અમદાવાદમાં 12 જૂન, 2025ના રોજ સર્જાયેલી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-171 વિમાન દુર્ઘટનાની તપાસને લઈને મહત્વપૂર્ણ કાનૂની અને તપાસ સંબંધિત માહિતી સામે આવી છે. એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB)એ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલા સોગંદનામામાં સ્પષ્ટ જણાવ્યું છે કે અકસ્માતની તપાસ દરમિયાન એકત્રિત કરવામાં આવેલા સંવેદનશીલ દસ્તાવેજો, ખાસ કરીને કોકપિટ વોઇસ રેકોર્ડર (CVR)ના ઓડિયો, ફ્લાઇટ દરમિયાનના અન્ય ઓડિયો-વીડિયો રેકોર્ડિંગ્સ અને સાક્ષીઓના નિવેદનો જાહેર કરી શકાય નહીં. બ્યુરોના જણાવ્યા અનુસાર, આ પ્રકારની માહિતી જાહેર કરવા પર હાલના કાયદા હેઠળ પ્રતિબંધ છે અને તે તપાસની નિષ્પક્ષતા તેમજ ઉડ્ડયન સુરક્ષાના હિતમાં પણ જરૂરી છે.
સોગંદનામામાં વધુમાં જણાવાયું છે કે અકસ્માતની તપાસ અંતિમ તબક્કામાં પહોંચી રહી છે. બાકી રહેલી તકનિકી તપાસ આગામી છ અઠવાડિયામાં પૂર્ણ થવાની ધારણા છે. ત્યારબાદ તમામ ટેક્નિકલ માહિતી, ફ્લાઇટ ડેટા, માનવ પરિબળો અને અન્ય પુરાવાઓનું વિશ્લેષણ કર્યા પછી ઓક્ટોબર 2026 સુધીમાં ડ્રાફ્ટ ફાઇનલ રિપોર્ટ તૈયાર કરવામાં આવશે.
કયા દસ્તાવેજો અને માહિતી ગુપ્ત રહેશે?
AAIB એ સુપ્રીમ કોર્ટને જણાવ્યું છે કે તપાસ દરમિયાન એકત્રિત કરવામાં આવેલી કેટલીક માહિતી અત્યંત સંવેદનશીલ છે અને તેને કોઈ તૃતીય પક્ષ, બહારની સમિતિ અથવા સામાન્ય જનતા સાથે શેર કરી શકાશે નહીં. તેમાં કોકપિટ વોઇસ રેકોર્ડિંગ (CVR), વિમાનની અંદરના અન્ય ઓડિયો અને વીડિયો રેકોર્ડિંગ્સ, તપાસ દરમિયાન નોંધાયેલા સાક્ષીઓના નિવેદનો, પાઇલટ, એરલાઇન અને ટેક્નિકલ સ્ટાફ વચ્ચેની આંતરિક ચર્ચાઓ તેમજ એર ટ્રાફિક કંટ્રોલ (ATC) અને એરક્રાફ્ટ વચ્ચે થયેલા સંચારના રેકોર્ડિંગ્સનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત અકસ્માતમાં મૃત્યુ પામેલા અને ઇજાગ્રસ્ત મુસાફરો તથા અન્ય લોકોની વ્યક્તિગત તેમજ તબીબી માહિતી પણ જાહેર કરવામાં આવશે નહીં. બ્યુરોનું કહેવું છે કે આવી માહિતીની ગોપનીયતા જાળવવી કાયદાકીય રીતે ફરજિયાત છે અને તે પીડિત પરિવારોના હિત સાથે પણ જોડાયેલી છે.
આ પણ વાંચો: સરખેજ-ધોળકા રોડ પર ભયાનક અકસ્માત : લોડિંગ ટ્રક અને આઇસર વચ્ચે ટક્કર, ડ્રાઇવરનું ઘટનાસ્થળે મોત
કાનૂની જોગવાઈ શું કહે છે?
AAIB એ પોતાના સોગંદનામામાં સ્પષ્ટ કર્યું છે કે વિમાન દુર્ઘટના તપાસ નિયમો, 2025ના નિયમ 17(5) હેઠળ કોકપિટ વોઇસ રેકોર્ડિંગ્સ અને ફ્લાઇટમાં રેકોર્ડ થયેલી કેટલીક માહિતી જાહેર કરવા પર સ્પષ્ટ પ્રતિબંધ છે. આ જોગવાઈનો મુખ્ય હેતુ તપાસને પારદર્શક બનાવવાનો નહીં પરંતુ અસરકારક અને નિષ્પક્ષ બનાવવાનો છે.
બ્યુરોના જણાવ્યા અનુસાર, જો પાઇલટ, એર ટ્રાફિક કંટ્રોલ અધિકારીઓ, એન્જિનિયરો અથવા અન્ય સંબંધિત વ્યક્તિઓને એવો ભય રહે કે તેમના નિવેદનો અથવા વાતચીત ભવિષ્યમાં જાહેર કરવામાં આવશે, તો તેઓ તપાસ દરમિયાન ખુલ્લેઆમ અને નિખાલસપણે માહિતી આપતા અચકાશે. પરિણામે અકસ્માતના મૂળ કારણો સુધી પહોંચવામાં મુશ્કેલી ઊભી થઈ શકે છે.
આંતરરાષ્ટ્રીય ધોરણો હેઠળ થઈ રહી છે તપાસ
AAIBએ જણાવ્યું છે કે આ તપાસ માત્ર ભારતીય કાયદા હેઠળ જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન સંગઠન (ICAO)ના અનુસૂચિ-13 અને શિકાગો કન્વેન્શનના આંતરરાષ્ટ્રીય ધોરણોને અનુસરીને કરવામાં આવી રહી છે.
આંતરરાષ્ટ્રીય ઉડ્ડયન તપાસનો મૂળભૂત સિદ્ધાંત એવો છે કે તપાસનો હેતુ કોઈ વ્યક્તિ અથવા સંસ્થાને દોષિત ઠેરવવાનો નથી. તેનો મુખ્ય ઉદ્દેશ અકસ્માત પાછળના વાસ્તવિક કારણો અને તેમાં જવાબદાર રહેલા તકનિકી, માનવ અને કામગીરી સંબંધિત પરિબળોની ઓળખ કરીને ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓ અટકાવવા માટે જરૂરી ભલામણો કરવો છે.
આ પણ વાંચો: આણંદમાં કાયદાના ધજાગરા! : નશામાં ધૂત PI એ બેફામ કાર ચલાવી સર્જ્યા અસ્કમાત, 2 યુવકો ગંભીર
અમદાવાદમાં કેવી રીતે સર્જાઈ હતી દુર્ઘટના?
12 જૂન, 2025 ના રોજ એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-171 અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી લંડનના ગેટવિક એરપોર્ટ જવા માટે રવાના થઈ હતી. પરંતુ ટેક-ઓફ પછી ગણતરીની મિનિટોમાં જ વિમાન નિયંત્રણ ગુમાવી બેઠું અને શહેરની એક મેડિકલ કોલેજના હોસ્ટેલ પર તૂટી પડ્યું.
આ ભયાનક દુર્ઘટનામાં વિમાનમાં સવાર કુલ 242 લોકોમાંથી 241 લોકોના મોત થયા હતા, જ્યારે જમીન પર હાજર 19 સ્થાનિક નાગરિકોએ પણ જીવ ગુમાવ્યો હતો. આ ઘટનાએ દેશના નાગરિક ઉડ્ડયન ક્ષેત્રમાં સુરક્ષા વ્યવસ્થાઓ અંગે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા હતા અને કેન્દ્ર સરકારે તાત્કાલિક ઉચ્ચ સ્તરની તપાસના આદેશ આપ્યા હતા.
અરજીઓના જવાબમાં સરકારનું સોગંદનામું
સરકારે આ સોગંદનામું સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલી વિવિધ અરજીઓના જવાબમાં રજૂ કર્યું છે. આ અરજીઓમાં મૃત્યુ પામેલા પાઇલટ કેપ્ટન સુમિત સભરવાલના પિતા પુષ્કરાજ સભરવાલ, ફેડરેશન ઓફ ઇન્ડિયન પાઇલોટ્સ તથા બિનસરકારી સંસ્થા સેફ્ટી મેટર્સ ફાઉન્ડેશનનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો: ગુજરાત સરકારનો મોટો નિર્ણય : સચિવાલયમાં 28 નવા સેક્શન ઓફિસરના પદોને મંજૂરી
સરકારે પોતાના જવાબમાં સ્પષ્ટ કર્યું છે કે તપાસનું કાર્ય નિર્ધારિત પ્રક્રિયા મુજબ આગળ વધી રહ્યું છે અને અંતિમ રિપોર્ટ તૈયાર થાય તે પહેલાં તપાસ સંબંધિત સંવેદનશીલ પુરાવા જાહેર કરવાથી સમગ્ર તપાસ પ્રક્રિયા પ્રભાવિત થઈ શકે છે. તેથી કાયદાકીય જોગવાઈઓ અને આંતરરાષ્ટ્રીય માર્ગદર્શિકાઓનું પાલન કરીને જ તમામ કાર્યવાહી કરવામાં આવશે.
તપાસ પૂર્ણ થયા બાદ રજૂ થનારા અંતિમ અહેવાલમાં અકસ્માતના કારણો, તપાસ દરમિયાન સામે આવેલા તારણો તથા ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓ અટકાવવા માટેની સુરક્ષા સંબંધિત ભલામણો સમાવાશે. ઉડ્ડયન ક્ષેત્ર સાથે સંકળાયેલા તમામ હિતધારકોની નજર હવે ઓક્ટોબર 2026માં આવનારા ડ્રાફ્ટ ફાઇનલ રિપોર્ટ પર કેન્દ્રિત છે.





