Ahmedabad Rath Yatra 2026: અમદાવાદની ઐતિહાસિક 149મી જગન્નાથ રથયાત્રા હવે ગણતરીના કલાકો દૂર છે. સમગ્ર શહેરમાં ભક્તિ, ઉત્સાહ અને ઉજવણીનો માહોલ છવાયો છે. દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓની હાજરીમાં યોજાતી આ ભવ્ય રથયાત્રા પહેલાં આજે પરંપરાગત વિધિ અનુસાર ગણપતિ સ્વરૂપ ગજરાજોનું પૂજન કરવામાં આવશે. આ સાથે જ જગન્નાથ મંદિરના હાથીખાનામાં ગજરાજોના ભવ્ય શણગારની તૈયારીઓ પણ અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે.
ગજરાજોને અપાઈ રહ્યો છે આકર્ષક અને પરંપરાગત શણગાર
રથયાત્રામાં ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાના રથની આગળ ગજરાજો અગ્રેસર રહે છે. આ કારણે તેમની વિશેષ રીતે સજાવટ કરવામાં આવે છે.
જગન્નાથ મંદિરના હાથીખાનામાં મહાવતો દ્વારા ગજરાજોના મસ્તક, સૂંઢ અને કાન પર પરંપરાગત કલાત્મક ડિઝાઇન તૈયાર કરવામાં આવી રહી છે. શ્વેત અલંકારો અને રંગબેરંગી આકૃતિઓથી ગજરાજોને ભવ્ય અને દિવ્ય સ્વરૂપ આપવામાં આવી રહ્યું છે. દર વર્ષે ગજરાજોના શણગારનું દૃશ્ય રથયાત્રાનું વિશેષ આકર્ષણ બને છે.
હર્બલ અને ઈકો-ફ્રેન્ડલી રંગોથી થઈ રહ્યો છે શણગાર
ગજરાજોના સ્વાસ્થ્ય અને પર્યાવરણને ધ્યાનમાં રાખીને આ વર્ષે પણ તેમની સજાવટ માટે ઈકો-ફ્રેન્ડલી હર્બલ રંગોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. કુદરતી રંગોથી કરવામાં આવતો શણગાર હાથીઓની ત્વચાને કોઈ નુકસાન પહોંચાડતો નથી અને પર્યાવરણ માટે પણ અનુકૂળ માનવામાં આવે છે. મહાવતો ગજરાજોની ખાસ કાળજી રાખી રહ્યા છે, જેથી રથયાત્રા દરમિયાન તેઓ સંપૂર્ણ સ્વસ્થ અને આરામદાયક સ્થિતિમાં રહી શકે.
આ પણ વાંચો: અમદાવાદમાં 149મી જગન્નાથ રથયાત્રા માટે કાઉન્ટડાઉન શરૂ : આજે વિધિવત પૂજન બાદ મંદિર પહોંચશે ત્રણેય પવિત્ર રથ
ગજરાજનું પૂજન કેમ કરવામાં આવે છે?
અમદાવાદની જગન્નાથ રથયાત્રામાં ગજરાજોને ભગવાન ગણેશનું પ્રતીક માનવામાં આવે છે. શુભ કાર્યની શરૂઆત પહેલાં જેમ ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે, તેમ રથયાત્રા પહેલાં ગજરાજોનું વિધિપૂર્વક પૂજન કરવાની વર્ષો જૂની પરંપરા છે.
પૂજન બાદ ગજરાજો ભગવાન જગન્નાથના રથની આગળ ચાલીને સમગ્ર યાત્રાને ભવ્યતા અને આધ્યાત્મિકતા પ્રદાન કરે છે. હજારો ભક્તો ગજરાજોના દર્શનને શુભ માનતા હોય છે.
મંદિર પરિસરમાં વધ્યો ભક્તોનો ધસારો
રથયાત્રા નજીક આવતાં જ જગન્નાથ મંદિર ખાતે ભક્તોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. ગજરાજોના શણગાર અને તેમની તૈયારી જોવા માટે પણ મોટી સંખ્યામાં લોકો મંદિર પરિસરમાં પહોંચી રહ્યા છે.
મંદિર ટ્રસ્ટ દ્વારા રથયાત્રાની તમામ તૈયારીઓને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે. ગજરાજો, અખાડાઓ, ભજન મંડળીઓ અને રથોની તૈયારીઓ પૂર્ણ થવાના આરે છે, જેના કારણે સમગ્ર શહેરમાં ભક્તિમય વાતાવરણ જોવા મળી રહ્યું છે.
શા માટે ખાસ છે ગજરાજો?
અમદાવાદની જગન્નાથ રથયાત્રાની ઓળખ માત્ર ભગવાનના ભવ્ય રથોથી જ નહીં, પરંતુ ગજરાજોની શોભાયાત્રાથી પણ છે. સુંદર શણગારેલા હાથીઓ જ્યારે ભગવાનના રથની આગળ ચાલે છે ત્યારે સમગ્ર યાત્રાનું સૌંદર્ય અનેકગણું વધી જાય છે. દેશ-વિદેશમાંથી આવતા શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓ માટે પણ આ દૃશ્ય વિશેષ આકર્ષણનું કેન્દ્ર રહે છે.





