Home Gujarat Chotila Nani Morsal Irrigation Scheme Narmada Water Demand

ચોટીલાની નાની મોરસલ સિંચાઈ યોજના પર ફરી ઉઠ્યા સવાલ : 15 વર્ષથી વચનો જ મળ્યા, નર્મદાનું પાણી હજુ નહીં મળ્યાનો આક્ષેપ

નાની મોરસલ સિંચાઈ યોજના હેઠળના ડેમમાં નર્મદાનું પાણી છોડવાની માંગ સાથે ખેડૂતોની રજૂઆત
Published by: Prashant Doshiyar
Last Updated: Jul 15, 2026, 11:57 AM IST

Surendranagar News: સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના નાની મોરસલ ગામની સિંચાઈ યોજના ફરી ચર્ચામાં આવી છે. સ્થાનિક ખેડૂતો અને આગેવાનો દ્વારા યોજનાના ડેમમાં નર્મદાનું પાણી ભરવાની માંગ ઉઠાવવામાં આવી છે. ખેડૂતોનું કહેવું છે કે યોજના તૈયાર હોવા છતાં વર્ષોથી પૂરતું પાણી ન મળતાં ખેતી પર સીધી અસર પડી રહી છે.

15 વર્ષથી વચનો જ મળ્યા, પાણી નહીં મળ્યાનો આક્ષેપ

સ્થાનિકોનો આક્ષેપ છે કે છેલ્લા 15 વર્ષથી દરેક ચૂંટણી સમયે સિંચાઈ યોજનાને લઈને અનેક વચનો આપવામાં આવ્યા અને ખાતમુહૂર્ત જેવા કાર્યક્રમો પણ યોજાયા, પરંતુ વાસ્તવિક રીતે ખેડૂતો સુધી નર્મદાનું પાણી પહોંચ્યું નથી. જેના કારણે હિરાસર, મોરસલ સહિતના અનેક ગામોના ખેડૂતો હજુ પણ સિંચાઈ માટે વરસાદ અને ભૂગર્ભ જળ પર નિર્ભર રહેવા મજબૂર બન્યા છે.

'શોભાના ગાંઠિયા' સમાન બની સિંચાઈ યોજના

ખેડૂતોનું કહેવું છે કે ચોટીલાની નાની મોરસલ સિંચાઈ યોજના હાલ માત્ર કાગળ પર જ સીમિત રહી છે. યોજના માટે માળખાકીય સુવિધાઓ ઉભી કરાઈ હોવા છતાં ડેમમાં પૂરતું પાણી ન પહોંચતાં તેનો ખેડૂતોને કોઈ ખાસ લાભ મળી રહ્યો નથી. પરિણામે ખેતી ખર્ચ વધી રહ્યો છે અને પાક ઉત્પાદન પર પણ અસર પડી રહી છે.

આમ આદમી પાર્ટીના નેતાએ સરકાર પર કર્યા આક્ષેપ

આમ આદમી પાર્ટીના નેતા રમેશ મેરે આ મુદ્દે રાજ્ય સરકાર પર આક્ષેપ કરતાં જણાવ્યું કે સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં નર્મદાનું પાણી પહોંચ્યું છે, પરંતુ ચોટીલાના અનેક ગામોના ખેડૂતો હજુ પણ તેનાથી વંચિત છે. તેમણે દાવો કર્યો કે ચૂંટણી સમયે ખેડૂતોને અનેક વચનો આપવામાં આવે છે, પરંતુ ચૂંટણી પૂર્ણ થયા બાદ આ પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવતું નથી.

ખેડૂતોમાં વધતી નારાજગી, તાત્કાલિક ઉકેલની માંગ

સ્થાનિક ખેડૂતોનું કહેવું છે કે સમયસર સિંચાઈ માટે પાણી ન મળવાને કારણે ખેતીનો ખર્ચ સતત વધી રહ્યો છે અને ઉત્પાદન પર અસર પડી રહી છે. ખેડૂતોની માંગ છે કે નાની મોરસલ સિંચાઈ યોજના હેઠળના ડેમમાં તાત્કાલિક નર્મદાનું પાણી છોડવામાં આવે અને લાંબા સમયથી પડતર રહેલા પ્રશ્નોનું કાયમી નિરાકરણ લાવવામાં આવે.

આ પણ વાંચો: અમદાવાદના રસ્તા પર નીકળતા પહેલાં જાણી લેજો પોલીસ કમિશ્નરનું જાહેરનામું : 149મી જગન્નાથ રથયાત્રાને લઈને ક્યાં બંધ, ક્યાં ડાયવર્ઝન? જાણો ટ્રાફિકનું મેગા આયોજન

સરકારના નિર્ણય પર ખેડૂતોની નજર

આ મુદ્દે સ્થાનિક ખેડૂતો અને ગ્રામજનો હવે રાજ્ય સરકારના નિર્ણયની રાહ જોઈ રહ્યા છે. જો સિંચાઈ માટે પાણી ઉપલબ્ધ કરાવવામાં આવશે તો વિસ્તારની ખેતીને મોટો ફાયદો થશે તેવી ખેડૂતોને આશા છે. જોકે, યોજનાને લઈને થયેલા આક્ષેપો અંગે સરકાર તરફથી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now