Home Sports India Beat England First Odi Gill Axar Sundar Match Report

ઈંગ્લેન્ડ પ્રવાસ પર ટીમ ઈન્ડિયાની પ્રથમ જીત : પ્રથમ વન-ડેમાં 5 વિકેટે શાનદાર વિજય, શુભમન, અક્ષર, વોશિંગ્ટન સુંદર બન્યા હીરો

India vs England, Shubman Gill, Axar Patel, Washington Sundar
Published by: OBS Bureau
Last Updated: Jul 14, 2026, 06:01 PM IST

ઈંગ્લેન્ડ પ્રવાસ પર ભારતીય ટીમને આખરે પ્રથમ જીત મળી ગઈ છે. બર્મિંગહામના એજબેસ્ટન મેદાન પર રમાયેલી પ્રથમ વન-ડેમાં ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડને 5 વિકેટે હરાવી ત્રણ મેચની શ્રેણીમાં 1-0ની સરસાઈ મેળવી છે. 259 રનના લક્ષ્યનો પીછો કરતી વખતે ભારતની શરૂઆત ખરાબ રહી હતી, પરંતુ કેપ્ટન શુભમન ગિલની 80 રનની શાનદાર ઇનિંગ્સ, ત્યારબાદ અક્ષર પટેલની અણનમ 52 રન અને વોશિંગ્ટન સુંદરની અણનમ 57 રનની મેચ વિનિંગ ઇનિંગ્સના કારણે ભારતે 46મી ઓવરમાં જ જીત નોંધાવી હતી.

ઈંગ્લેન્ડે 258 રન બનાવ્યા

ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરનાર ઈંગ્લેન્ડે નિર્ધારિત 50 ઓવરમાં 258 રન બનાવ્યા હતા. ટીમ માટે અનુભવી બેટર જો રૂટ અને લિયામ ડોસને અડધી સદી ફટકારી ઇનિંગ્સને મજબૂત બનાવી હતી.

ભારત તરફથી બોલિંગમાં અક્ષર પટેલે સૌથી વધુ પ્રભાવ પાડ્યો હતો. તેમણે શાનદાર બોલિંગ કરતાં 4 વિકેટ ઝડપી ઈંગ્લેન્ડને મોટો સ્કોર બનાવવાથી રોક્યું હતું.

ROKO ફરી નિષ્ફળ, ભારતને ખરાબ શરૂઆત

259 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમને શરૂઆતમાં જ મોટો ફટકો લાગ્યો હતો.

રોહિત શર્મા માત્ર 11 રન બનાવી આઉટ થયા હતા, જ્યારે વિરાટ કોહલી માત્ર 5 રન જ બનાવી શક્યા હતા. માત્ર 48 રનના સ્કોરે ભારતે બે મહત્વની વિકેટ ગુમાવી દીધી હતી, જેના કારણે ઈંગ્લેન્ડ મેચમાં મજબૂત સ્થિતિમાં દેખાતું હતું.

શુભમન ગિલે સંભાળી ઇનિંગ્સ

મુશ્કેલ પરિસ્થિતિમાં કેપ્ટન શુભમન ગિલે જવાબદારીભરી બેટિંગ કરી હતી. તેમણે 75 બોલમાં 80 રનની આકર્ષક ઇનિંગ્સ રમી હતી, જેમાં અનેક સુંદર ચોગ્ગાનો સમાવેશ થયો હતો. ગિલે શ્રેયસ અય્યર સાથે ત્રીજી વિકેટ માટે 109 રનની મહત્વપૂર્ણ ભાગીદારી કરી હતી, જેના કારણે ભારત ફરી મેચમાં પરત ફર્યું. શ્રેયસ અય્યર 53 બોલમાં 35 રન બનાવી રનઆઉટ થયા હતા.

ઈજાના કારણે ગિલને મેદાન છોડવું પડ્યું

શાનદાર લયમાં બેટિંગ કરી રહેલા શુભમન ગિલ સદી તરફ આગળ વધી રહ્યા હતા, પરંતુ 80 રન પર બેટિંગ દરમિયાન કમરના ભાગમાં દુખાવો થતાં તેમને Retired Hurt થઈ મેદાન છોડવું પડ્યું. તેમના મેદાન છોડતાં ભારતીય ચાહકોમાં ચિંતા ફેલાઈ હતી, પરંતુ ત્યારબાદ મધ્યક્રમના બેટરોએ ટીમને જીત સુધી પહોંચાડી હતી.

અક્ષર પટેલ અને વોશિંગ્ટન સુંદરે અપાવી જીત

શુભમન ગિલ મેદાન છોડ્યા બાદ વોશિંગ્ટન સુંદર અને અક્ષર પટેલે જવાબદારીપૂર્વક બેટિંગ કરી હતી. વોશિંગ્ટન સુંદરે અણનમ 57 રન, જ્યારે અક્ષર પટેલે અણનમ 52 રનની મેચ વિનિંગ ઇનિંગ્સ રમી હતી. બંને ખેલાડીઓએ દબાણ વચ્ચે શાનદાર ભાગીદારી કરીને ભારતને 46મી ઓવરમાં 5 વિકેટે જીત અપાવી હતી.

શ્રેણીમાં ભારતે મેળવી સરસાઈ

આ જીત સાથે ભારતે ત્રણ મેચની વન-ડે શ્રેણીમાં 1-0ની મહત્વપૂર્ણ લીડ મેળવી છે. પ્રથમ મેચમાં બોલિંગ, બેટિંગ અને દબાણની પરિસ્થિતિમાં ટીમે દેખાડેલા સંયમને કારણે ભારતીય ટીમનો આત્મવિશ્વાસ પણ વધ્યો છે. હવે ટીમ ઈન્ડિયાનું લક્ષ્ય બીજી વન-ડે જીતીને શ્રેણી પોતાના નામે કરવાનો રહેશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now