Home Gujarat Una Khapat School Teacher Liquor Case Fir

નોકરી ગઈ, FIR થઈ, પોલીસ લઈ ગઈ... : ખાપટ સ્કૂલના શિક્ષકને વિદ્યાર્થી પાસે દારૂ મંગાવવો કેટલો ભારે પડ્યો?

ખાપટ પ્રાથમિક શાળા
Play Video
Published by: Chintan Chavda
Last Updated: Jul 10, 2026, 10:16 AM IST

ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના ખાપટ ગામની પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ મારફતે દારૂ મંગાવવાનો આક્ષેપ સામે આવ્યા બાદ સમગ્ર મામલામાં હવે પોલીસ અને શિક્ષણ વિભાગે કાર્યવાહી તેજ કરી છે. શાળાના આચાર્યની લેખિત ફરિયાદના આધારે ઉના પોલીસે શિક્ષક હરેશ ગોસ્વામી વિરુદ્ધ એફઆઈઆર નોંધાવી છે. પોલીસ દ્વારા આરોપી શિક્ષકને રાઉન્ડઅપ કરીને ઉના પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યો છે અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

આ ઘટનાને રાજ્ય શિક્ષણ વિભાગે પણ ગંભીરતાથી લીધી છે. શિક્ષણ વિભાગના અગ્ર સચિવ મિલિંદ તોરવણે જણાવ્યું હતું કે ખાપટ પ્રાથમિક શાળાના શિક્ષક દ્વારા વિદ્યાર્થીઓ મારફતે દારૂ મંગાવવાની ઘટના અત્યંત ગંભીર છે. આ મામલે તાત્કાલિક નોંધ લેવામાં આવી છે અને જિલ્લા વિકાસ અધિકારી મારફતે સંબંધિત શિક્ષકને ફરજમુક્ત (સસ્પેન્ડ) કરવામાં આવ્યા છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં દારૂ સંબંધિત કૃત્ય કાયદેસર ગુનો બનતું હોવાથી પોલીસ ફરિયાદ નોંધાવવાની પણ કાર્યવાહી કરવામાં આવી છે.

આ પણ વાંચો: મહેસાણાના કડીમાં પોલીસ કોન્સ્ટેબલ ACB ના છટકામાં ઝડપાયો : ₹80 હજારની લાંચ સ્વીકારવાનો આરોપ

આચાર્યે કરી હતી લેખિત રજૂઆત

ખાપટ પ્રાથમિક શાળાના આચાર્યે જણાવ્યું હતું કે 20 જૂને બનેલી ઘટનાની જાણ તાત્કાલિક ઉચ્ચ કચેરીને કરવામાં આવી હતી. ત્યારબાદ મીડિયા અહેવાલો અને શાળાની રજૂઆતના આધારે વિભાગીય પ્રક્રિયા આગળ વધારવામાં આવી હતી. ઉચ્ચ અધિકારીઓએ સંબંધિત શિક્ષકને સુનાવણી માટે બોલાવ્યા બાદ શાળાને એફઆઈઆર નોંધાવવા અધિકૃત કરવામાં આવી હતી.

આચાર્યના જણાવ્યા મુજબ, હાલ શિક્ષક સામે પોલીસ ફરિયાદ નોંધાઈ ચૂકી છે અને તેમને ફરજમુક્ત પણ કરવામાં આવ્યા છે. તેમણે એ પણ જણાવ્યું કે અગાઉ પણ સંબંધિત શિક્ષક વિરુદ્ધ દારૂના સેવન અંગેની ફરિયાદ ઉચ્ચ કચેરીને કરવામાં આવી હતી અને તે સમયે પણ વિભાગીય કાર્યવાહી કરવામાં આવી હતી. તે સમયે ચેતવણી આપવામાં આવી હતી કે આવી ઘટના ફરી બનશે તો પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવશે.

"બાળક તરફથી અગાઉ કોઈ રજૂઆત મળી નહોતી"

વિદ્યાર્થી લાંબા સમયથી દારૂ લાવવા મોકલાતો હોવાના દાવા અંગે આચાર્યએ જણાવ્યું હતું કે શાળાને અગાઉ કોઈ વિદ્યાર્થી અથવા વાલી તરફથી મૌખિક કે લેખિત ફરિયાદ મળી નહોતી. આચાર્યના જણાવ્યા મુજબ, સંબંધિત શિક્ષક વર્ષ 2012થી ખાપટ પ્રાથમિક શાળામાં ફરજ બજાવી રહ્યા હતા.

આ પણ વાંચો: ચાંદીપુરા વાયરસનો કહેર : હિંમતનગર સિવિલમાં 11 દિવસમાં 3 બાળકનાં મોત, ધારાસભ્ય વી.ડી. ઝાલાએ હોસ્પિટલની લીઘી મુલાકાત

વાલીએ કહ્યું: "અમને આ બાબતની જાણ નહોતી"

ઘટનાને લઈને એક વિદ્યાર્થીના પિતા કાનાભાઈ વાણાભાઈ બામણિયાએ જણાવ્યું હતું કે તેમને પોતાના પુત્ર પાસેથી અગાઉ આવી કોઈ વાત જાણવા મળી નહોતી. તેમણે કહ્યું કે બાળકોને શિક્ષણ માટે શાળામાં મોકલવામાં આવે છે અને જો આવા આક્ષેપો સાચા હોય તો તે ગંભીર બાબત છે. જોકે તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે આ અંગે યોગ્ય કાર્યવાહી કરવી તે સંબંધિત સત્તાધિકારીઓની જવાબદારી છે.

પોલીસ તપાસમાં સીસીટીવી સહિતના પુરાવા ચકાસાશે

ઉના પોલીસ દ્વારા નોંધાયેલી એફઆઈઆર બાદ હવે સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસ સીસીટીવી ફૂટેજ, ફરિયાદ, સાક્ષીઓના નિવેદનો તથા અન્ય ઉપલબ્ધ પુરાવાઓના આધારે તપાસ આગળ વધારી રહી છે. તપાસ પૂર્ણ થયા બાદ જ સમગ્ર ઘટનાની વધુ હકીકતો સ્પષ્ટ થશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now