Home Gujarat Mehsana Fake Robbery Complainant Arrested Cctv Investigation

આંખમાં જાતે મરચું, હાથ પર જાતે ચપ્પુ... : મહેસાણામાં ખોટી લૂંટની કહાનીનો પર્દાફાશ, તપાસમાં ચોંકાવનારો ખુલાસો

Mehsana News
Published by: OBS Bureau
Last Updated: Jul 15, 2026, 01:28 PM IST

Mehsana News: મહેસાણામાં એક વ્યક્તિએ લૂંટની એવી ભયાનક કહાની ઘડી કે શરૂઆતમાં પોલીસ પણ દોડતી થઈ ગઈ હતી. પણ કહેવાય છે ને કે કાયદાના હાથ ખૂબ લાંબા હોય છે અને ગુનેગાર ગમે તેટલો શાતિર કેમ ન હોય, તે કોઈને કોઈ પુરાવો પાછળ છોડી જ દેતો હોય છે. અહીં તો જેણે પોલીસને બોલાવી તે ફરિયાદી પોતે જ મુખ્ય આરોપી નીકળ્યો. કેવી રીતે આ સમગ્ર ષડયંત્ર રચાયું અને પોલીસે કઈ રીતે તેનો પર્દાફાશ કર્યો?

લાખો રૂપિયાના દાગીનાની લૂંટ

મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનની હદમાં આવતા ખેરવા નજીક લૂંટની ઘટનાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ હતી. રમેશભાઈ પટેલ નામના વ્યક્તિએ પોલીસ સમક્ષ જઈને એવી રજૂઆત કરી હતી કે અજાણ્યા શખ્સોએ તેમને રસ્તામાં આંતરીને તેમની આંખમાં મરચાની ભૂકી નાખી હતી અને હાથ પર તીક્ષ્ણ ચપ્પુ મારીને તેમની પાસે રહેલા લાખો રૂપિયાના દાગીનાની લૂંટ ચલાવી હતી. આ ગંભીર ઘટનાની જાણ થતાં જ મહેસાણાના ઉચ્ચ પોલીસ અધિકારીઓ તરત જ એક્શનમાં આવ્યા હતા. નાયબ પોલીસ અધિક્ષક (DySP) મિલાપ પટેલના માર્ગદર્શન હેઠળ મહેસાણા તાલુકા પોલીસ અને એલસીબી (LCB) ની ટીમે તાત્કાલિક અલગ અલગ દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. પોલીસે ઘટનાસ્થળની મુલાકાત લીધી, ટેકનિકલ સોર્સ અને હ્યુમન સોર્સને કામે લગાડ્યા અને આસપાસના સીસીટીવી (CCTV) ફૂટેજ મેળવીને ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી.

તાપીમાં એકસાથે 4થી 5 મગરો દેખાતાં ફૂલપાડા-અમરોલીમાં ભયનો માહોલ; : માછીમારોની નાવડી પર મગરનું બચ્ચું ચડતાં દોડધામ

આંખમાં મરચું નાખ્યું

પોલીસની આ ઊંડાણપૂર્વકની તપાસમાં જે સત્ય બહાર આવ્યું તે ખરેખર પગ તળેથી જમીન ખસેડી નાખે તેવું હતું. સીસીટીવી ફૂટેજમાં કોઈ લૂંટારા જોવા મળ્યા ન હતા, પરંતુ ફરિયાદી રમેશ પટેલે પોતે જ પોતાની આંખમાં મરચું નાખ્યું હોવાનું અને પોતાના જ હાથે ચપ્પુ મારીને ઈજા પહોંચાડી હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું. ડીવાયએસપી મિલાપ પટેલ અને તેમની ટીમે જ્યારે રમેશ પટેલની કડક પૂછપરછ કરી ત્યારે તેણે પોતાનો ગુનો કબૂલી લીધો હતો.

આખી લૂંટની ખોટી વાર્તા ઘડી કાઢી

આરોપી રમેશ પટેલે કબૂલાત કરી કે, તેના દીકરા રૂપેશ અને પુત્રવધૂ જીજ્ઞાને કેનેડા મોકલવા માટે અંદાજે ૫૦ લાખ રૂપિયાનો જંગી ખર્ચ થયો હતો. આર્થિક સંકડામણના કારણે તેણે પરિવારને જાણ કર્યા વિના પુત્રવધૂનો ૩ તોલાનો સોનાનો હાર, દીકરાની ૩ તોલાની લકી અને સોનાની વીંટીઓ મળીને કુલ આશરે ૫ લાખ રૂપિયાના દાગીના વેચી માર્યા હતા. હવે ઘરમાં દીકરી રિદ્ધિનો શ્રીમંત પ્રસંગ આવી રહ્યો હતો અને કેનેડાથી દીકરો-વહુ પાછા આવવાના હતા. તેઓ પોતાના દાગીના માંગશે તો શું જવાબ આપવો તે ડરથી તેણે આ આખી લૂંટની ખોટી વાર્તા ઘડી કાઢી હતી.

મહીસાગરમાં લોહીના સંબંધો લજવાયા : ટ્રેક્ટરના ભાડાની નજીવી બાબતે પિતાએ જ ઊંઘતા પુત્રની કુહાડીના ઘા ઝીંકી કરી કરપીણ હત્યા!

કાયદાને ગુમરાહ કરીને ક્યારેય સત્યને છુપાવી શકાતું નથી

પોતાના જ પરિવારની મિલકત ચોરીને વેચી માર્યા બાદ બચવા માટે રમેશ પટેલે કાયદા સાથે રમત રમવાની હિંમત કરી. તેણે વિચાર્યું હતું કે પોલીસને ખોટી કહાનીમાં ઉલઝાવીને તે બચી જશે અને પરિવાર સમક્ષ પણ સહાનુભૂતિ મેળવી લેશે. પરંતુ મહેસાણા પોલીસની સતર્કતા, આધુનિક ટેકનિકલ સર્વેલન્સ અને સચોટ તપાસ પદ્ધતિ સામે તેનું આ નાટક લાંબો સમય ટકી શક્યું નહીં. ગણતરીના કલાકોમાં જ ખોટી લૂંટનો ભેદ ઉકેલાઈ ગયો અને અજાણ્યા લૂંટારાઓની કહાની ઘડનાર રમેશ પટેલ હવે ખુદ કાયદાના સકંજામાં છે. પોલીસ દ્વારા તેની સામે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને કડક કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ઘટના સમાજ માટે એક લાલબત્તી સમાન છે કે ખોટા રસ્તે ચાલીને કે કાયદાને ગુમરાહ કરીને ક્યારેય સત્યને છુપાવી શકાતું નથી.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now