વડોદરામાં નશાના કારોબાર સામે પોલીસ દ્વારા આક્રમક અભિયાન સતત તેજ કરવામાં આવી રહ્યું છે. રાજ્યમાં દારૂબંધી હોવા છતાં વિદેશી દારૂની હેરાફેરીના પ્રયાસો અટકતા નથી, ત્યારે વડોદરા ગ્રામ્ય પોલીસની LCB ટીમે વધુ એક મોટી સફળતા મેળવી છે. દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પરથી પસાર થઈ રહેલા એક કન્ટેનરમાંથી મોટી માત્રામાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડવામાં આવ્યો છે.
મળતી માહિતી અનુસાર, વડોદરા ગ્રામ્ય પોલીસની એલસીબી ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે ટાટા કંપનીના એક કન્ટેનરમાં મોટી માત્રામાં વિદેશી દારૂ ભરેલો છે અને તે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે મારફતે પસાર થવાનો છે. બાતમીના આધારે પોલીસે ગોકળપુરા ગામની સીમ નજીક વોચ ગોઠવી હતી અને હાઈવે પરથી પસાર થતા શંકાસ્પદ કન્ટેનરને અટકાવી તપાસ હાથ ધરી હતી.
આ પણ વાંચો: "ઇકા બાપુએ મારી સાથે અશ્લીલ હરકતો કરી અને...", : ભોગ બનનાર યુવકનો વીડિયો પુરાવા સાથે સનસનીખેજ દાવો
કન્ટેનરની તપાસમાં ખુલ્યો દારૂનો જથ્થો
પોલીસ દ્વારા કન્ટેનરની તલાશી લેવામાં આવતા અંદરથી ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ ૧૨૯૦ પેટીઓ મળી આવી હતી. પોલીસે દારૂનો જથ્થો અને કન્ટેનર સહિત કુલ 1 કરોડ 09 લાખ 96 હજાર 520 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કાર્યવાહી બાદ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી.
પોલીસે કન્ટેનર ચલાવતા ડ્રાઈવર લખન મહિપાલ બિશ્નોઈની ધરપકડ કરી છે. આરોપી મૂળ રાજસ્થાનનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક પૂછપરછ દરમિયાન પોલીસે દારૂના સપ્લાય ચેઇન અંગે મહત્વની માહિતી પણ મેળવી હોવાનું જાણવા મળ્યું છે.
આ પણ વાંચો: જેલની કોટડી બની જ્ઞાનની પાઠશાળા : ગુજરાતની જેલોમાંથી 44 બંદીવાનો બોર્ડ પરીક્ષામાં પાસ
ગોવાથી ગુજરાતમાં દારૂની હેરાફેરીનો ખુલાસો
તપાસ દરમિયાન ખુલાસો થયો છે કે આ વિદેશી દારૂનો જથ્થો ગોવાથી મંગાવવામાં આવ્યો હતો અને ગુજરાતમાં ગેરકાયદેસર રીતે પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો. પોલીસ પૂછપરછમાં અન્ય એક આરોપી રાજુરામ મોદારામ બિશ્નોઈનું નામ પણ સામે આવ્યું છે. હાલ પોલીસે તેની શોધખોળ શરૂ કરી છે.
વડોદરા તાલુકા પોલીસ સ્ટેશનમાં આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસે દારૂનો જથ્થો ક્યાં પહોંચાડવાનો હતો, પાછળ કઈ ગેંગ સક્રિય છે અને આ નેટવર્કમાં અન્ય કોણ કોણ સંડોવાયેલા છે તે દિશામાં પણ તપાસ તેજ કરી છે.
આ પણ વાંચો: ગાંધીનગરમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષની નિકોલ સંગઠન સાથે બેઠક : નવા કાઉન્સિલરોને આપ્યો સેવા અને સુશાસનનો સંદેશ
રાજ્યમાં દારૂબંધી છતાં સક્રિય નેટવર્ક
ગુજરાતમાં કાયદેસર દારૂબંધી અમલમાં હોવા છતાં વિવિધ રાજ્યોમાંથી વિદેશી દારૂ ગુજરાતમાં ઘુસાડવાના સતત પ્રયાસો સામે આવતા રહે છે. ખાસ કરીને એક્સપ્રેસ હાઈવે અને આંતરરાજ્ય માર્ગોનો ઉપયોગ કરીને મોટા પાયે દારૂની હેરાફેરી થતી હોવાના બનાવો છેલ્લા સમયમાં વધ્યા છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, દારૂની હેરાફેરીમાં કન્ટેનર, ટ્રક અને અન્ય ભારે વાહનોનો ઉપયોગ કરવામાં આવે છે જેથી સામાન્ય ચેકિંગ દરમિયાન શંકા ન જાય. જોકે એલસીબી અને સ્થાનિક પોલીસની સતત વોચના કારણે આવા નેટવર્ક સામે સફળ કાર્યવાહી થઈ રહી છે. વડોદરા ગ્રામ્ય પોલીસની આ કાર્યવાહી રાજ્યમાં ગેરકાયદેસર નશાના કારોબાર સામે એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહી છે. આગામી સમયમાં પણ હાઈવે પર ચેકિંગ વધુ સઘન બનાવાશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.





