Surat News: સુરત જિલ્લાના પલસાણા વિસ્તારમાં આવેલી કોમન એફ્લુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (CETP)માંથી કથિત રીતે કેમિકલયુક્ત પ્રદૂષિત પાણી છોડવામાં આવતા મીંઢોળા નદીમાં હજારો માછલીઓના મોત થયા હોવાના દૃશ્યો સામે આવ્યા છે. નદીના કિનારે મોટી સંખ્યામાં મૃત માછલીઓ જોવા મળતા સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે. સમગ્ર ઘટનાએ પર્યાવરણ પ્રદૂષણ અને ઔદ્યોગિક એકમોની કામગીરી સામે અનેક સવાલો ઉભા કર્યા છે.
સ્થાનિકોમાં સ્વાસ્થ્ય અને પર્યાવરણ અંગે ચિંતા
સ્થાનિક રહિશોનો આક્ષેપ છે કે CETP પ્લાન્ટમાંથી છોડવામાં આવેલા કથિત પ્રદૂષિત પાણીના કારણે નદીનું જળ પ્રદૂષિત બન્યું છે, જેના પરિણામે મોટી સંખ્યામાં માછલીઓના મોત થયા છે. સ્થાનિકોએ જણાવ્યું કે નદીમાંથી ભારે દુર્ગંધ ફેલાઈ રહી છે અને આ પાણીનો સંપર્ક માનવ સ્વાસ્થ્ય માટે પણ જોખમી બની શકે છે તેવી ભીતિ ઉભી થઈ છે.
લાજપોર સુધી પ્રદૂષિત પાણી પહોંચ્યાનો દાવો
સ્થાનિકોના દાવા મુજબ કથિત પ્રદૂષિત પાણી મીંઢોળા નદીના પ્રવાહ સાથે આગળ વધીને લાજપોર વિસ્તાર સુધી પહોંચતું હોવાનું માનવામાં આવે છે. જેના કારણે નદીકાંઠાના ગામોના લોકોમાં પણ ચિંતા વધી છે. સ્થાનિકોએ તાત્કાલિક પાણીના નમૂનાઓ લઈ વૈજ્ઞાનિક તપાસ કરવાની તેમજ જવાબદાર સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.
પર્યાવરણપ્રેમીઓએ ઉચ્ચસ્તરીય તપાસની કરી માંગ
ઘટનાના પગલે પર્યાવરણપ્રેમીઓ અને સ્થાનિક સંગઠનોએ પણ સમગ્ર મામલાની ઉચ્ચસ્તરીય તપાસની માંગ કરી છે. તેમનું કહેવું છે કે જો ઉદ્યોગોમાંથી યોગ્ય ટ્રીટમેન્ટ વિના કેમિકલયુક્ત પાણી છોડવામાં આવતું હોય તો તે માત્ર જળચર જીવસૃષ્ટિ માટે જ નહીં પરંતુ કૃષિ, પશુધન અને માનવ આરોગ્ય માટે પણ ગંભીર જોખમ ઊભું કરી શકે છે.
GPCBની કાર્યવાહી પર સૌની નજર
હાલ સમગ્ર મામલે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (GPCB)ની કાર્યવાહી પર સૌની નજર છે. અધિકારીઓ દ્વારા સ્થળની તપાસ, પાણીના નમૂનાઓનું પરીક્ષણ અને CETP પ્લાન્ટની કામગીરીની ચકાસણી બાદ જ માછલીઓના મોતનું ચોક્કસ કારણ અને જવાબદારી અંગે સત્તાવાર સ્થિતિ સ્પષ્ટ થશે.
આ પણ વાંચો: સુરતમાં અકસ્માતનો ભોગ બનેલી ફાયર બ્રિગેડે જ બચાવ્યો ટ્રક ડ્રાઈવરનો જીવ : ONGC બ્રિજ પરથી પરત ફરતી ફાયરની ગાડીમાં ટ્રક ઘૂસ્યો
જવાબદાર સામે કડક કાર્યવાહીની ઉઠી માંગ
સ્થાનિકોએ માંગ કરી છે કે જો તપાસમાં પ્રદૂષણ માટે કોઈ ઉદ્યોગ અથવા સંચાલન જવાબદાર સાબિત થાય તો તેની સામે પર્યાવરણ કાયદા હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવે અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે સતત મોનીટરિંગની વ્યવસ્થા પણ કરવામાં આવે.





