ભારતીય જનતા પાર્ટી કિસાન મોરચા, ગુજરાત પ્રદેશ દ્વારા રાજ્યભરમાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે 'પ્રાકૃતિક કૃષિ શાળા' અભિયાનનો પ્રારંભ કરવામાં આવી રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પ્રાકૃતિક ખેતીના વિઝનને ગામડાં અને ખેડૂતો સુધી પહોંચાડવાના હેતુથી આ રાજ્યવ્યાપી પહેલ હાથ ધરવામાં આવી છે. અભિયાન અંતર્ગત ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગે પ્રાયોગિક માર્ગદર્શન અને તાલીમ આપવામાં આવશે.
અષાઢી બીજે પીરાણા ખાતે પ્રથમ પ્રાકૃતિક કૃષિ શાળાનું આયોજન
આ અભિયાનની શરૂઆત અષાઢી બીજના પાવન અવસરે ગુરુવાર, 16 જુલાઈ 2026ના રોજ સવારે 9 વાગ્યે અમદાવાદ જિલ્લાના દસક્રોઈ તાલુકાના પીરાણા સ્થિત શ્રી કલ્કિ તીર્થધામ પ્રેરણાપીઠ ખાતે પ્રથમ 'પ્રાકૃતિક કૃષિ શાળા'ના આયોજનથી થશે. આ કાર્યક્રમમાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની પદ્ધતિઓ, ગૌ આધારિત કૃષિ અને જમીનની ફળદ્રુપતા વધારવાના ઉપાયો અંગે માર્ગદર્શન આપવામાં આવશે.
ગુજરાતના તમામ તાલુકાઓમાં તબક્કાવાર યોજાશે કૃષિ શાળાઓ
ગુજરાત ભાજપ કિસાન મોરચાના પ્રદેશ પ્રમુખ હિરેન હિરપરાના જણાવ્યા મુજબ રાજ્યના તમામ તાલુકાઓમાં તબક્કાવાર પ્રાકૃતિક કૃષિ શાળાઓનું આયોજન કરવામાં આવશે. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ ખેડૂતો સુધી ઓછા ખર્ચે ખેતી, ગુણવત્તાયુક્ત ઉત્પાદન, પર્યાવરણ સંરક્ષણ અને ગૌ આધારિત કૃષિ વિશે વ્યવહારુ માહિતી પહોંચાડવાનો છે.
ખેડૂતોને મળશે કૃષિ નિષ્ણાતોનું પ્રત્યક્ષ માર્ગદર્શન
કાર્યક્રમ દરમિયાન કૃષિ નિષ્ણાતો ખેડૂતો સાથે દ્વિપક્ષીય સંવાદ કરશે અને પ્રાકૃતિક ખેતીના સફળ પ્રયોગો તેમજ સ્થાનિક પરિસ્થિતિને અનુરૂપ ખેતી પદ્ધતિઓ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપશે. ઉપરાંત જમીનની જીવંતતા જાળવવા, રાસાયણિક ખાતરનો ઉપયોગ ઘટાડવા અને ખેતીના ખર્ચમાં ઘટાડો કરવા અંગે પણ સમજ આપવામાં આવશે.
ગૌ આધારિત કૃષિથી ખેડૂત સમૃદ્ધિ અને પર્યાવરણ સંરક્ષણ પર ભાર
હિરેન હિરપરાએ જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રાકૃતિક ખેતીને ખેડૂતોની આવક, ધરતીના સ્વાસ્થ્ય અને માનવજીવનની સુખાકારી સાથે જોડીને નવી દિશા આપી છે. કિસાન મોરચો આ વિચારને સંગઠનાત્મક સ્તરે દરેક તાલુકા અને ગામ સુધી પહોંચાડશે. ગૌ આધારિત કૃષિ દ્વારા ખેતી ખર્ચમાં ઘટાડો, જમીનની ફળદ્રુપતામાં વધારો અને પર્યાવરણનું સંતુલન જળવાય તે આ અભિયાનના મુખ્ય ઉદ્દેશો છે.
આ પણ વાંચો: Ahmedabad Rathyatra 2026 : 16 કિ.મી રૂટ પર ટ્રાફિક વિભાગની તમામ તૈયારીઓ પૂર્ણ, જાણો પોલીસે કેવી કરી છે તૈયારી
ભાજપના નેતાઓ, કૃષિ નિષ્ણાતો અને ખેડૂતો રહેશે ઉપસ્થિત
પ્રથમ પ્રાકૃતિક કૃષિ શાળાના કાર્યક્રમમાં ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ ભરતભાઈ પંડ્યા, કિસાન મોરચાના પ્રદેશ પ્રમુખ હિરેન હિરપરા, અમદાવાદ જિલ્લા ભાજપ પ્રમુખ શૈલેષભાઈ દાવડા, દસક્રોઈના ધારાસભ્ય બાબુલાલ પટેલ સહિત અનેક આગેવાનો હાજરી આપશે. ઉપરાંત કૃષિ નિષ્ણાતો, કિસાન મોરચાના પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં ખેડૂતો પણ કાર્યક્રમમાં જોડાશે.






