Home Gujarat Surat Kamrej Fake Fruit Beer Factory Busted Surat Lcb Raid

સુરતના કામરેજમાં નકલી ફ્રુટ બિયર ફેક્ટરીનો પર્દાફાશ : LCBના દરોડામાં ₹1.78 લાખનો મુદ્દામાલ જપ્ત, એક્સપાયર્ડ પીણાંનો મોટો જથ્થો ઝડપાયો

ધાતવા ગામમાં નકલી ફ્રુટ બિયર બનાવતી ગેરકાયદેસર ફેક્ટરી
Published by: Prashant Doshiyar
Last Updated: Jul 15, 2026, 12:51 PM IST

Surat News: સુરત ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)એ કામરેજ તાલુકાના ધાતવા ગામમાં ગેરકાયદેસર રીતે ચાલતી નકલી ફ્રુટ બિયર બનાવવાની ફેક્ટરીનો પર્દાફાશ કરીને મોટી કાર્યવાહી હાથ ધરી છે. ચોક્કસ બાતમીના આધારે પોલીસે રહેણાંક મકાનની પાછળ આવેલા પતરાના શેડમાં દરોડો પાડી નકલી ફ્રુટ બિયર, એક્સપાયર્ડ પીણાં, મશીનરી અને અન્ય સામગ્રી સહિત અંદાજે ₹1.78 લાખથી વધુનો શંકાસ્પદ મુદ્દામાલ જપ્ત કર્યો છે. સમગ્ર મામલે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને પણ તપાસમાં જોડવામાં આવ્યો છે.

બાતમીના આધારે LCBએ યોજ્યો સફળ દરોડો

પોલીસને માહિતી મળી હતી કે ધાતવા ગામના લીંબડી ફળિયામાં આવેલા એક મકાનની પાછળ ગેરકાયદેસર રીતે નકલી ફ્રુટ બિયર તૈયાર કરીને બજારમાં સપ્લાય કરવામાં આવે છે. માહિતીના આધારે LCBની ટીમે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. દરોડા દરમિયાન સ્થળ પરથી ગેરકાયદેસર ઉત્પાદન માટેનું સંપૂર્ણ સેટઅપ મળી આવતા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી હતી.

584 નકલી બોટલો અને 552 એક્સપાયર્ડ પીણાં કબજે

તપાસ દરમિયાન પોલીસે 584 નોન-એલ્કોહોલિક ફ્રુટ બિયરની બોટલો, બિયર બનાવવામાં ઉપયોગી મશીનરી તેમજ 552 એક્સપાયર્ડ એનર્જી ડ્રિન્ક્સ અને કાર્બોનેટેડ સોડાની બોટલો જપ્ત કરી હતી. જપ્ત કરાયેલા તમામ મુદ્દામાલની કુલ કિંમત અંદાજે ₹1.78 લાખ હોવાનું પોલીસ દ્વારા જણાવાયું છે. આ ઉપરાંત ઉત્પાદન માટે વપરાતી અન્ય સામગ્રી પણ કબજે કરવામાં આવી છે.

ભંગારની બોટલોમાં કેમિકલ અને ફ્લેવર ભરી બ્રાન્ડેડ લેબલ લગાવાતાં હતા

પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપી ધનાલાલ દેવારામ ગુર્જર ભંગારમાંથી એકત્ર કરાયેલી ખાલી કાચની બોટલોને સાફ કરીને તેમાં વિવિધ પ્રકારના ફ્લેવર, સ્વીટનર અને કેમિકલનું મિશ્રણ ભરતો હતો. ત્યારબાદ કાર્બન ડાયોક્સાઇડ (CO₂) ગેસની મદદથી બોટલોને સીલ કરીને તેના પર જાણીતી કંપનીઓ જેવા દેખાતા બ્રાન્ડેડ લેબલ લગાવી બજારમાં અસલી પ્રોડક્ટ તરીકે વેચાણ માટે મોકલવામાં આવતી હતી.

ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે લીધા નમૂનાઓ, એક્સપાયર્ડ પીણાંનો સ્થળ પર જ નાશ

પોલીસે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓને સ્થળ પર બોલાવી શંકાસ્પદ પીણાંના નમૂનાઓ લેબોરેટરી પરીક્ષણ માટે મોકલવાની કાર્યવાહી હાથ ધરી હતી. તપાસ દરમિયાન માનવ સ્વાસ્થ્ય માટે જોખમી બની શકે તેવો મોટો એક્સપાયર્ડ પીણાંનો જથ્થો મળી આવતા પંચોની હાજરીમાં તેનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. હવે લેબોરેટરી રિપોર્ટના આધારે વધુ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.

આરોપીની ધરપકડ, સપ્લાય નેટવર્કની તપાસ શરૂ

પોલીસે આરોપી ધનાલાલ દેવારામ ગુર્જર સામે સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. નકલી ફ્રુટ બિયરનો સપ્લાય કયા વિસ્તારોમાં થતો હતો, તેમાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે નહીં, કાચો માલ ક્યાંથી લાવવામાં આવતો હતો અને આ ગેરકાયદેસર ધંધો કેટલા સમયથી ચાલી રહ્યો હતો તે તમામ મુદ્દાઓની તપાસ ચાલી રહી છે.

આ પણ વાંચો: ચોટીલાની નાની મોરસલ સિંચાઈ યોજના પર ફરી ઉઠ્યા સવાલ : 15 વર્ષથી વચનો જ મળ્યા, નર્મદાનું પાણી હજુ નહીં મળ્યાનો આક્ષેપ

ગ્રાહકોને સાવચેત રહેવાની અપીલ

આ કાર્યવાહી બાદ સુરત ગ્રામ્ય LCB અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે લોકોને અપીલ કરી છે કે કોઈપણ પીણું ખરીદતી વખતે તેની એક્સપાયરી તારીખ, પેકિંગ, સીલ અને બ્રાન્ડની યોગ્ય ચકાસણી કર્યા બાદ જ તેનો ઉપયોગ કરવો. શંકાસ્પદ અથવા નકલી પીણાં અંગે માહિતી મળે તો તાત્કાલિક પોલીસ અથવા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને જાણ કરવા પણ અનુરોધ કરવામાં આવ્યો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now