Vadodara News: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વડોદરા ભાજપના માસ્ટર પ્લાન સામે આવ્યો છે. આ વખતે ભાજપે પણ પોતાની રણનીતિમાં બદલાવ કર્યો છે. વડોદરા સ્થાનિક સ્વરાજની આગામી ચૂંટણીઓ પહેલા જ રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. ભાજપ દ્વારા ઉમેદવારોની પસંદગી માટે હાથ ધરાયેલી સેન્સ પ્રક્રિયાની વચ્ચે એક આંતરિક પત્રિકા વાયરલ થતા સ્થાપિત હિતોમાં ફફડાટ ફેલાયો છે. ભાજપે આ વખતે 'નો-રિપીટ થીયરી' અને સગાવાદ મુક્ત રાજકારણ પર ભાર મૂકીને યુવા ચહેરાઓને પ્રાધાન્ય આપવાનો મક્કમ નિર્ધાર કર્યો છે.
કડક માપદંડો: 60ની વય અને 3 ટર્મની મર્યાદા
સોશિયલ મીડિયા પર લીક થયેલી માહિતી મુજબ, ભાજપે ઉમેદવારો માટે લોખંડી માપદંડો નક્કી કર્યા છે. જે મુજબ:
વય મર્યાદા: 60 વર્ષથી વધુ ઉંમરના દાવેદારોને ટિકિટ આપવામાં આવશે નહીં.
ટર્મ મર્યાદા: સતત ત્રણ ટર્મથી કોર્પોરેશનમાં પ્રતિનિધિત્વ કરતા સભ્યોને આ વખતે આરામ આપવામાં આવશે.
સગાવાદ પર પ્રતિબંધ: સંગઠનના હોદ્દેદારોના કોઈપણ સગા-સંબંધીને ટિકિટનો લાભ નહીં મળે.
દાવેદારોમાં ચિંતા, યુવાઓમાં ઉત્સાહ
આ પત્રિકા વાયરલ થતા જ વર્ષોથી સત્તા પર ટકી રહેલા વરિષ્ઠ નેતાઓની ઊંઘ હરામ થઈ ગઈ છે. અનેક નેતાઓ જેઓ પોતાના સંતાનો કે પરિવારજનો માટે લોબિંગ કરી રહ્યા હતા, તેમની આશાઓ પર પાણી ફરી વળ્યું છે. બીજી તરફ, પક્ષના પાયાના અને યુવા કાર્યકરોમાં આ નિર્ણયથી ખુશીની લહેર જોવા મળી રહી છે. તેઓ માને છે કે આનાથી સંગઠનમાં નવી ઊર્જાનો સંચાર થશે. આ વખતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિતના ત્રણ પક્ષો મેદાને-જંગમાં હોવાથી લગભગ દરેક બેઠક પર ત્રિ-પાંખિયો જંગ જામશે.
આ પણ વાંચોઃ શું હોય છે સેન્સ લેવાની પ્રક્રિયા? : દર વખતે ચૂંટણી પહેલાં રાજકીય પક્ષો કેમ કરે છે Sense Process?
શહેર પ્રમુખની સ્પષ્ટતા
આ વિવાદ અને વાયરલ પત્રિકા અંગે વડોદરા ભાજપ પ્રમુખે જણાવ્યું હતું કે, "પક્ષ હંમેશા શિસ્ત અને પારદર્શિતામાં માને છે. 60 વર્ષની વય મર્યાદા અને સગાવાદથી દૂર રહેવાનો નિર્ણય સંગઠનને મજબૂત કરવા માટે છે. નવા અને ઉત્સાહી ચહેરાઓને તક આપીને વડોદરાના વિકાસને નવી ગતિ આપવી એ જ અમારો લક્ષ્ય છે." સેન્સ પ્રક્રિયાના પ્રારંભિક તબક્કે જ ભાજપે આ રીતે પોતાના પત્તા ખોલી દેતા વિરોધ પક્ષોમાં પણ આશ્ચર્ય ફેલાયું છે. હવે જોવાનું એ રહેશે કે આ કડક નિયમોના અમલીકરણ બાદ જૂના જોગીઓનો આક્રોશ પક્ષ કેવી રીતે ખાળશે અને યુવા બ્રિગેડ ચૂંટણીમાં કેવું પ્રદર્શન કરશે.
બહારના વ્યક્તિને ટિકિટ મળશે તો વિરોધ કરાશે: યોગેશ પટેલ
બીજી તરફ વડોદરા ભાજપમાં ભિષ્મપિતામહ ગણાતા દિગ્ગજ નેતા અને ધારાસભ્ય યોગેશ પટેલે પક્ષને પણ ખુલ્લો પડકાર ફેંક્યો છે. વડોદરાના માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલે વોર્ડ નંબર 18ના ચૂંટણી કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે કહ્યું કે બહારના વ્યક્તિને ટિકિટ મળશે તો વિરોધ કરાશે. વિસ્તારમાં વર્ષોથી કાર્યરત અને પક્ષ માટે કામ કરનારા સ્થાનિક કાર્યકરોને જ ટિકિટ આપવી જોઈએ. યોગેશ પટેલ ઘણી ટર્મથી ભાજપના ધારાસભ્ય તરીકે ચૂંટાતા આવ્યાં છે. હવે તેમના આ પ્રકારના નિવેદનને કારણે ઉમેદવારોની પસંદગીમાં જો કંઈ ઉપર નીચે થયું તો બબાબ પાક્કી છે એ વાત નક્કી.





