Jamnagar News: જામનગર શહેરમાં વર્ષોથી ટ્રાફિકની સમસ્યાથી પરેશાન વાહનચાલકોને હવે ટૂંક સમયમાં મોટી રાહત મળવા જઈ રહી છે. લાલપુર જંક્શન ખાતે બની રહેલા સિક્સ-લેન ફ્લાયઓવરનું અંદાજે 80 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે અને આગામી નવેમ્બર સુધીમાં બ્રિજ વાહનવ્યવહાર માટે ખુલ્લો મુકાય તેવી શક્યતા છે.
ભારે વાહનોની અવરજવર પણ સરળ બની રહેશે
જામનગરના સૌથી મહત્વાકાંક્ષી લાલપુર સિક્સ-લેન ફ્લાયઓવરનું બાંધકામ હવે અંતિમ તબક્કામાં પહોંચી ગયું છે. મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ રૂ. 105.10 કરોડના ખર્ચે બની રહેલા આ ફ્લાયઓવરનું અંદાજે 75થી 80 ટકા કામ પૂર્ણ થઈ ચૂક્યું છે. લગભગ 1000 મીટર લાંબા અને 24 મીટર પહોળા આ સિક્સ-લેન ફ્લાયઓવર સાથે બંને બાજુ 7.50 મીટર પહોળા સર્વિસ રોડ પણ તૈયાર થઈ રહ્યા છે. બ્રિજની ક્લિયર હાઇટ 5.50 મીટર રાખવામાં આવી છે જેથી ભારે વાહનોની અવરજવર પણ સરળ બની રહેશે.
વર્ષોથી સર્જાતી ટ્રાફિકની સમસ્યામાં નોંધપાત્ર ઘટાડો
આ ફ્લાયઓવર શરૂ થતાં લાલપુર જંક્શન પર વર્ષોથી સર્જાતી ટ્રાફિકની સમસ્યામાં નોંધપાત્ર ઘટાડો થશે. દરરોજ અંદાજે દોઢથી બે લાખ લોકોને સીધો લાભ મળશે. સાથે જ જી.આઈ.ડી.સી. ફેઝ-1, ફેઝ-2 અને ફેઝ-3માં જતા હજારો કર્મચારીઓ અને ઉદ્યોગોને પણ મોટી રાહત મળશે. દ્વારકા, ખંભાળિયા, કલ્યાણપુર, રાજકોટ સહિતના વિસ્તારોમાંથી જામનગરમાં પ્રવેશતા ભારે વાહનોને ટ્રાફિક જામમાંથી મુક્તિ મળશે.
જન્મદિવસે પણ આરામ નહીં : CM ભૂપેન્દ્ર પટેલ દિવસભર સરકારી કામકાજમાં રહ્યાં વ્યસ્ત
નવેમ્બર-2026 સુધીમાં ફ્લાયઓવર વાહનવ્યવહાર માટે ખુલ્લો મૂકાશે
પરિણામે સમય અને ઇંધણની બચત થશે તેમજ શહેરના મુખ્ય પ્રવેશદ્વાર પર ટ્રાફિકનું દબાણ પણ ઘટશે. 7 ઓક્ટોબર, 2022થી શરૂ થયેલા આ પ્રોજેક્ટની કામગીરી હવે ઝડપી ગતિએ ચાલી રહી છે. મહાનગરપાલિકાના સત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ જો કામગીરી હાલની ગતિએ આગળ વધશે તો નવેમ્બર-2026 સુધીમાં ફ્લાયઓવર વાહનવ્યવહાર માટે ખુલ્લો મૂકી દેવામાં આવશે.






