Home Gujarat Surat Surat Fire Brigade Rescues Truck Driver After Accident

સુરતમાં અકસ્માતનો ભોગ બનેલી ફાયર બ્રિગેડે જ બચાવ્યો ટ્રક ડ્રાઈવરનો જીવ : ONGC બ્રિજ પરથી પરત ફરતી ફાયરની ગાડીમાં ટ્રક ઘૂસ્યો

સુરતના ભાટપોર GIDC પાસે ટ્રકમાંથી ડ્રાઈવરનું રેસ્ક્યૂ કરતી ફાયર બ્રિગેડની ટીમ
Published by: Prashant Doshiyar
Last Updated: Jul 15, 2026, 01:40 PM IST

Surat News: સુરત શહેરમાં માનવતાનું અનોખું ઉદાહરણ સામે આવ્યું છે. આગના કોલ પરથી પરત ફરી રહેલી રૂંઢ ફાયર સ્ટેશનની ટીમ જ અકસ્માતનો ભોગ બની હતી, પરંતુ પોતાની ગાડી સાથે અકસ્માત થયા બાદ પણ ફાયર જવાનોએ ફરજ અને માનવતા બંને નિભાવી ટ્રક ચાલકનો જીવ બચાવ્યો હતો. ONGC બ્રિજ પરથી પરત ફરી રહેલી ફાયરની ગાડીને ભાટપોર GIDC નજીક પાછળથી એક ટ્રકે જોરદાર ટક્કર મારી હતી.

ભાટપોર GIDC પાસે સર્જાયો ગંભીર અકસ્માત

મળતી માહિતી મુજબ રૂંઢ ફાયર સ્ટેશનનો વોટર બાઉઝર (GJ-05-GV-3731) ONGC બ્રિજ પર વાહનમાં આગ લાગ્યાની માહિતી મળતા સ્થળે જઈ રહ્યો હતો. જોકે રસ્તામાં જ કંટ્રોલ રૂમ તરફથી આગ બુઝાઈ જવાની જાણ થતાં ફાયર ટીમને પરત ફરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. પરત ફરતી વખતે ભાટપોર GIDC પાસે પૂરપાટ ઝડપે આવેલી ટ્રક (GJ-14 X 7012) ફાયરની ગાડીના પાછળના ભાગે ધડાકાભેર અથડાઈ હતી.

કેબિનમાં ફસાયેલા ટ્રક ડ્રાઈવર માટે ફાયર જવાનો બન્યા દેવદૂત

અકસ્માત એટલો ગંભીર હતો કે ટ્રકનો આગળનો ભાગ સંપૂર્ણ દબાઈ ગયો હતો અને 29 વર્ષીય ટ્રક ચાલક લક્ષ્મીશંકર રામભાલન બિન્દ સ્ટીયરિંગ વચ્ચે ફસાઈ ગયો હતો. પોતાની ગાડી અકસ્માતગ્રસ્ત હોવા છતાં ફાયર જવાનોએ સમય ગુમાવ્યા વિના રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કર્યું. હાઇડ્રોલિક કટર અને અન્ય સાધનોની મદદથી સ્ટીયરિંગ કાપીને ડ્રાઈવરને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યો અને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો.

ફાયર ટીમની કામગીરીને લોકોએ બિરદાવી

ઘટના સ્થળે હાજર લોકો ફાયર બ્રિગેડના જવાનોની કામગીરી જોઈને પ્રભાવિત થઈ ગયા હતા. અકસ્માતનો ભોગ બન્યા બાદ પણ જવાનોએ પોતાની સલામતી કરતાં ટ્રક ડ્રાઈવરના જીવને પ્રાથમિકતા આપી હતી. સ્થાનિક લોકોએ ફાયર ટીમની ઝડપી કામગીરી અને માનવતાભર્યા અભિગમની પ્રશંસા કરી હતી.

આ પણ વાંચો:
સુરતથી યુકે સુધી હવે ડ્યૂટી ફ્રી નિકાસ : ભારત-યુકે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ અમલમાં, જેમ્સ-જ્વેલરી ઉદ્યોગને મોટો ફાયદો

ઈચ્છાપોર પોલીસમાં ગુનો નોંધાયો, તપાસ શરૂ

આ સમગ્ર ઘટનાની જાણ ફાયર વિભાગ દ્વારા તાત્કાલિક કંટ્રોલ રૂમ અને ઉચ્ચ અધિકારીઓને કરવામાં આવી હતી. સાથે જ ટ્રક ચાલક વિરુદ્ધ ઈચ્છાપોર પોલીસ સ્ટેશનમાં કાયદેસરની ફરિયાદ નોંધવામાં આવી છે. અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા પોલીસે તપાસ શરૂ કરી છે અને સ્થળના સીસીટીવી ફૂટેજ તેમજ અન્ય પુરાવાઓના આધારે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now