Home Gujarat Vadodara Vadodara Royal Mela Bouncers Attack Visitors Lalbaug Bridge Viral Video

વડોદરાના રોયલ મેળામાં બાઉન્સરોની દાદાગીરી : સામાન્ય બોલાચાલીમાં મુલાકાતીઓ પર ડંડાવાળી, મહિલાઓ અને બાળકો જીવ બચાવવા ભાગ્યા

Vadodara News
Published by: Nirali Gohil
Last Updated: May 11, 2026, 08:57 AM IST

વડોદરા: સંસ્કારી નગરી વડોદરામાં રજાની મજા માણવા મેળામાં ગયેલા નાગરિકો માટે 'રોયલ મેળો' આફત સમાન સાબિત થયો છે. લાલબાગ બ્રિજ પાસે ધમધમતા આ મેળામાં મેનેજમેન્ટ દ્વારા રાખવામાં આવેલા બાઉન્સરોએ રક્ષકને બદલે ભક્ષકની ભૂમિકા ભજવી હતી. સામાન્ય બાબતે થયેલી તકરારમાં ભાન ભૂલેલા બાઉન્સરોએ ડંડા હાથમાં લઈને મુલાકાતીઓને રસ્તા પર દોડાવી દોડાવીને માર માર્યો હતો.

લોકોના જીવના જોખમે આતંક મચાવતા આ બાઉન્સરોનો વીડિયો સામે આવ્યો છે, જેમાં તેઓ અસામાજિક તત્વોની માફક લાકડીઓ વીંઝતા જોવા મળી રહ્યા છે. મેળામાં હાજર નાના બાળકો અને મહિલાઓ આ દ્રશ્યો જોઈ ભયભીત થઈ ગયા હતા અને જીવ બચાવવા આમ-તેમ દોડવા લાગ્યા હતા.

હાથમાં ડંડા અને નરી ગુંડાગીરી: વાયરલ વીડિયોએ પોલ ખોલી

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કેવી રીતે ખાખી ડ્રેસમાં સજ્જ અને ખાનગી ડ્રેસમાં રહેલા બાઉન્સરો હાથમાં મસમોટા લાકડાના ડંડા લઈને લોકો પાછળ દોડી રહ્યા છે. કોઈપણ જાતની કાયદાની બીક વગર તેઓ ભીડમાં ઘૂસીને મારપીટ કરી રહ્યા હતા. મેળાના આયોજકો દ્વારા સુરક્ષા માટે રખાયેલા આ જવાનોએ આતંકનું સામ્રાજ્ય જમાવ્યું હોય તેવો માહોલ સર્જાયો હતો.

અમદાવાદમાં 'આપણું ઘર' મળશે માત્ર 3 લાખમાં!: શહેરમાં બનશે 7,825 સસ્તા ફ્લેટ્સ

રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ, આયોજકો મુશ્કેલીમાં

આ લોહિયાળ સંઘર્ષ બાદ ભોગ બનનાર પરિવારો તાત્કાલિક રાવપુરા પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા. પોલીસે ઘટનાની ગંભીરતાને સમજીને તાત્કાલિક અસરથી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, પોલીસે મેળાના આયોજકો અને હુમલો કરનાર બાઉન્સરો વિરુદ્ધ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. મેળામાં સીસીટીવી ફૂટેજ અને વાયરલ વીડિયોના આધારે આરોપીઓની ઓળખ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

સોમનાથ અમૃતપર્વ-2026: શંખ અને ડમરુના નાદ તથા અમૃત કળશ સાથે PMનું ભવ્ય સ્વાગત-અભિવાદન

ભોગ બનનાર મહિલા જણાવે છે કે, "અમે પાદરા મહેમાન તરીકે આવ્યા છીએ અને બરોડા મેળાનું સાંભળીને છોકરાઓને જલપરી જોવા માટે આવ્યા હતા. જ્યારે જલપરી જોઈને અમે બહાર નીકળ્યા, ત્યારે અમારા બે છોકરા અંદર અટવાઈ ગયા. અમે છોકરાઓને લેવા માટે પાછા ગયા તો એક લેડી ત્યાં દાદાગીરી કરવા લાગી, ગાળાગાળી કરી અને મને ધક્કો મારીને ફેંકી દીધી. એટલામાં જ મારી છોકરી બોલી કે પેલા અંકલ અમને હાથ ખેંચીને લઈ જતા હતા. પણ એ લોકો મારી પાસે પહોંચ્યા ત્યાં સુધીમાં તો પેલા લોકોએ ગુંડા બાઉન્સરોને બોલાવીને ડંડાવાળી શરૂ કરી દીધી હતી. મારા ૪-૫ લોકોને વાગ્યું છે. વાગેલાનો મતલબ એવો નથી કે જે સ્ટ્રેચર પર હોય એને જ વાગ્યું કહેવાય, બધાને અંદરની માર પણ છે અને બધાના શરીર પર નિશાન પણ છે. અમારી તંત્ર પાસે એટલી જ માંગ છે કે અમને ન્યાય અપાવો. આવું અમારી સાથે થયું છે એવું બીજા કોઈ સાથે ન થવું જોઈએ. જો તમે ન્યાય નહીં અપાવો તો પેલા ત્રણેય બાઉન્સરોને બહાર કાઢો, અમે હિસાબ માંગવા માટે કાલ રાતના અહીં અટવાયા છીએ. એ ગુંડાઓ હજુ પણ ખુલ્લેઆમ ફરે છે. અમે કાલ રાત્રે એફઆઈઆર કરાવવા આવ્યા હતા પણ પોલીસે અમારી ફરિયાદ લીધી નહોતી. હવે અમને બોલાવ્યા છે, જોઈએ આગળ શું થાય છે અને અમને કેટલો ઇન્સાફ મળે છે. ત્યાંનું મેનેજમેન્ટ કહેતું હતું કે, એકવાર જલપરી જોઈ લીધી એટલે બીજી વાર અંદર જવાનું નહીં. એ લોકો દાદાગીરી અને લુખ્ખાગીરી કરે છે. ભલે તમે શાંતિથી કહો કે, અંદર બીજી વાર ના જવાય, પણ છોકરાઓ અટવાયા હોય તો કોઈ પણ અંદર જઈ શકે છે. નાના છોકરાઓને મારીને ફેંકી દીધા છે, જો કોઈને માથામાં વાગી ગયું હોત તો એનું જવાબદાર કોણ? ત્યાંનું મેનેજમેન્ટ, સરકાર કે પોલીસ? કોણ જવાબદાર છે? અમારી માંગ છે કે, અમને ઇન્સાફ આપો, મેળો બંધ કરાવો અને પેલા ત્રણ બાઉન્સરોને માફી માંગવા માટે અમારી સામે હાજર કરો.

સુરક્ષા સામે સવાલ: શું આયોજકો પાસે પરવાનગી હતી?

આ ઘટનાએ વડોદરાના મેળાના આયોજન અને સુરક્ષા વ્યવસ્થા પર અનેક સવાલો ઉભા કર્યા છે. શું આ બાઉન્સરો પાસે હથિયાર કે ડંડા રાખવાની સત્તા હતી? શું આયોજકોએ સુરક્ષાના નામે ગુંડાઓ પાળ્યા છે? મધ્યમવર્ગીય પરિવારો જ્યારે પોતાના બાળકો સાથે મનોરંજન માટે આવતા હોય ત્યારે આવી ઘટનાઓ પોલીસ તંત્રની કામગીરી સામે પણ આંગળી ચીંધે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now