વિશ્વભરમાં ઊર્જા સંકટ અને પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતોમાં નોંધપાત્ર વધારો થયો છે. આ પરિસ્થિતિની સીધી અસર ભારત પર પણ જોવા મળી રહી છે. સરકારી તેલ કંપનીઓએ તાજેતરમાં કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં વધારો જાહેર કર્યો છે, જેનો પ્રભાવ ખાસ કરીને વેપારીઓ અને હોટેલ ઉદ્યોગ પર પડશે.
કોમર્શિયલ LPG સિલિન્ડરની કિંમતમાં ₹195.50નો વધારો
ઇન્ડિયન ઓઇલ, ભારત પેટ્રોલિયમ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ જેવી સરકારી કંપનીઓએ વૈશ્વિક બેન્ચમાર્ક અને વિનિમય દરને ધ્યાનમાં રાખીને નવા દર અમલમાં મૂક્યા છે. નવી કિંમતો અનુસાર, દિલ્હીમાં 19 કિલોગ્રામ વજનના કોમર્શિયલ LPG સિલિન્ડરની કિંમતમાં ₹195.50નો વધારો થયો છે, જેના કારણે હવે તેનો ભાવ ₹2,078.50 સુધી પહોંચ્યો છે. નોંધનીય છે કે, 1 માર્ચે પણ આ સિલિન્ડરમાં ₹114.50નો વધારો કરવામાં આવ્યો હતો.
તેમ છતાં, સામાન્ય વપરાશકર્તાઓ માટે રાહતની વાત એ છે કે ઘરેલુ રસોઈ ગેસના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. હાલ દિલ્હીમાં 14.2 કિલોગ્રામના ઘરેલુ LPG સિલિન્ડરની કિંમત ₹913 યથાવત રાખવામાં આવી છે. છેલ્લે 7 માર્ચે આ સિલિન્ડરમાં ₹60નો વધારો નોંધાયો હતો.
કેમ આવ્યો આટલો ઉછાળો?
મિડલ ઈસ્ટમાં સર્જાયેલી અશાંતિને કારણે સપ્લાય ચેઇનમાં પણ અડચણો ઉભી થઈ છે. દિલ્હી સહિત કેટલાક વિસ્તારોમાં કોમર્શિયલ ગેસના પુરવઠા પર 20 ટકા સુધી મર્યાદા લાદવામાં આવી હોવાનું જાણવા મળે છે. હોર્મુઝની ખાડી મારફતે આવનારા LPG ટેન્કરોથી પુરવઠો જાળવવાનો પ્રયાસ થઈ રહ્યો છે.
આ પણ વાંચો: LPG સપ્લાય વચ્ચે આવ્યા મહત્વના સમાચાર : 21 રાજ્યોમાં કેરોસીન વેચાણ શરૂ, જાણો કયા રાજ્યોનો સમાવેશ?
પેટ્રોલ અને ડીઝલના ભાવની વાત કરીએ તો હાલ તે સ્થિર છે. ગયા વર્ષે માર્ચમાં પ્રતિ લિટર ₹2ના ઘટાડા બાદ કિંમતોમાં કોઈ મોટો ફેરફાર થયો નથી. હાલમાં દિલ્હીમાં પેટ્રોલનો ભાવ ₹94.72 પ્રતિ લિટર અને ડીઝલનો ભાવ ₹87.62 પ્રતિ લિટર છે.
જો પશ્ચિમ એશિયામાં તણાવ લાંબા સમય સુધી યથાવત રહેશે, તો આગામી દિવસોમાં પેટ્રોલિયમ ઉત્પાદનોના ભાવમાં વધુ વધારો થવાની શક્યતા નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે.





