મહીસાગર જિલ્લાના બાલાસિનોર શહેરમાં આજે ભક્તિમય વાતાવરણ વચ્ચે ભગવાન રણછોડરાયજીની 138મી પરંપરાગત રથયાત્રાનો ભવ્ય પ્રારંભ થયો હતો. શહેરના મુખ્ય માર્ગો પર મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા અને ભગવાનના જયઘોષ સાથે સમગ્ર વિસ્તાર ભક્તિરસમાં રંગાઈ ગયો હતો.
રથયાત્રાનું પ્રસ્થાન અમૂલ ડેરીના ડિરેક્ટર રાજેશભાઈ પાઠકના હસ્તે કરાવવામાં આવ્યું હતું. વિધિવત પૂજન-અર્ચન બાદ ભગવાન રણછોડરાયજીને સુશોભિત રથમાં બિરાજમાન કરાયા અને પરંપરા અનુસાર નગરચર્યાએ રથયાત્રા નીકળી હતી.
પરંપરા મુજબ ભગવાન પોતાના ભાઈને મળવા નીકળ્યા
સ્થાનિક પરંપરા અને ધાર્મિક માન્યતા અનુસાર ભગવાન રણછોડરાયજી આ રથયાત્રા દરમિયાન પોતાના ભાઈને મળવા માટે નગરચર્યાએ નીકળે છે. વર્ષોથી ચાલી આવતી આ અનોખી પરંપરા બાલાસિનોરની ધાર્મિક અને સાંસ્કૃતિક ઓળખ બની ગઈ છે. દર વર્ષે મોટી સંખ્યામાં સ્થાનિકો તેમજ આસપાસના વિસ્તારોમાંથી પણ ભક્તો આ પવિત્ર પ્રસંગના દર્શન કરવા પહોંચે છે.
રથયાત્રાના માર્ગ પર વિવિધ સ્થળોએ ભક્તો દ્વારા ભગવાનના દર્શન, પુષ્પવર્ષા અને સ્વાગતની તૈયારીઓ કરવામાં આવી હતી. શહેરમાં ધાર્મિક ઉત્સાહ અને ઉમંગનું અનોખું દૃશ્ય જોવા મળ્યું હતું.
આ પણ વાંચો: ભાજપ કિસાન મોરચાનું રાજ્યવ્યાપી પ્રાકૃતિક કૃષિ અભિયાન : અષાઢી બીજે પીરાણાથી થશે 'પ્રાકૃતિક કૃષિ શાળા'નો પ્રારંભ
શહેરમાં ઉત્સાહનો માહોલ
138 વર્ષની ઐતિહાસિક પરંપરાને જાળવી રાખતી આ રથયાત્રાને લઈને બાલાસિનોરના નગરજનોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રથયાત્રા શાંતિપૂર્ણ અને સુચારુ રીતે સંપન્ન થાય તે માટે સ્થાનિક તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા જરૂરી સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થાની પણ તૈયારીઓ કરવામાં આવી છે.
ભગવાન રણછોડરાયજીની આ પરંપરાગત રથયાત્રા માત્ર ધાર્મિક આસ્થા જ નહીં, પરંતુ બાલાસિનોરની સાંસ્કૃતિક વિરાસત અને સામાજિક એકતાનું પણ પ્રતિક માનવામાં આવે છે.






