Home Gujarat Ahmedabad Ahmedabad Rath Yatra Traffic Arrangements Complete

Ahmedabad Rathyatra 2026 : 16 કિ.મી રૂટ પર ટ્રાફિક વિભાગની તમામ તૈયારીઓ પૂર્ણ, જાણો પોલીસે કેવી કરી છે તૈયારી

Ahmedabad Rathyatra 2026
Play Video
Published by: OBS Bureau
Last Updated: Jul 15, 2026, 01:15 PM IST

Ahmedabad News: અમદાવાદમાં યોજાનારી પરંપરાગત રથયાત્રાને લઈને શહેર ટ્રાફિક પોલીસે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે. આશરે 16 કિલોમીટર લાંબા રથયાત્રાના રૂટ પર સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને વ્યાપક આયોજન કરવામાં આવ્યું છે. ટ્રાફિક વિભાગના જણાવ્યા મુજબ રાત્રે 2 વાગ્યાથી જ સમગ્ર રૂટ પર ટ્રાફિક પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવશે અને રથયાત્રા પૂર્ણ ન થાય ત્યાં સુધી પોલીસ સતત ફરજ પર રહેશે.

રથયાત્રા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ શ્રદ્ધાળુઓને કોઈ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે ટ્રાફિક વિભાગે છેલ્લા અનેક દિવસોથી સતત તૈયારી કરી છે. શહેરમાં વાહનવ્યવહારને અસર ઓછી થાય તે માટે રૂટ મેનેજમેન્ટ, ડાઇવર્ઝન, પાર્કિંગ અને ઇમરજન્સી પ્રતિસાદ સહિતની તમામ કામગીરી પૂર્ણ કરવામાં આવી હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે.

અમદાવાદના રસ્તા પર નીકળતા પહેલાં જાણી લેજો પોલીસ કમિશ્નરનું જાહેરનામું : 149મી જગન્નાથ રથયાત્રાને લઈને ક્યાં બંધ, ક્યાં ડાયવર્ઝન? જાણો ટ્રાફિકનું મેગા આયોજન

1,500થી વધુ પોલીસ અધિકારી અને કર્મચારીઓ રહેશે તૈનાત

રથયાત્રા દરમિયાન ટ્રાફિક વ્યવસ્થાની જવાબદારી સંભાળવા માટે 1 સંયુક્ત પોલીસ કમિશનર (JCP), 4 ડેપ્યુટી પોલીસ કમિશનર (DCP), 6 આસિસ્ટન્ટ પોલીસ કમિશનર (ACP), 18 પોલીસ ઇન્સ્પેક્ટર (PI) અને 30 પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) સહિત અંદાજે 800 ટ્રાફિક પોલીસ કર્મચારીઓ ફરજ બજાવશે. તેમની સાથે 300 હોમગાર્ડ અને 350થી વધુ ટ્રાફિક રેગ્યુલેશન બ્રિગેડ (TRB)ના જવાનો પણ જોડાશે. કુલ મળીને 1,500થી વધુ અધિકારીઓ અને કર્મચારીઓ સમગ્ર ટ્રાફિક વ્યવસ્થા સંભાળશે.

ટ્રાફિક નિયંત્રણને વધુ અસરકારક બનાવવા માટે 23 ક્રેન, 9 ઇન્ટરસેપ્ટર વાહનો અને એક પેટ્રોલિંગ કારને પણ તૈનાત કરવામાં આવી છે. જરૂરિયાત મુજબ રસ્તા પર ઉભા રહેલા વાહનોને તાત્કાલિક દૂર કરવા, ટ્રાફિક જામની સ્થિતિમાં ઝડપી કાર્યવાહી કરવા અને નિયમોના અમલ માટે આ તમામ સંસાધનોનો ઉપયોગ કરવામાં આવશે.

અમદાવાદના વેપારીએ પત્નીના કથિત અફેર મામલે કોર્ટનો દરવાજો ખખડાવ્યો : જીમની મિત્રતા પ્રેમ સંબંધમાં બદલાઈ હોવાનો દાવો

6 રૂટ ડાઇવર્ઝન અને પ્રતિબંધિત માર્ગોની જાહેરાત

ટ્રાફિક વિભાગે રથયાત્રા દરમિયાન શહેરમાં કુલ 6 મુખ્ય રૂટ પર ટ્રાફિક ડાઇવર્ઝનની વ્યવસ્થા અમલમાં મૂકી છે. સાથે જ 6 પ્રતિબંધિત રૂટ અંગે જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે. નાગરિકોને અગાઉથી જાહેર કરાયેલા ડાઇવર્ઝન અને ટ્રાફિક સૂચનાઓનું પાલન કરવા તેમજ શક્ય હોય ત્યાં સુધી વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી છે. અધિકારીઓએ જણાવ્યું છે કે થોડા સમય માટે ટ્રાફિકની અગવડતા સર્જાઈ શકે છે, પરંતુ શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત રીતે રથયાત્રા પૂર્ણ થાય તે માટે શહેરજનોનો સહકાર અત્યંત જરૂરી છે. ટ્રાફિક વિભાગે લોકોને ધીરજ રાખવાની અને પોલીસની સૂચનાઓનું પાલન કરવાની વિનંતી કરી છે.

મુખ્ય રથયાત્રા ઉપરાંત અન્ય 6 રથયાત્રા પર પણ નજર

ટ્રાફિક વિભાગ માત્ર મુખ્ય જગન્નાથ રથયાત્રા પૂરતો જ નહીં પરંતુ શહેરમાં યોજાનારી અન્ય 6 રથયાત્રાઓનું પણ સુપરવિઝન કરશે. તમામ સ્થળોએ ટ્રાફિકનું સંકલન જળવાઈ રહે અને કોઈપણ પ્રકારની અવ્યવસ્થા ઊભી ન થાય તે માટે અલગ-અલગ ટીમોને જવાબદારી સોંપવામાં આવી છે. આ ઉપરાંત શહેરમાં વીવીઆઈપી (VVIP) મૂવમેન્ટને ધ્યાનમાં રાખીને પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિત અન્ય મહાનુભાવોની હાજરીને ધ્યાનમાં રાખીને કેટલાક પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને અલગથી વીવીઆઈપી સુરક્ષા અને મૂવમેન્ટમાં જોડવામાં આવશે. તેના કારણે કેટલાક વિસ્તારોમાં સમયાંતરે ટ્રાફિક નિયંત્રણ વધુ કડક રાખવામાં આવશે.

અમદાવાદ પ્લેશ ક્રેશ મામલે AAIBએ સુપ્રીમ કોર્ટમાં કરી મોટી સ્પષ્ટતા : "કોકપિટ વોઇસ રેકોર્ડિંગ સહિતના સંવેદનશીલ પુરાવા જાહેર નહીં થાય"

છેલ્લા 45 દિવસથી સતત ચાલી રહી હતી તૈયારીઓ

ટ્રાફિક વિભાગના જણાવ્યા અનુસાર રથયાત્રાની સફળતા માટે છેલ્લા 45 દિવસથી પોલીસ કર્મચારીઓ સતત આયોજન અને મેદાની કામગીરીમાં વ્યસ્ત રહ્યા છે. રૂટનું નિરીક્ષણ, ટ્રાફિક અભ્યાસ, સંવેદનશીલ વિસ્તારોની સમીક્ષા, બેરિકેડિંગ, ડાઇવર્ઝન યોજના અને ઇમરજન્સી પ્રતિસાદ સહિતના તમામ પાસાઓ પર કામ કરવામાં આવ્યું છે. અધિકારીઓએ જણાવ્યું છે કે નાગરિકોને શક્ય તેટલી ઓછી અગવડતા પડે તે માટે સતત પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. રાત્રે 2 વાગ્યાથી શરૂ થનારી ટ્રાફિક વ્યવસ્થા રથયાત્રા પૂર્ણ ન થાય ત્યાં સુધી યથાવત રહેશે અને સમગ્ર સમયગાળા દરમિયાન ટ્રાફિક પોલીસ શહેરના વિવિધ વિસ્તારોમાં સતત કાર્યરત રહેશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now