Ahmedabad News: અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાને શાંતિપૂર્ણ અને સુરક્ષિત બનાવવા માટે શહેર પોલીસ દ્વારા અભૂતપૂર્વ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું કે રથયાત્રા દરમિયાન 10 જેટલા IG/DIG સ્તરના અધિકારીઓ, 42 DCP, 93 ACP, 303 PI, 673 PSI સહિત કુલ 30 હજારથી વધુ પોલીસ જવાનો, 3 હજાર SRP જવાનો અને 1 હજાર પેરામિલિટરી ફોર્સ તૈનાત રહેશે.
દોઢ મહિનાથી ચાલી રહી હતી તૈયારીઓ
પોલીસ કમિશનરે જણાવ્યું કે રથયાત્રાને ધ્યાનમાં રાખીને છેલ્લા દોઢ મહિનાથી સતત તૈયારીઓ ચાલી રહી હતી. શહેરમાં કોમી એકતા જળવાઈ રહે તે માટે આશરે 1,000 જેટલા વિવિધ કાર્યક્રમો, મહોલ્લા બેઠકો અને બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. વિવિધ સમાજોના આગેવાનો, અખાડા સંચાલકો, ટ્રક ચાલકો અને ખલાસીઓ સાથે પણ સંકલન બેઠકો યોજાઈ હતી.
AI CCTV, ડ્રોન અને GPSથી રહેશે ચાંપતી નજર
આ વર્ષે સુરક્ષા વ્યવસ્થામાં આધુનિક ટેક્નોલોજીનો પણ વ્યાપક ઉપયોગ કરવામાં આવ્યો છે. સમગ્ર રૂટ પર 3,700થી વધુ CCTV કેમેરા લગાવવામાં આવ્યા છે, જેમાં AI આધારિત ફેસ રિકગ્નિશન સોફ્ટવેરનો ઉપયોગ કરવામાં આવશે. ગુનાહિત ઇતિહાસ ધરાવતા લોકો પર ખાસ નજર રાખવામાં આવશે. ઉપરાંત 100 ડ્રોન કેમેરા, 250 ડીપ પોઇન્ટ, 250 ધાબા પોઇન્ટ અને તમામ રથ તથા ટ્રકોમાં GPS સિસ્ટમ લગાવવામાં આવી છે.
12 કંટ્રોલ રૂમથી થશે સતત મોનીટરિંગ
રથયાત્રા દરમિયાન 12 અલગ-અલગ કંટ્રોલ રૂમમાંથી સમગ્ર રૂટ પર સતત નજર રાખવામાં આવશે. ટેકનિકલ ટીમ, સાયબર ક્રાઇમ યુનિટ અને ચેતક કમાન્ડો ટીમ પણ સતત સક્રિય રહેશે. સોશિયલ મીડિયા પર અફવા ફેલાવવાના પ્રયાસો પર પણ ચાંપતી નજર રાખવામાં આવશે.
ગજરાજ, ભક્તો અને બાળકોની સુરક્ષા માટે ખાસ આયોજન
પોલીસે ગજરાજની સુરક્ષા માટે વિશેષ વ્યવસ્થા ગોઠવી છે અને પોલીસ જવાનોને ગજરાજની નજીક વધુ અવાજ ન થાય તેની સૂચના આપવામાં આવી છે. DJ અને ફટાકડાના ઉપયોગ પર પણ નિયંત્રણ રાખવામાં આવશે. દર્શનાર્થીઓને ધક્કામુક્કી ન થાય તે માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે અને મહિલાઓ, વડીલો તથા બાળકોની સુરક્ષા માટે અલગ વ્યવસ્થા કરવામાં આવી છે.
વાલીઓને પોલીસ કમિશનરની ખાસ અપીલ
પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે તમામ વાલીઓને અપીલ કરી છે કે રથયાત્રામાં નાના બાળકોને સાથે લાવતા હોય તો તેમના ખિસ્સામાં નામ, સરનામું અને મોબાઇલ નંબર લખેલી ચિઠ્ઠી જરૂર રાખે. જેથી બાળક ખોવાઈ જાય તો તેને ઝડપથી પરિવાર સુધી પહોંચાડી શકાય. તેમણે નાગરિકોને પોલીસના સૂચનોનું પાલન કરીને શાંતિપૂર્ણ રીતે રથયાત્રામાં જોડાવાની પણ અપીલ કરી છે.
આ પણ વાંચો: Ahmedabad Rathyatra 2026 : 16 કિ.મી રૂટ પર ટ્રાફિક વિભાગની તમામ તૈયારીઓ પૂર્ણ, જાણો પોલીસે કેવી કરી છે તૈયારી
આકસ્મિક પરિસ્થિતિ માટે ક્વિક રિસ્પોન્સ ટીમ પણ રહેશે સજ્જ
રથયાત્રા દરમિયાન કોઈપણ આકસ્મિક ઘટના, આરોગ્ય ઇમરજન્સી અથવા કાયદો-વ્યવસ્થાની સ્થિતિને પહોંચી વળવા માટે ક્વિક રિસ્પોન્સ ટીમ (QRT), બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ (BDS), ડોગ સ્ક્વોડ તેમજ ઇમરજન્સી રેસ્ક્યુ ટીમોને પણ સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. પોલીસ કમિશનરે જણાવ્યું કે સમગ્ર રૂટ પર સતત પેટ્રોલિંગ, કંટ્રોલ રૂમ સાથે રિયલ-ટાઈમ સંકલન અને ત્વરિત પ્રતિસાદની વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી કોઈપણ અનિચ્છનીય ઘટનામાં તાત્કાલિક કાર્યવાહી કરી શકાય અને રથયાત્રા નિર્વિઘ્ન અને શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય.





