Home Gujarat Ahmedabad Ahmedabad Rathyatra 2026 Sona Vesh Gajraj Pujan

Rath Yatra 2026આજે ભગવાન જગન્નાથના સોના વેશના દિવ્ય દર્શન : ભક્તોમાં ભારે ઉત્સાહ, જાણો આધ્યાત્મિક અને ધાર્મિક મહત્વ

Ahmedabad Rath Yatra 2026
Published by: Suman Dabhi
Last Updated: Jul 15, 2026, 07:24 AM IST

Ahmedabad Rath Yatra 2026: અમદાવાદની ઐતિહાસિક 149મી ભગવાન જગન્નાથ રથયાત્રા હવે ગણતરીના કલાકો દૂર છે. જમાલપુર સ્થિત જગન્નાથ મંદિરમાં રથયાત્રાની તમામ તૈયારીઓને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે. રથયાત્રા પૂર્વે આજે મંદિર પરિસરમાં અનેક ધાર્મિક વિધિઓનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભગવાનના સોના વેશના દિવ્ય દર્શન, ગજરાજ પૂજન અને ત્રણેય પવિત્ર રથોની શાસ્ત્રોક્ત પૂજા મુખ્ય આકર્ષણ રહેશે.

વર્ષમાં માત્ર એક જ વખત મળે છે સોના વેશના દર્શન

રથયાત્રા પૂર્વે ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાને સુવર્ણ આભૂષણોથી અલંકૃત કરીને 'સોના વેશ' ધારણ કરાવવામાં આવે છે. આ અલૌકિક સ્વરૂપના દર્શન વર્ષમાં માત્ર એક જ વખત ભક્તોને થાય છે. તેથી વહેલી સવારથી જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જગન્નાથ મંદિરે ઉમટી પડ્યા છે. ધાર્મિક માન્યતા અનુસાર, રથયાત્રા પહેલા ભગવાનના સોના વેશના દર્શન કરવાથી વિશેષ પુણ્યની પ્રાપ્તિ થાય છે અને ભક્તોની મનોકામનાઓ પૂર્ણ થાય છે.

ગજરાજ અને ત્રણેય પવિત્ર રથોની થશે વિશેષ પૂજા

પરંપરા અનુસાર રથયાત્રાની આગળ ચાલતા ગણપતિ સ્વરૂપ ગજરાજોનું આજે વિધિપૂર્વક પૂજન કરવામાં આવશે. ગજરાજોને મોદક અને વિશેષ ભોગ અર્પણ કરીને આશીર્વાદ લેવામાં આવશે.

આ સાથે ભગવાનના ત્રણેય પવિત્ર રથો નંદીઘોષ, તાલધ્વજ અને પદ્મધ્વજની પણ શાસ્ત્રોક્ત વિધિથી પૂજા કરવામાં આવશે. મંદિરના મહંતો અને સંત-મહંતોની હાજરીમાં આ તમામ ધાર્મિક વિધિઓ સંપન્ન થશે.

જય શાહ અને અર્જુન મોઢવાડિયાએ લીધા આશીર્વાદ

ગજરાજ પૂજનના પવિત્ર પ્રસંગે ICCના ચેરમેન જય શાહ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને પરંપરાગત પૂજામાં ભાગ લીધો હતો. આ ઉપરાંત રાજ્યના કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાએ પણ જગન્નાથ મંદિરે પહોંચીને ભગવાનના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા.

આ પણ વાંચો: 16 જુલાઈથી રથયાત્રાનો પ્રારંભ : પરંતુ શું તમે જાણો છો ભગવાન જગન્નાથની મૂર્તિ અધૂરી કેમ છે? રહસ્ય જાણીને ચોંકી જશો

સાંજે મહાઆરતીમાં જોડાશે મુખ્યમંત્રી

મંદિરમાં આજે વિવિધ રાજકીય અને સામાજિક આગેવાનોની મુલાકાતો પણ યોજાશે. બપોરે પ્રદેશ કોંગ્રેસ સમિતિનું પ્રતિનિધિમંડળ મંદિરે પહોંચશે, જ્યારે સાંજે શાંતિ સમિતિના સભ્યો મંદિર ટ્રસ્ટ સાથે બેઠક કરશે.

આજના કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ સાંજે 6:30 વાગ્યે યોજાનારી ભવ્ય મહાઆરતી રહેશે. જેમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી ઉપસ્થિત રહી ભગવાનની આરતી ઉતારશે.

રથયાત્રા માટે સુરક્ષા વ્યવસ્થા સજ્જ

149મી જગન્નાથ રથયાત્રાને ધ્યાનમાં રાખીને અમદાવાદ પોલીસ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સમગ્ર યાત્રામાર્ગ પર ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

સીસીટીવી કેમેરા, ડ્રોન સર્વેલન્સ, ક્વિક રિસ્પોન્સ ટીમ, મેડિકલ કેમ્પ, એમ્બ્યુલન્સ અને પીવાના પાણી સહિતની તમામ જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. લાખો ભક્તો શાંતિપૂર્ણ વાતાવરણમાં રથયાત્રાનો લાભ લઈ શકે તે માટે વહીવટી તંત્ર સંપૂર્ણ તૈયાર છે.

આ પણ વાંચો: રથયાત્રા પહેલા આજે વિધિપૂર્વક થશે ગજરાજ પૂજન : હાથીખાનામાં ભવ્ય શણગારની તૈયારીઓ શરૂ

સોના વેશનું ધાર્મિક મહત્વ

ભગવાન જગન્નાથનો સોના વેશ માત્ર શણગાર નથી, પરંતુ તે સમૃદ્ધિ, વૈભવ અને દિવ્યતાનું પ્રતીક માનવામાં આવે છે. અષાઢી બીજ પહેલાં ભગવાનને સુવર્ણ આભૂષણોથી શણગારવાની આ પરંપરા વર્ષોથી ચાલી આવી છે. આ દિવસે ભગવાનના દર્શન કરનાર ભક્તોને વિશેષ આધ્યાત્મિક લાભ મળે છે એવી ધાર્મિક માન્યતા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now