Home Gujarat Surat Surat Nanpura Post Office Bomb Threat Email Police Investigation

સુરત અને નાનપુરાની પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી : ઈ-મેલ મળતા પોલીસ દોડતી થઈ

surat post office
Play Video
Published by: Chintan Chavda
Last Updated: Jul 15, 2026, 08:06 AM IST

સુરત શહેરમાં ફરી એકવાર ધમકીભર્યા ઈ-મેલને પગલે સુરક્ષા એજન્સીઓ સતર્ક બની ગઈ છે. શહેરના નાનપુરા વિસ્તારમાં આવેલી પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં પોલીસ તંત્ર દોડતું થઈ ગયું હતું. ધમકી મળ્યા બાદ તાત્કાલિક સુરક્ષાના ભાગરૂપે પોસ્ટ ઓફિસની સંપૂર્ણ ઇમારત ખાલી કરાવવામાં આવી હતી અને સમગ્ર વિસ્તારને પોલીસ બંદોબસ્ત હેઠળ લઈ લેવાયો હતો.

ઘટનાની જાણ થતાં અઠવા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. સાથે જ બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ (BDS) અને ડોગ સ્ક્વોડની ટીમને પણ તપાસ માટે બોલાવવામાં આવી હતી. અધિકારીઓએ ઇમારતના દરેક માળ, ઓફિસના રૂમ અને આસપાસના વિસ્તારની ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી.

આ પણ વાંચો: સુરતના નાસીરનગર ડિમોલિશન કેસમાં મોટો ધડાકો! : કમિશનરના નામથી કથિત ચેટ વાયરલ, હાઇકોર્ટમાં મામલો ગરમાયો

નાનપુરા પોસ્ટ ઓફિસને પણ મળી ધમકી

સુરત શહેરમાં ફરી અલગ અલગ ઓફિસમાં બૉમ્બનો મેલ મળ્યા. નાનપુરા પોસ્ટ ઓફિસ અને પીપલોદની પાસપોર્ટ ઓફિસમાં બૉમ્બનો મેલ મળ્યો. ઈ-મેલ મળતા પોલીસની ટિમો તપાસમાં જોતરાઈ. સ્થાનિક પોલીસ અને ડોગસ્કોર્ડ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. અગાઉ પણ બંને ઓફિસ પર બૉમ્બનો મેલ મળ્યો હતો.

સઘન તપાસ છતાં કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી

પ્રાથમિક તપાસમાં અત્યાર સુધી પોસ્ટ ઓફિસની ઇમારતમાંથી કોઈ વિસ્ફોટક અથવા અન્ય શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી. પોલીસે સમગ્ર બિલ્ડિંગની ચકાસણી પૂર્ણ કરી છે. જોકે, ધમકીભર્યા ઈ-મેલને ગંભીરતાથી લઈ તપાસ ચાલુ રાખવામાં આવી છે.

પોલીસ હવે ધમકીભર્યો ઈ-મેલ ક્યાંથી મોકલવામાં આવ્યો, તેનો સ્ત્રોત શું છે અને તેની પાછળ કોણ જવાબદાર છે તે જાણવા માટે સાયબર ક્રાઇમ સહિતની સંબંધિત એજન્સીઓની મદદથી તપાસ આગળ વધારી રહી છે.

બે દિવસ પહેલાં સુરત કોર્ટને પણ મળી હતી ધમકી

નોંધનીય છે કે આ ઘટના પહેલાં બે દિવસ અગાઉ સુરત કોર્ટને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતો ઈ-મેલ મળ્યો હતો. તે સમયે પણ પોલીસ, BDS અને ડોગ સ્ક્વોડ દ્વારા સમગ્ર કોર્ટ પરિસરની તપાસ કરવામાં આવી હતી, જેમાં કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી ન હતી.

ટૂંકા ગાળામાં જાહેર સંસ્થાઓને મળેલી આ પ્રકારની સતત ધમકીઓને પગલે સુરક્ષા એજન્સીઓ વધુ સતર્ક બની છે. પોલીસ બંને ઘટનાઓ વચ્ચે કોઈ સંભવિત કડી છે કે નહીં તે દિશામાં પણ તપાસ કરી રહી છે.

આ પણ વાંચો: સુમુલ ડેરીની ચૂંટણીમાં આજે મતદાન : ભાજપ માટે પ્રતિષ્ઠાનો જંગ; 9 બેઠકો પર રસાકસી

ઈ-મેલ મોકલનાર સુધી પહોંચવા સાયબર તપાસ શરૂ

ધમકીભર્યા ઈ-મેલને લઈને પોલીસે વિવિધ ટેકનિકલ પાસાઓની તપાસ શરૂ કરી છે. ઈ-મેલનો આઈપી એડ્રેસ, સર્વર વિગતો અને અન્ય ડિજિટલ પુરાવાઓના આધારે મોકલનારની ઓળખ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. પોલીસે લોકોને અફવાઓથી દૂર રહેવા અને માત્ર સત્તાવાર માહિતી પર જ વિશ્વાસ રાખવાની અપીલ કરી છે. હાલ પરિસ્થિતિ નિયંત્રણમાં હોવાનું અને સુરક્ષાના તમામ જરૂરી પગલાં લેવામાં આવ્યા હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now