રાજકોટ શહેરના સોની બજાર વિસ્તારમાં આવેલા અમિત જવેલર્સમાં પરોઢિયે તસ્કરો દ્વારા ચોરીનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. નવા નાકા રોડ પર આવેલી આ પેઢીમાં ઘૂસેલા ચોરોએ તિજોરી તોડવાનો પ્રયાસ કર્યો, પરંતુ સફળતા ન મળતાં નોટ ગણવાના બે મશીન લઈ ફરાર થઈ ગયા હતા. જોકે, પોલીસે CCTV ફૂટેજના આધારે ઝડપી કાર્યવાહી કરીને આ કેસમાં સામેલ છ આરોપીઓને પકડી પાડ્યા છે.
શું છે સમગ્ર ઘટના?
મળતી માહિતી મુજબ, પેઢીના માલિક મનિષભાઈ રાણપરાને સવારે લગભગ છ વાગ્યે ઘટનાની જાણ થતાં તેઓ તાત્કાલિક દુકાને પહોંચ્યા હતા. ત્યાં પહોંચતા જ તેમણે જોયું કે મુખ્ય લાકડાના દરવાજાના તમામ તાળા તૂટેલા હતા. દુકાનની તિજોરી તોડવાનો પ્રયાસ કરાયો હતો અને અંદરના બે CCTV કેમેરા પણ તોડી પાડવામાં આવ્યા હતા. આરોપીઓ દુકાનમાંથી નોટ ગણવાના બે મશીન લઈને ભાગી ગયા હતા.
આ અંગે એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા PSI એસ.એમ. રાણા અને LCB ની ટીમે તપાસ હાથ ધરી હતી. CCTV ફૂટેજના આધારે પોલીસે આરોપીઓની ઓળખ કરી અને છ સભ્યોની ટોળકીને ઝડપી લીધી હતી. ઝડપાયેલા આરોપીઓમાં શુભમ સોની (મુંબઈ), ભાવીક સીતાપરા, જયદીપ કાકડિયા, મિલન ગોંડલિયા, ધવલ સુરેલા અને રાકેશ બોરસણિયા સામેલ છે.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે મુખ્ય આરોપી શુભમ અગાઉ મુંબઈની આર્થર રોડ જેલમાં સોનાની ચોરીના ગુનામાં બંધ હતો. ત્યાં તેની ઓળખ અન્ય આરોપીઓ સાથે થઈ હતી. બાદમાં તમામે મળીને ચોરીની યોજના ઘડી હતી. પૈસાની તંગીને કારણે આરોપીઓએ આ ગુનાને અંજામ આપવાનો નિર્ણય લીધો હતો અને ખાસ કરીને શુભમને મુંબઈથી રાજકોટ બોલાવવામાં આવ્યો હતો.
ચોરી પહેલાં આરોપીઓએ બે દિવસ સુધી વિસ્તારની રેકી કરી હતી. દુકાનનો દરવાજો લાકડાનો હોવાથી તેમાં સરળતાથી પ્રવેશ કરી શકાય તેવું જણાતા તેમણે આ પેઢીને નિશાન બનાવી હતી. જોકે તિજોરી ન તૂટતાં તેઓ મોટી રકમ લઈ જઈ શક્યા નહોતા. પોલીસના જણાવ્યા અનુસાર તિજોરીમાં આશરે 10 લાખ રૂપિયાના સોનાના દાગીના રાખેલા હતા.
હાલ પોલીસે તમામ આરોપીઓની પૂછપરછ શરૂ કરી છે અને વધુ તપાસ ચાલી રહી છે.






