વડોદરા: સંસ્કારી નગરી વડોદરાના વ્યસ્ત ગણાતા નવાબજાર વિસ્તારમાં એક ફિલ્મી ઢબે ચોરીનો પ્રયાસ નિષ્ફળ રહ્યો છે. સામાન્ય રીતે જેમના પર ભરોસો મૂકીને વેપારીઓ પોતાની પેઢી સોંપતા હોય છે, તેવા જ એક ભૂતપૂર્વ કર્મચારીએ માલિક સાથે વિશ્વાસઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. નવાબજારની એક ફેશન સ્ટોરમાંથી એક મહિના પૂર્વે જ નોકરીમાંથી કાઢી મૂકવામાં આવેલા શખ્સે પોતાના મિત્ર સાથે મળીને ચોરીનો પ્લાન ઘડ્યો હતો. જોકે, પાડોશીની સતર્કતા અને માલિકની સમયસૂચકતાને કારણે આ શખ્સ ચોરી કરે તે પહેલા જ રંગેહાથ ઝડપાઈ ગયો હતો. આ ઘટનાએ વ્યાપારી આલમમાં ચકચાર મચાવી દીધી છે અને નોકર રાખતા પહેલા સો વાર વિચારવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે.
પાડોશીની સતર્કતાએ ચોરીનો પ્લાન નિષ્ફળ બનાવ્યો: રિક્ષા લઈને આવ્યા હતા તસ્કરો
ઘટનાની વિગત એવી છે કે, વડોદરાના વારસિયા વિસ્તારમાં રહેતા દીપકભાઈ બેલાણી નવાબજારમાં 'સૂર્ય ફેશન' નામની જાણીતી દુકાન ધરાવે છે. ગત રાત્રિના સમયે જ્યારે બજાર બંધ હતું, ત્યારે તેમની દુકાનની બાજુમાં જ રહેતા એક જાગૃત પાડોશીએ જોયું કે દુકાન પાસે એક રિક્ષા આવીને ઉભી રહી છે અને તેમાંથી બે શખ્સો શંકાસ્પદ રીતે દુકાન ખોલીને અંદર પ્રવેશ્યા છે. પાડોશીએ તરત જ સમય ગુમાવ્યા વિના દીપકભાઈને ફોન કરીને આ બાબતની જાણ કરી હતી. ફોન આવતા જ દીપકભાઈ પોતાના માણસો સાથે તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને સાથે જ સીટી પોલીસને પણ જાણ કરી દેવામાં આવી હતી.
આ પણ વાંચો: ખાદ્યતેલના ભાવમાં વધારાથી ગૃહિણીઓ ચિંતામાં : 4 દિવસમાં પ્રતિ કિલો રૂ.115નો વધારો
ડુપ્લીકેટ ચાવીનો ખેલ: કાઢી મૂકેલા કર્મચારીએ જ રચી હતી સોગઠી
માલિક અને પોલીસને આવતા જોઈને દુકાનમાં ઘૂસેલા બે ઈસમોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. પકડાઈ જવાની બીકે એક ઈસમે ભાગવાનો જોરદાર પ્રયાસ કર્યો હતો, પરંતુ દોડતા-દોડતા સંતુલન ગુમાવતા તે રસ્તા પર જ પછડાયો હતો અને ઈજાગ્રસ્ત હાલતમાં ઝડપાઈ ગયો હતો. પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો કે પકડાયેલો શખ્સ અન્ય કોઈ નહીં પણ 'ઈસ્માઈલ' નામનો એ જ કર્મચારી હતો જેને દીપકભાઈએ માત્ર એક મહિના પહેલા જ કોઈ કારણોસર નોકરી પરથી છૂટો કર્યો હતો. ઈસ્માઈલે નોકરી પર હતો ત્યારે જ દુકાનની ડુપ્લીકેટ ચાવી બનાવી લીધી હતી અને રિક્ષા લઈને દુકાનનો માલ સામાન ચોરવા આવ્યો હતો.
આ મામલે દુકાનના માલિક જણાવે છે કે, "અમારી દુકાન નવાબજારમાં આવેલી છે, જેનું નામ 'સૂર્ય ફેશન' છે. અમારી દુકાનના એક પૂર્વ કર્મચારીએ, જેને અમે એક મહિના પહેલા જ નોકરી પરથી કાઢી મૂક્યો હતો, તેણે દુકાનની ડુપ્લીકેટ ચાવી બનાવી લીધી હતી. આજે તે તેના એક મિત્ર સાથે રિક્ષા લઈને દુકાનમાં ચોરી કરવાના ઈરાદે ઘૂસ્યો હતો. અમારી દુકાનની બાજુમાં રહેતા એક મિત્રએ આ બાબત જોઈ લીધી અને તરત જ અમને ફોન કરીને જાણ કરી કે તમારી દુકાનમાં બે-ત્રણ અજાણ્યા શખ્સો ઘૂસ્યા છે. અમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા અને સીટી પોલીસને પણ જાણ કરી, જેથી પોલીસ પણ સમયસર આવી ગઈ હતી. અમને જોઈને ચોરી કરવા આવેલો ઈસ્માઈલ ભાગવાનો પ્રયત્ન કરવા લાગ્યો હતો. તે બાજુના ઘરના ધાબા પરથી કૂદવાની કોશિશ કરી રહ્યો હતો ત્યારે પતરા પરથી લપસીને નીચે પછડાયો હતો, જ્યાં લાકડા જેવી કોઈ વસ્તુ પડેલી હોવાથી તેને ઈજા પણ થઈ છે. અત્યારે અમે માંડવી પાસે આવેલા સીટી પોલીસ સ્ટેશનમાં છીએ અને આ બંને શખ્સો વિરુદ્ધ કાયદેસરની FIR નોંધાવીને તેમને સખત સજા થાય તેવા પ્રયત્નો કરીશું."





