સુરત મહાનગરપાલિકાના નાસીરનગર ડિમોલિશન કેસમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા એક કથિત ચેટના સ્ક્રીનશોટે નવા સવાલો ઊભા કર્યા છે. મનપા કમિશનરના નામ સાથે ટેગ કરાયેલી આ ચેટ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતાં સમગ્ર મામલે ચર્ચા તેજ બની છે. જોકે, આ ચેટ ખરેખર સુરત મહાનગરપાલિકાના કમિશનર અને સસ્પેન્ડેડ કાર્યપાલક ઇજનેર સુજલ પ્રજાપતિ વચ્ચેની જ છે કે નહીં, તેની સત્તાવાર પુષ્ટિ હજુ સુધી થઈ નથી. તેથી વાયરલ સ્ક્રીનશોટની પ્રામાણિકતા હાલ તપાસનો વિષય છે.
વાયરલ થયેલા સ્ક્રીનશોટમાં નાસીરનગર વિસ્તારમાં થયેલા ડિમોલિશન અંગે ચર્ચા થતી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. તેમાં ડિમોલિશન માટે દબાણ, સેન્ટ્રલ ઝોન સાથે સંકલન (કોર્ડિનેશન) તેમજ કાર્યવાહી પૂર્ણ થયા બાદના 'બીફોર' અને 'આફ્ટર' ફોટોગ્રાફ્સ શેર કરવામાં આવ્યા હોવાનો પણ દાવો સોશિયલ મીડિયા પર કરવામાં આવી રહ્યો છે. જોકે આ તમામ દાવાઓ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ ઉપલબ્ધ નથી.
હાઇકોર્ટમાં ચાલી રહી છે સુનાવણી
નાસીરનગર ડિમોલિશન મામલો હાલમાં ગુજરાત હાઇકોર્ટમાં વિચારાધીન છે. આ કેસ દરમિયાન સસ્પેન્ડેડ કાર્યપાલક ઇજનેર સુજલ પ્રજાપતિએ કોર્ટ સમક્ષ કેટલાક દસ્તાવેજો અને પુરાવા રજૂ કર્યા હોવાનું સામે આવ્યું છે. કોર્ટમાં રજૂ થયેલા તેમના દાવા મુજબ ડિમોલિશનની કાર્યવાહી મનપા કમિશનર એમ. નાગરાજનના નિર્દેશ મુજબ કરવામાં આવી હતી.
આ દાવા બાદ કેસે વધુ ગંભીર વળાંક લીધો છે. ઉપલબ્ધ માહિતી મુજબ હાઇકોર્ટે પણ આ સમગ્ર મામલે મનપા કમિશનરનો પક્ષ જાણવા જરૂરી ગણ્યો છે અને તેમને રજૂઆત કરવા માટે નિર્દેશ આપ્યા છે. જોકે કેસ હાલમાં ન્યાયિક વિચારાધીન હોવાથી અંતિમ હકીકત કોર્ટની કાર્યવાહી અને પુરાવાઓના મૂલ્યાંકન બાદ જ સ્પષ્ટ થશે.
આ પણ વાંચો: સુરત: સસ્પેન્ડેડ SMC એક્ઝિક્યુટિવ એન્જિનિયરની હાઇકોર્ટમાં અરજી : ડિમોલિશન કમિશ્નરની સૂચનાથી કર્યું હોવાનો દાવો
વાયરલ ચેટ અંગે સત્તાવાર પુષ્ટિ નથી
સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા સ્ક્રીનશોટને લઈને અનેક પ્રકારની અટકળો ચાલી રહી છે, પરંતુ અત્યાર સુધી સુરત મહાનગરપાલિકા અથવા સંબંધિત અધિકારીઓ તરફથી તેની સત્તાવાર પુષ્ટિ કે ખંડન જાહેર કરવામાં આવ્યું નથી. ડિજિટલ યુગમાં વાયરલ થતી સામગ્રીની પ્રામાણિકતા ચકાસવી જરૂરી હોવાથી આ ચેટને અંતિમ પુરાવા તરીકે માનવી યોગ્ય નથી.
આ સમગ્ર પ્રકરણમાં હવે સૌની નજર હાઇકોર્ટની આગામી સુનાવણી અને સંબંધિત અધિકારીઓના જવાબ પર કેન્દ્રિત છે. કોર્ટમાં રજૂ થતા પુરાવા અને સત્તાવાર નિવેદનોના આધારે જ સમગ્ર મામલાની હકીકત વધુ સ્પષ્ટ બનશે.








