Home Gujarat Anand Borsad Pi Car Accident Two Youth Injured

આણંદમાં કાયદાના ધજાગરા! : નશામાં ધૂત PI એ બેફામ કાર ચલાવી સર્જ્યા અસ્કમાત, 2 યુવકો ગંભીર

અકસ્માતગ્રસ્ત કાર
Published by: Chintan Chavda
Last Updated: Jul 15, 2026, 06:32 AM IST

આણંદ: કાયદો અને વ્યવસ્થાની રક્ષા જેમના શિરે છે, તેવા પોલીસ અધિકારી જ જ્યારે કાયદાના ધજાગરા ઉડાવે ત્યારે જનતાએ ન્યાય માટે ક્યાં જવું? આણંદ જિલ્લાના બોરસદ-નાપા માર્ગ પર એક ચોંકાવનારો અને ખાખી વર્દીને શર્મસાર કરતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. એક પોલીસ ઇન્સ્પેક્ટર પી.પી. વસાવાએ કથિત રીતે દારૂના નશામાં ધૂત થઈ પોતાની લક્ઝુરિયસ કાર બેફામ હંકારીને એક પછી એક અકસ્માતો સર્જ્યા હોવાની ઘટના સામે આવતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે.

એક કાર અને બાઈકને મારી ટક્કર, બે લોહીલુહાણ

મળતી વિગતો મુજબ, બોરસદ પાસે પીઆઈ વસાવાએ પોતાની પૂરપાટ ઝડપે જતી લક્ઝુરિયસ કારથી આગળ જતી એક કારને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત સર્જીને ઊભા રહેવાને બદલે તેઓ ગાડી ભગાડી ત્યાંથી ફરાર થઈ ગયા હતા. ત્યારબાદ આગળ વધીને વહેરા પાટીયા નજીક તેમણે એક બાઈકને પણ પાછળથી અડફેટે લીધી હતી. આ ટક્કર એટલી ભયાનક હતી કે બાઈક પર સવાર બે નિર્દોષ યુવકો હવામાં ઊછળીને રોડ પર પટકાયા હતા. આ અકસ્માતમાં બંને યુવકોને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને લોહીલુહાણ હાલતમાં તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની સ્થિતિ નાજુક હોવાનું જાણવા મળ્યું છે.

આ પણ વાંચો: ગૃહિણીઓનું બજેટ ફરી ખોરવાયું : સિંગતેલના ભાવમાં ₹50નો થયો વધારો, અન્ય ખાદ્યતેલ પણ થયા મોંઘાં

ભાગવાનો પ્રયાસ નિષ્ફળ, કાર દીવાલમાં ઘૂસી

આટલો ગંભીર અકસ્માત સર્જ્યા બાદ અને બે જીવ જોખમમાં મૂક્યા પછી પણ પીઆઈ વસાવાએ માનવતા દાખવી કાર રોકવાની તસ્દી લીધી ન હતી. તેઓ પકડાઈ જવાની બીકે નાપા તરફ ભાગ્યા હતા. જો કે, પાપનો ઘડો ભરાયો હોય તેમ, આગળ જતાં નાપા નજીક સ્ટેયરિંગ પરથી નિયંત્રણ ગુમાવતા તેમની કાર એક દીવાલ સાથે ધડાકાભેર અથડાઈ હતી અને ત્યારબાદ રોડ સાઈડની ઝાડીઓમાં ઉતરી ગઈ હતી.

સ્થાનિકોએ દબોચ્યા: કારમાંથી મળી પોલીસની ટોપી-બૂટ

ઘટનાને પગલે ઘટનાસ્થળે એકઠા થયેલા રોષે ભરાયેલા સ્થાનિક લોકોએ પીઆઈ પી.પી. વસાવાને સ્થળ પર જ દબોચી લીધા હતા અને તુરંત બોરસદ ગ્રામ્ય પોલીસને જાણ કરીને તેમને પોલીસ હવાલે કર્યા હતા. અકસ્માતગ્રસ્ત કારની તલાશી લેતા તેમાંથી પોલીસના સત્તાવાર બૂટ, ટોપી અને ઓળખકાર્ડ મળી આવ્યા હતા, જે સાબિત કરે છે કે જવાબદાર હોદ્દા પર બેઠેલા અધિકારી જ આ ગુનામાં સામેલ હતા.

આ પણ વાંચો: વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ગુનાહિત બેદરકારી : કરોડિયા રોડ પર મોત સમાન ખાડામાં કાર ખાબકતા તંત્રને રૂ. 8 લાખની કાનૂની નોટિસ, કોર્ટમાં ઢસડી જવાની ચીમકી

સ્થાનિકોના ગંભીર આક્ષેપ:

ઘટનાસ્થળે હાજર લોકોના જણાવ્યા અનુસાર, પીઆઈ વસાવા ભારે નશાની હાલતમાં હતા અને તેમનાથી સરખું ઊભું પણ રહેવાતું ન હતું. હાલમાં આ મામલે બોરસદ ગ્રામ્ય પોલીસે ગુનો નોંધી, પીઆઈનો મેડિકલ ટેસ્ટ કરાવવા સહિતની આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે. ગુજરાત જેવા ડ્રાય સ્ટેટમાં પોલીસ અધિકારી જ દારૂ પીને બેફામ બને તે બાબત કાયદાના અમલીકરણ સામે મોટા સવાલો ઊભા કરે છે.

વારંવાર પૂછાતા પ્રશ્નો

અકસ્માતગ્રસ્ત કારની તપાસ કરતા તેમાંથી પોલીસની સત્તાવાર ટોપી, બૂટ અને ઓળખકાર્ડ મળી આવ્યા હતા, જે તેમની ઓળખની પુષ્ટિ કરે છે.

અકસ્માત સર્જ્યા બાદ ભાગવાનો પ્રયાસ કરતી વખતે નાપા નજીક તેમની કાર દીવાલ સાથે અથડાઈને ઝાડીઓમાં ઉતરી ગઈ હતી. ત્યારબાદ સ્થળ પર એકઠા થયેલા રોષે ભરાયેલા સ્થાનિક લોકોએ તેમને દબોચી લીધા હતા અને બોરસદ ગ્રામ્ય પોલીસને હવાલે કર્યા હતા.

પીઆઈ વસાવાએ પહેલા એક કારને પાછળથી ટક્કર મારી હતી અને ત્યારબાદ વહેરા પાટીયા નજીક એક બાઈકને અડફેટે લીધી હતી, જેમાં બાઈક પર સવાર બે યુવકો ગંભીર રીતે ઘાયલ થયા હતા અને તેમની હાલત નાજુક છે.

આણંદ જિલ્લાના બોરસદ-નાપા માર્ગ પર પોલીસ ઇન્સ્પેક્ટર પી.પી. વસાવાએ કથિત રીતે દારૂના નશામાં ધૂત થઈ પોતાની લક્ઝુરિયસ કાર બેફામ હંકારીને એક પછી એક અકસ્માતો સર્જ્યા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now