Ahmedabad Rath Yatra 2026: અમદાવાદની ઐતિહાસિક અને વિશ્વવિખ્યાત ભગવાન શ્રી જગન્નાથજીની 149મી રથયાત્રાને હવે માત્ર થોડા કલાકો જ બાકી રહ્યા છે. અષાઢી બીજના પવિત્ર દિવસે યોજાનારી આ ભવ્ય ધાર્મિક યાત્રા પહેલાં સમગ્ર જગન્નાથ મંદિર પરિસર ભક્તિમય વાતાવરણથી ગુંજી ઉઠ્યું છે. શહેરભરમાં રથયાત્રાની તૈયારીઓ અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે, જ્યારે હજારો હરિભક્તો ભગવાનના દર્શન અને ધાર્મિક વિધિઓમાં ભાગ લેવા માટે મંદિર તરફ ઉમટી રહ્યા છે. રથયાત્રાના એક દિવસ પહેલાં એટલે કે આજે (15 જુલાઈ) ભગવાન શ્રી જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બળભદ્રજીના ત્રણેય પવિત્ર રથોનું વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે વિધિવત પૂજન કરવામાં આવશે. ત્યારબાદ પરંપરા મુજબ 200થી વધુ ખલાસીઓ ભારે ઉત્સાહ અને શ્રદ્ધા સાથે ત્રણેય રથોને રથખાનામાંથી ખેંચીને મંદિર પરિસરમાં લાવશે, જ્યાં રથ પ્રતિષ્ઠા અને વિશેષ પૂજાનો કાર્યક્રમ યોજાશે.
ખલાસીઓમાં અનોખો ઉત્સાહ, રથ ખેંચવાની પરંપરા રહેશે આકર્ષણનું કેન્દ્ર
રથયાત્રા સાથે વર્ષોથી જોડાયેલી ખલાસી સમાજની પરંપરા આજે પણ યથાવત્ જોવા મળે છે. વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ખલાસી ભાઈઓ મંદિર સામે આવેલા રથખાના ખાતે એકત્ર થયા હતા. રથોને સુરક્ષિત રીતે મંદિર સુધી પહોંચાડવા માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. રથોને મજબૂત દોરડાઓથી બાંધવામાં આવ્યા છે અને લગભગ 200થી વધુ ખલાસીઓ એક પછી એક ભગવાન જગન્નાથજી, બળભદ્રજી અને સુભદ્રાજીના રથોને શ્રદ્ધાપૂર્વક મંદિર સુધી ખેંચીને લાવશે. આ દૃશ્ય દર વર્ષે હજારો ભક્તો માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બનતું હોય છે.
આજે યોજાશે અનેક ધાર્મિક વિધિઓ
રથયાત્રા પૂર્વે આજે મંદિરમાં અનેક શુભ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. વહેલી સવારે ભગવાન શ્રી જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બળભદ્રજીને સુવર્ણ આભૂષણોથી સજાવીને ભવ્ય સોનાવેશ દર્શન કરાવવામાં આવશે. તે બાદ રથયાત્રામાં સૌથી આગળ ચાલતા ગજરાજોનું શાસ્ત્રોક્ત ગજરાજ પૂજન કરવામાં આવશે. ત્યારબાદ મંદિર પરિસરમાં ત્રણેય રથોની રથ પ્રતિષ્ઠા વિધિ સંપન્ન થશે. રથોના આગમન બાદ વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે વિશેષ રથ પૂજન અને મહાઆરતી યોજાશે. દિવસના અંતે ભક્તોની હાજરીમાં ભવ્ય સંધ્યા આરતી પણ યોજાશે.
આ પણ વાંચો: રથયાત્રાના દિવસે ગુજરાતમાં અમિત શાહનો મેગા પ્લાન : મંગળા આરતી બાદ યોજાશે સરકાર-સંગઠનની મોટી બેઠક
મંદિર પરિસરમાં ભક્તોનો ભારે ધસારો
રથયાત્રા પૂર્વે જ જગન્નાથ મંદિર પરિસરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. રાજ્યના વિવિધ જિલ્લાઓ ઉપરાંત દેશના અન્ય ભાગોમાંથી પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અમદાવાદ પહોંચ્યા છે. મંદિર પરિસરમાં સતત ભજન-કીર્તન, જયઘોષ અને ધાર્મિક કાર્યક્રમોના કારણે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું છે. ભગવાનના સોનાવેશ દર્શન કરવા માટે વહેલી સવારથી જ ભક્તોની લાંબી કતારો જોવા મળી રહી છે. મંદિર ટ્રસ્ટ દ્વારા દર્શન વ્યવસ્થા સુચારૂ રહે તે માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.
રથયાત્રા માટે સુરક્ષા અને વ્યવસ્થાના અંતિમ ઓપ
149મી રથયાત્રાને ધ્યાનમાં રાખીને પોલીસ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને વિવિધ સરકારી વિભાગો દ્વારા સુરક્ષા અને સુવિધાની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. સમગ્ર રથયાત્રા માર્ગ પર સુરક્ષા વ્યવસ્થા મજબૂત બનાવવામાં આવી છે. ભક્તોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે આરોગ્ય સેવા, પાણી, ટ્રાફિક નિયંત્રણ, સફાઈ અને ઇમરજન્સી સેવાઓ સહિતની તમામ વ્યવસ્થાઓ તૈયાર રાખવામાં આવી છે. મંદિર પ્રશાસન અને સ્થાનિક તંત્ર સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે.
149 વર્ષની પરંપરાનો સાક્ષી બનશે અમદાવાદ
અમદાવાદની જગન્નાથ રથયાત્રા માત્ર ધાર્મિક કાર્યક્રમ નથી, પરંતુ શહેરની સાંસ્કૃતિક અને ઐતિહાસિક ઓળખ પણ છે. દર વર્ષે લાખો ભક્તો આ ભવ્ય યાત્રામાં જોડાય છે અને ભગવાન જગન્નાથજીના આશીર્વાદ મેળવે છે.
આ વર્ષે યોજાનારી 149મી રથયાત્રા પણ પરંપરા, ભક્તિ અને ભવ્યતાનો અનોખો સંગમ બનશે. આજે યોજાનારી રથ પ્રતિષ્ઠા અને ધાર્મિક વિધિઓ બાદ સમગ્ર શહેરની નજર હવે આવતીકાલે ભગવાન જગન્નાથજીની ભવ્ય નગરયાત્રા પર રહેશે.





