Edible Oil Prices: મધ્ય-પૂર્વના દેશોમાં ફાટી નીકળેલા ઈઝરાયલ, અમેરિકા અને ઈરાન વચ્ચેના યુદ્ધને હવે એક મહિનો પૂર્ણ થયો છે, પરંતુ આ વૈશ્વિક અશાંતિની સીધી અને આકરી અસર હવે ગુજરાતના સામાન્ય નાગરિકોના રસોડા સુધી પહોંચી ગઈ છે. 28 ફેબ્રુઆરીએ શરૂ થયેલા આ સંઘર્ષ બાદ ખાદ્યતેલના બજારમાં જાણે આગ લાગી હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. છેલ્લા માત્ર ચાર જ દિવસમાં કપાસિયા તેલના ભાવમાં 115 રૂપિયાનો તોતિંગ વધારો ઝીંકાયો છે, જ્યારે આયાતી પામતેલ પણ 100 રૂપિયા મોંઘુ થયું છે. નવાઈની વાત એ છે કે, ગુજરાતમાં મગફળી અને કપાસનો મબલખ પાક હોવા છતાં, યુદ્ધના બહાને સ્થાનિક તેલોના ભાવમાં પણ મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે, જેના કારણે મધ્યમ અને ગરીબ વર્ગના લોકોનું બજેટ સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે.
ખાદ્યતેલના ભાવના આંકડાઓ પર નજર કરીએ તો ચોંકાવનારી વિગતો સામે આવે છે.28 ફેબ્રુઆરીના રોજ સિંગતેલના નવા ડબ્બાનો ભાવ જે 2820-2870 રૂપિયા હતો, તે ૩૧ માર્ચ સુધીમાં વધીને 2975-3025 રૂપિયા સુધી પહોંચી ગયો છે, એટલે કે એક મહિનામાં 155 રૂપિયાનો વધારો થયો છે. તેવી જ રીતે કપાસિયા તેલમાં 285 રૂપિયા અને સૂર્યમુખી (સનફ્લાવર) તેલમાં 300 રૂપિયાનો તોતિંગ વધારો નોંધાયો છે. સૌથી વધુ અસર સરસવના તેલમાં જોવા મળી છે, જેમાં ડબ્બે 320 રૂપિયાનો વધારો થયો છે. જાણકારોનું માનવું છે કે, સિંગતેલ અને કપાસિયા ગુજરાતમાં જ પાકે છે અને તેની સપ્લાયમાં યુદ્ધની કોઈ સીધી અસર નથી, તેમ છતાં વૈશ્વિક બજારની સ્થિતિનો લાભ લઈ ભાવ વધારવામાં આવી રહ્યા છે.
આયાતી તેલ મોંઘા થતા સામાન્ય જનતા મોંઘવારીના ખપ્પરમાં હોમાઈ
ભારત ખાદ્યતેલની જરૂરિયાત માટે મોટાભાગે આયાત પર નિર્ભર છે. યુદ્ધને કારણે લોજિસ્ટિક્સ અને સપ્લાય ચેઈન ખોરવાતા પામતેલ અને સૂર્યમુખી તેલના ભાવમાં મોટો ઉછાળો આવ્યો છે. પામતેલના ભાવમાં એક મહિનામાં 265 રૂપિયાનો વધારો થયો છે, જેના કારણે ફરસાણ અને અન્ય ખાદ્ય ચીજોના ભાવ વધવાની પણ શક્યતા છે. જોકે, આ આખી સ્થિતિમાં એકમાત્ર રાહતના સમાચાર નારિયેળ (કોપરેલ) તેલમાંથી આવ્યા છે, જેમાં 200 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. પરંતુ રોજિંદા વપરાશમાં લેવાતા સિંગતેલ અને કપાસિયા તેલમાં જે રીતે ભાવ વધી રહ્યા છે, તે જોતા ગૃહિણીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
ખાદ્યતેલના ભાવમાં થયેલા ફેરફારની વિગતે માહિતી (15 કિલો નવા ડબ્બાના ભાવ)
ખાદ્યતેલનું નામ (Oil Name) | Feb 28 Price (₹) | March 31 Price (₹) | Total Increase (₹) |
સિંગતેલ (Groundnut Oil) | 2,820 – 2,870 | 2,975 – 3,025 | 155 |
કપાસિયા (Cottonseed Oil) | 2,265 – 2,305 | 2,560 – 2,590 | 285 |
પામતેલ (Palm Oil) | 2,065 – 2,070 | 2,330 – 2,335 | 265 |
સૂર્યમુખી (Sunflower Oil) | 2,270 – 2,290 | 2,570 – 2,590 | 300 |
મકાઈ - કોર્ન (Corn Oil) | 1,970 – 1,980 | 2,220 – 2,240 | 270 |
સરસવ - મસ્ટર્ડ (Mustard Oil) | 2,065 – 2,070 | 2,360 – 2,390 | 320 |
એરંડિયું - કેસ્ટર (Castor Oil) | 2,260 – 2,280 | 2,310 – 2,340 | 80 |
નારિયેળ - કોપરેલ (Coconut Oil) | 4,350 – 4,450 | 4,150 – 4,250 | - 200 |





