આવરી લેવામાં આવ્યા છે. આ સર્વસમાવેશક અભિગમ રાજ્ય સરકારની વેપારીઓ પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે અને વિવિધ સ્તરે થયેલા આર્થિક નુકસાનને ધ્યાનમાં રાખીને સહાય આપવામાં આવી રહી છે.
રોકડ સહાય, લોન, વ્યાજમાં રાહત અને વેરા માફીનો સમાવેશ
સહાય પેકેજ હેઠળ રૂ. 7,500થી રૂ. 1 લાખ સુધીની રોકડ સહાય, પુનઃસ્થાપન માટે લોનની સુવિધા, વ્યાજમાં રાહત તેમજ સુરત શહેરના અસરગ્રસ્ત રહેણાંક અને વાણિજ્ય વિસ્તારોમાં એક વર્ષના વેરાની માફી જેવી જોગવાઈઓ કરવામાં આવી છે. વિશ્વકર્માએ જણાવ્યું કે આ નિર્ણયો વેપારને ઝડપથી પુનઃસ્થાપિત કરવામાં મદદરૂપ બનશે.
19 હજારથી વધુ પરિવારોને સહાય, 13.15 કરોડનું વિતરણ
જગદીશભાઈ વિશ્વકર્માના જણાવ્યા મુજબ રાજ્ય સરકારે અત્યાર સુધીમાં અસરગ્રસ્ત વિસ્તારોના 19,256 પરિવારોને ઘરવખરી સહાય તેમજ 39,237 વ્યક્તિઓને કેશ ડોલ પેટે કુલ રૂ. 13.15 કરોડની રોકડ સહાય ચૂકવી છે. તેમણે આ કામગીરીને રાજ્ય સરકારની ઝડપી અને અસરકારક કામગીરીનું ઉદાહરણ ગણાવ્યું.
આ પણ વાંચો: ચોટીલાની નાની મોરસલ સિંચાઈ યોજના પર ફરી ઉઠ્યા સવાલ : 15 વર્ષથી વચનો જ મળ્યા, નર્મદાનું પાણી હજુ નહીં મળ્યાનો આક્ષેપ
મુખ્યમંત્રી અને રાજ્ય સરકારનો વ્યક્ત કર્યો આભાર
અસરગ્રસ્ત વિસ્તારોમાં જનજીવન અને વેપાર-ધંધા ઝડપથી પૂર્વવત થાય તે માટે રાજ્ય સરકાર સતત કાર્યરત હોવાનું જણાવતાં જગદીશભાઈ વિશ્વકર્માએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી તેમજ સમગ્ર રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો. તેમણે આશા વ્યક્ત કરી કે આ સહાય પેકેજથી સુરતના વેપાર અને સ્થાનિક અર્થતંત્રને ફરી ગતિ મળશે.






