કપાસની ખેતી કરતા ખેડૂતો માટે રાહત અને પ્રોત્સાહનના સમાચાર સામે આવ્યા છે. દેશમાં કપાસનું ઉત્પાદન વધારવા, આયાત પરની નિર્ભરતા ઘટાડવા અને ખેડૂતોની આવકમાં વધારો કરવા માટે ભારત સરકારે વર્ષ 2026-27થી 2030-31 સુધીના પાંચ વર્ષ માટે 'મિશન ફોર કોટન પ્રોડક્ટિવિટી' (કપાસ ક્રાંતિ મિશન) અમલમાં મૂક્યું છે. આ યોજના હેઠળ આધુનિક ખેતી પદ્ધતિ અપનાવતા ખેડૂતોને હેક્ટર દીઠ રૂ.7,500થી લઈને રૂ.14,000 સુધીની ઇનપુટ સહાય આપવામાં આવશે.
ગુજરાતના કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું કે દેશના કપાસ ઉત્પાદનમાં ગુજરાતનું મહત્વનું સ્થાન છે. રાજ્યમાં કપાસનું ઉત્પાદન અને ઉત્પાદકતા બંને વધે તે માટે આ મિશન હેઠળ ગુજરાતને ચાલુ વર્ષ માટે રૂ.134.80 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે. રાજ્યના 21 જિલ્લામાં એક લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં આ યોજના અમલમાં મૂકવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે.

આધુનિક ખેતી પદ્ધતિ અપનાવનારા ખેડૂતોને મળશે વધુ લાભ
સરકારનું માનવું છે કે પરંપરાગત ખેતી પદ્ધતિની સરખામણીએ વૈજ્ઞાનિક અને આધુનિક પદ્ધતિથી કપાસનું વાવેતર કરવામાં આવે તો ઉત્પાદનમાં વધારો થઈ શકે છે અને ખેતીનો ખર્ચ પણ નિયંત્રિત થઈ શકે છે. આ હેતુસર યોજનામાં બે અલગ-અલગ પદ્ધતિ હેઠળ સહાયની જોગવાઈ કરવામાં આવી છે. 'ક્લોઝર સ્પેસિંગ ટેક્નોલોજી' હેઠળ જે ખેડૂતો 90 સેમી x 30 સેમીના અંતરે કપાસનું વાવેતર કરશે અથવા કરી ચૂક્યા છે તેમને પ્રતિ હેક્ટર રૂ.14,000ની ઇનપુટ સહાય આપવામાં આવશે. આ પદ્ધતિમાં છોડ વચ્ચેનું અંતર ઓછું રાખીને વધુ છોડનું વાવેતર કરવામાં આવે છે, જેનાથી ઉત્પાદન વધારવાનો પ્રયાસ કરવામાં આવે છે. બીજી તરફ 'ઈન્ટિગ્રેટેડ ક્રોપ મેનેજમેન્ટ' એટલે કે સંકલિત પાક વ્યવસ્થાપન પદ્ધતિ હેઠળ 90 સેમી x 60 સેમીના અંતરે કપાસનું વાવેતર કરનારા ખેડૂતોને પ્રતિ હેક્ટર રૂ.7,500ની સહાય આપવામાં આવશે. આ પદ્ધતિમાં સંતુલિત પોષણ વ્યવસ્થાપન, જીવાત નિયંત્રણ અને વૈજ્ઞાનિક ખેતી પર વિશેષ ભાર મૂકવામાં આવે છે.
આ પણ વાંચો: ખેડૂતોને ક્યારે મળશે PM કિસાન યોજનાનો 24મો હપ્તો? : જાણો કોણ હશે પાત્ર અને કેવી રીતે ચેક કરશો તમારું સ્ટેટસ
એક ખેડૂતને બે હેક્ટર સુધી મળશે સહાય
આ યોજના હેઠળ એક ખેડૂતને એક વર્ષ દરમિયાન વધુમાં વધુ બે હેક્ટર વિસ્તાર માટે જ સહાયનો લાભ મળશે. એટલે કે જે ખેડૂતો પાસે વધુ જમીન હશે તેઓ પણ મહત્તમ બે હેક્ટર સુધી જ આર્થિક સહાય મેળવી શકશે સરકારે સ્પષ્ટ કર્યું છે કે યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતો દ્વારા સરકાર માન્ય અથવા પ્રમાણિત કપાસની જાતો તેમજ મંજૂર થયેલા બીટી કપાસના બિયારણનો ઉપયોગ કરેલો હોવો જરૂરી રહેશે. ઉપરાંત ખેડૂતોએ ફરજિયાત ફાર્મર રજિસ્ટ્રી પણ કરાવેલી હોવી જોઈએ. આ બંને શરતો પૂર્ણ કરનાર ખેડૂતો જ સહાય માટે પાત્ર ગણાશે.
21 જિલ્લાઓને મળશે સીધો લાભ
કપાસનું સૌથી વધુ વાવેતર થતા વિસ્તારોને ધ્યાનમાં રાખીને રાજ્યના 21 જિલ્લાઓમાં આ યોજના અમલમાં મૂકવામાં આવશે. સરકારનો ઉદ્દેશ એક લાખ હેક્ટરથી વધુ વિસ્તારને આ મિશન હેઠળ આવરી લેવાનો છે. કૃષિ વિભાગના મતે, આ યોજના માત્ર સહાય પૂરતી મર્યાદિત નહીં રહે પરંતુ ખેડૂતોને નવી ખેતી પદ્ધતિ અંગે માર્ગદર્શન પણ આપવામાં આવશે. વર્ષ દરમિયાન વિવિધ તાલીમ કાર્યક્રમો, કૃષિ નિષ્ણાતોના માર્ગદર્શન અને પ્રદર્શન પ્લોટ દ્વારા ખેડૂતોને આધુનિક કપાસ ઉત્પાદન તકનીકો વિશે માહિતગાર કરવામાં આવશે.
આ પણ વાંચો: ખેડૂતો માટે કામના સમાચાર! : ગોંડલ યાર્ડમાં આજે કપાસ, જીરૂ, અડદ અને મગફળીના નવા બજાર ભાવ જાહેર






