Home Gujarat Ahmedabad Gujarat Latest News Updates Today 15 July 2026

LiveGujarat Latest News Updates Today : જાણો 15 જુલાઈ 2026ના ગુજરાતના તમામ તાજા અને મહત્ત્વના સમાચાર

Gujarat News Live Updates
Published by: OBS Bureau
Last Updated: Jul 15, 2026, 05:12 AM IST

Gujarat News Live Updates 15 July 2026: આજે 15 જુલાઈ 2026. અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા અને ગાંધીનગર સહિત ગુજરાતના દરેક શહેરો અને જિલ્લાઓના દિવસભરના મોટા અને મહત્વના તમામ સમાચાર જાણો Offbeat Stories પર. વરસાદથી લઇને તમારા વિસ્તારની સ્થાનિક સમસ્યાઓ, ક્રાઈમથી લઇના ગુજરાતની રાજકીય હલચલ સુધીની તમામ મહત્ત્વની બાબતોની લેટેસ્ટ અપડેટ્સ અહીં જાણો.

લાઈવ અપડેટ્સ
10 મિનિટ પહેલા15 જુલાઈ 2026

નમો ભારત ટ્રેન ભુજના કુકમા પાસે કલાકો અટવાઈ: ટેકનિકલ ખામીને લીધે મુસાફરો મુકાયા હાલાકીમાં

ભુજ: અમદાવાદથી ભુજ આવી રહેલી નમો ભારત ટ્રેન ગત રાત્રે ભુજ નજીક કુકમા સ્ટેશન પાસે ટેકનિકલ ખામીના કારણે કલાકો સુધી અટવાઈ પડી હતી. ટ્રેનમાં અચાનક લાઈટિંગ પાવર ખોરવાઈ જતાં એસી (AC) પણ બંધ થઈ ગયા હતા, જેના લીધે ગૂંગળામણ અનુભવતા મુસાફરોને ટ્રેનના દરવાજા ખોલવાની ફરજ પડી હતી. મોડી રાત્રે બનેલી આ ઘટનાને કારણે મુસાફરોએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. રેલવે તંત્ર દ્વારા ભારે જહેમત બાદ વૈકલ્પિક એન્જિનની વ્યવસ્થા કરવામાં આવી હતી, ત્યારબાદ ટ્રેનને આગળ રવાના કરાઈ હતી. આ ટેક્નિકલ ફોલ્ટને કારણે ટ્રેન અંદાજે ૩ કલાક જેટલી મોડી પડી હતી.

14 મિનિટ પહેલા15 જુલાઈ 2026

સુરતના નાસીર નગર ડિમોલિશન મામલે કથિત ચેટ વાયરલ થતાં ખળભળાટ, હાઈકોર્ટે કમિશનર પાસે માંગ્યો જવાબ

સુરત: સુરતના ચર્ચિત નાસીર નગર કથિત નકલી ડિમોલિશન મામલે સોશિયલ મીડિયામાં એક ચેટ વાયરલ થતાં મોટો ખળભળાટ મચી ગયો છે. મનપા કમિશનર એમ. નાગરાજનના નામના ટેગ વાળી આ ચેટ સસ્પેન્ડેડ કાર્યપાલક ઇજનેર સુજલ પ્રજાપતિ વચ્ચેની હોવાના સ્ક્રીનશોટ સામે આવ્યા છે, જેમાં દબાણ હટાવવા અને સેન્ટ્રલ ઝોન સાથે કોર્ડિનેશન સહિતના ફોટા મોકલાયા હોવાની ચર્ચા છે. હાલ આ મામલો હાઈકોર્ટમાં ચાલી રહ્યો છે, જ્યાં સુજલ પ્રજાપતિએ પુરાવા રજૂ કરી દાવો કર્યો છે કે આ ડિમોલિશન કમિશનરના કહેવાથી જ કરાયું હતું. આ ગંભીર વળાંક બાદ હાઈકોર્ટે પણ મ્યુનિસિપલ કમિશનરને આ મામલે પોતાનો જવાબ રજૂ કરવા આદેશ આપ્યો છે.

15 મિનિટ પહેલા15 જુલાઈ 2026

રાજકોટમાં ખાદ્યતેલના ભાવમાં ભડકો: સિંગતેલ અને કપાસિયા તેલ મોંઘા થતાં બજેટ ખોરવાયું

રાજકોટ સહિત સૌરાષ્ટ્રના બજારોમાં ખાદ્યતેલના ભાવમાં ફરી એકવાર મોટો ઉછાળો આવતા સામાન્ય પરિવારોના ઘરેલુ બજેટ પર વ્યાપક અસર પડી છે. સિંગતેલના ડબ્બાના ભાવમાં રૂ. ૫૦નો વધારો થતાં નવો ભાવ રૂ. ૨,૮૨૦ પર પહોંચ્યો છે, જ્યારે કપાસિયા તેલના ડબ્બામાં રૂ. ૩૦નો વધારો થતાં તેનો ભાવ રૂ. ૨,૬૭૦ થયો છે. આ ઉપરાંત, સૂર્યમુખી અને મકાઈના તેલમાં પણ રૂ. ૧૦થી ૩૦ સુધીનો વધારો નોંધાયો છે. વેપારીઓના મતે, અનિયમિત વરસાદ, બિયારણની સતત વધતી માંગ અને વૈશ્વિક સ્તરે યુદ્ધની પરિસ્થિતિને કારણે ખાદ્યતેલના ભાવમાં આ નોંધપાત્ર તેજી જોવા મળી રહી છે.

18 મિનિટ પહેલા15 જુલાઈ 2026

અમદાવાદ પ્લેન ક્રેશ: તપાસ અહેવાલ ટૂંક સમયમાં જાહેર થશે, કેન્દ્રીય ઉડ્ડયન પ્રધાનનું નિવેદન

અમદાવાદ: અમદાવાદમાં થયેલી દુઃખદ પ્લેન ક્રેશની ઘટના અંગે કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન પ્રધાન રામ મોહન નાયડુએ એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું છે કે આ અકસ્માતની તપાસનો અહેવાલ ખૂબ જ ઝડપથી જાહેર કરવામાં આવશે. કેન્દ્રીય પ્રધાને ભારપૂર્વક જણાવ્યું હતું કે માત્ર તપાસ પૂરી કરવી જ નહીં, પરંતુ ઘટનાનું સાચું કારણ અને સત્ય સામે આવે તે સરકાર માટે વધુ મહત્વનું છે. હાલમાં એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) દ્વારા આ મામલે સંપૂર્ણ પારદર્શિતા સાથે તપાસ ચાલી રહી છે અને ટૂંક સમયમાં જ દરેક પાસાને આવરી લેતો તથ્યાધારિત અહેવાલ રજૂ કરવામાં આવશે.

20 મિનિટ પહેલા15 જુલાઈ 2026

વડોદરા પાલિકાની બેદરકારી: ખાડામાં કાર ખાબકતા તંત્રને રૂ. 8 લાખની કાનૂની નોટિસ

વડોદરા: વડોદરાના કરોડિયા-ઉંડેરા રોડ પર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોઈ પણ સાઈન બોર્ડ કે બેરિકેડિંગ વગર ખોદવામાં આવેલા જીવલેણ ખાડામાં ૨ જૂનના રોજ એક કાર ખાબકી હતી. તંત્રની ઘોર લાપરવાહીને કારણે સર્જાયેલા આ અકસ્માતમાં કારના ફુરચેફુરચા ઊડી ગયા હતા અને કાર માલિક કૃણાલ પટેલને રૂ. ૮ લાખનું આર્થિક નુકસાન વેઠવું પડ્યું હતું. આ મામલે રોષે ભરાયેલા કાર માલિકે એડવોકેટ મારફતે મ્યુનિસિપલ કમિશનર અને રોડ વિભાગને કાનૂની નોટિસ ફટકારી છે. જેમાં આગામી ૧૫ દિવસમાં નુકસાનીનું વળતર ચૂકવવાની માંગ કરાઈ છે અને જો વળતર નહીં ચૂકવાય તો અધિકારીઓ સામે દીવાની તથા ફોજદારી રાહે કોર્ટ કાર્યવાહી કરવાની ચીમકી આપવામાં આવી છે.

04:07 AM15 જુલાઈ 2026

સીએમ ભૂપેન્દ્ર પટેલનો જન્મદિવસ: સાદગી, સંયમ અને જનસેવાની પ્રેરણાદાયી સફર

ગાંધીનગર: ગુજરાતના ૧૭મા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે પોતાનો જન્મદિવસ ઉજવી રહ્યા છે. ૧૫ જુલાઈ, ૧૯૬૨ના રોજ અમદાવાદના સામાન્ય પરિવારમાં જન્મેલા અને જનતામાં 'દાદા' તરીકે લોકપ્રિય બનેલા મુખ્યમંત્રીનો જન્મદિવસ કોઈ પણ ભવ્ય આડંબર વગર અત્યંત સાદગીપૂર્ણ રીતે મનાવવામાં આવે છે. આ નિમિત્તે રાજ્યભરમાં વૃક્ષારોપણ અને રક્તદાન શિબિર જેવા જનહિતના કાર્યો યોજાય છે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓથી શરૂ કરીને રાજ્યના સર્વોચ્ચ પદ સુધી પહોંચેલા ભૂપેન્દ્રભાઈ પટેલ મૃદુ સ્વભાવ અને વહીવટી મક્કમતાના સંગમ તરીકે ઓળખાય છે, જે સામાન્ય નાગરિકો અને કાર્યકર્તાઓ વચ્ચે સહજતાથી શુભેચ્છાઓ સ્વીકારીને જનતા પ્રત્યેનો આત્મીય અભિગમ ઉજાગર કરે છે.

04:05 AM15 જુલાઈ 2026

ગુજરાત કેબિનેટ બેઠક: રથયાત્રાની સુરક્ષા અને ચોમાસાની સ્થિતિ પર થશે મહત્વની ચર્ચા

ગાંધીનગર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે ગાંધીનગરમાં રાજ્ય સરકારની એક મહત્વપૂર્ણ કેબિનેટ બેઠક યોજાવા જઈ રહી છે. આ બેઠકમાં આગામી સમયમાં યોજાનારી ભગવાન જગન્નાથજીની રથયાત્રાની સુરક્ષા અને કાયદો-વ્યવસ્થાની તૈયારીઓ સરકારના મુખ્ય એજન્ડામાં રહેશે. લાખો શ્રદ્ધાળુઓની સુરક્ષા માટે સીસીટીવી, ડ્રોન સર્વેલન્સ અને સંવેદનશીલ વિસ્તારોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત અંગે વિવિધ વિભાગો સાથે સમીક્ષા કરાશે. આ ઉપરાંત, રાજ્યમાં ચોમાસાની વર્તમાન સ્થિતિ, વરસાદી આંકડા, અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત કામગીરી તેમજ અન્ય વિકાસલક્ષી અને જાહેર હિતની યોજનાઓ અંગે પણ કેબિનેટ બેઠકમાં વ્યાપક ચર્ચા અને મહત્વના નિર્ણયો લેવાઈ શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now