Puri Rath Yatra 2026: ભારતના ધાર્મિક અને સાંસ્કૃતિક પરંપરામાં વિશેષ સ્થાન ધરાવતી પુરીની ભગવાન જગન્નાથની રથયાત્રા હવે આંતરરાષ્ટ્રીય સ્તરે નવા વિવાદમાં ફસાઈ છે. પુરીના ગજપતિ મહારાજા દિબ્યાસિંહ દેવએ ઇસ્કોન (ISKCON) પર ગંભીર આક્ષેપો મૂકતાં કહ્યું છે કે સંસ્થા વિદેશોમાં "અસમય" રથયાત્રાઓ યોજીને ભક્તોને ગેરમાર્ગે દોરી રહી છે. આ નિવેદન બાદ પુરી મંદિર પ્રશાસન અને ઇસ્કોન વચ્ચેનો જૂનો મતભેદ ફરી એકવાર જાહેર ચર્ચાનો વિષય બની ગયો છે. આ વિવાદનું મૂળ કારણ એ છે કે ભગવાન જગન્નાથની પરંપરાગત રથયાત્રા હિન્દુ પંચાંગ મુજબ માત્ર "આષાઢ સુદ બીજ"થી શરૂ થતી નવ દિવસીય અવધિ દરમિયાન જ યોજવાની માન્યતા છે. જ્યારે ઇસ્કોન વિશ્વભરમાં વર્ષ દરમિયાન વિવિધ દિવસોએ રથયાત્રાઓ યોજવાનો અભિગમ અપનાવી રહ્યું છે. આ ભિન્ન અભિગમને કારણે શાસ્ત્રીય માન્યતાઓ અને આધુનિક પ્રસાર વચ્ચેનો તણાવ વધુ સ્પષ્ટ બન્યો છે.
ગજપતિ મહારાજાનો કડક પ્રતિભાવ
ગજપતિ મહારાજા દિબ્યાસિંહ દેવએ ઇસ્કોનના મુંબઈ સ્થિત જુહુ શાખા દ્વારા બહાર પાડવામાં આવેલા એક પ્રેસ રિલીઝને સંપૂર્ણપણે ખોટો અને ભ્રામક ગણાવ્યો છે. તેમના કહેવા મુજબ, ઇસ્કોનએ દાવો કર્યો હતો કે પુરીના પંડિતો સાથે થયેલી ચર્ચામાં તેઓ પરાજિત થયા હતા, જે હકીકતમાં સત્યથી બહુ દૂર છે. મહારાજાએ જણાવ્યું કે, પુરીના શ્રી નહેર મહેલમાં ઇસ્કોન અને પુરીના વિદ્વાનો વચ્ચે ચર્ચા થઈ હતી, પરંતુ ઇસ્કોન હવે ખોટી રીતે પોતાનો વિજય દર્શાવી રહ્યું છે. તેમણે આ પણ જણાવ્યું કે આ પ્રકારની માહિતી ભક્તોમાં ગેરસમજ ફેલાવે છે અને મંદિરની પરંપરાને નુકસાન પહોંચાડે છે. તેઓએ સ્પષ્ટ કર્યું કે શ્રી જગન્નાથ મંદિર પ્રશાસન (SJTA) આ મુદ્દે ટૂંક સમયમાં સત્તાવાર જવાબ આપશે.
શાસ્ત્રો અનુસાર તિથિ વિવાદ
પુરી મંદિર પ્રશાસનનો દાવો છે કે, રથયાત્રા માત્ર નિર્ધારિત તિથિ પર જ યોજવી જોઈએ અને તે સિવાય અન્ય કોઈ દિવસ યોજાયેલી રથયાત્રા શાસ્ત્રસંગત નથી. SJTAએ પોતાના નિવેદનમાં કહ્યું છે કે ઇસ્કોન દ્વારા વર્ષભરમાં રથયાત્રા યોજવાનું સમર્થન શાસ્ત્રો અનુસાર માન્ય નથી અને આ દાવો સંપૂર્ણપણે ખોટો છે. માર્ચ 20, 2025ના રોજ ભુવનેશ્વરમાં ઇસ્કોન અને પુરીના વિદ્વાનો વચ્ચે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ઇસ્કોનના વિદ્વાનોએ વિવિધ શાસ્ત્રીય દલીલો આપી હતી, પરંતુ પુરીના વિદ્વાનો દ્વારા તેને અસ્વીકાર કરવામાં આવી હતી. SJTAએ આરોપ લગાવ્યો છે કે ઇસ્કોન ભક્તોને એ રીતે સમજાવવા પ્રયત્ન કરી રહ્યું છે કે ગજપતિ મહારાજાએ આ પ્રથાને મંજૂરી આપી છે, જે "દુર્ભાવનાપૂર્ણ" અને "ગેરમાર્ગે દોરનારું" છે.
આ પણ વાંચો: Rath Yatra 2026રથયાત્રા પહેલા આજે વિધિપૂર્વક થશે ગજરાજ પૂજન : હાથીખાનામાં ભવ્ય શણગારની તૈયારીઓ શરૂ
ઇસ્કોનનો પ્રતિસાદ અને સ્પષ્ટતા
વિવાદ વચ્ચે ઇસ્કોનના ઓડિશા એકમના પ્રાદેશિક સચિવ બનમાલી દાસે નિવેદન આપ્યું કે જો ગજપતિ મહારાજાને કોઈ રીતે દુઃખ પહોંચ્યું હોય તો તેઓ દિલથી માફી માંગે છે. તેમણે જણાવ્યું કે ઓડિશામાં ઇસ્કોન સંપૂર્ણપણે પુરીની પરંપરા મુજબ જ રથયાત્રા ઉજવે છે અને કોઈ પણ પ્રકારની તિથિમાં ફેરફાર કરવામાં આવતો નથી. તેમણે આ પણ સ્પષ્ટ કર્યું કે, વિદેશમાં યોજાતી રથયાત્રાઓ પર ઓડિશા એકમનો કોઈ નિયંત્રણ નથી. આ વર્ષે યુએઈમાં 16 જુલાઈના રોજ રથયાત્રા યોજાશે, જે ભારતના સમય સાથે મેળ ખાતી તારીખ છે. ઇસ્કોનના રાષ્ટ્રીય પ્રવક્તા યુધિષ્ઠિર ગોવિંદ દાસે જણાવ્યું કે તેમને હજુ પુરી મંદિર પ્રશાસનનું નિવેદન પ્રાપ્ત થયું નથી, તેથી સંપૂર્ણ પ્રતિસાદ આપવો મુશ્કેલ છે.
વૈશ્વિક પ્રસાર સામે પરંપરાની જાળવણી
આ વિવાદ માત્ર તારીખોના મતભેદ સુધી સીમિત નથી, પરંતુ તે વૈશ્વિક સ્તરે હિંદુ ધાર્મિક પરંપરાઓને કેવી રીતે અનુસરવી તે અંગેનો વિશાળ પ્રશ્ન ઊભો કરે છે. ઇસ્કોન વિશ્વભરમાં ભગવાન જગન્નાથના ઉપાસનાને પ્રસારિત કરવા માટે વિવિધ કાર્યક્રમો યોજે છે, જ્યારે પુરી મંદિર પ્રશાસન શાસ્ત્રો અને પરંપરાગત નિયમોની કડક પાલન પર ભાર મૂકે છે. વિશેષ નોંધનીય છે કે, ગજપતિ મહારાજા અગાઉ જર્મનીના બર્લિનમાં ઇસ્કોન દ્વારા આયોજિત રથયાત્રામાં હાજર રહ્યા હતા, જે આ વિવાદને વધુ જટિલ બનાવે છે. હવે જોવાનું રહેશે કે બંને પક્ષો વચ્ચે સંવાદથી કોઈ સમાધાન આવે છે કે નહીં, કે પછી આ મુદ્દો વધુ ઉગ્ર સ્વરૂપ ધારણ કરશે.





