Home Agriculture Pm Kisan 24th Installment Date Status Check Eligibility 2026

ખેડૂતોને ક્યારે મળશે PM કિસાન યોજનાનો 24મો હપ્તો? : જાણો કોણ હશે પાત્ર અને કેવી રીતે ચેક કરશો તમારું સ્ટેટસ

PM Kisan 24th Installment Update
Published by: Nirali Gohil
Last Updated: Jul 10, 2026, 09:18 AM IST

PM Kisan 24th Installment Update: દેશભરના કરોડો ખેડૂતો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના (PM-KISAN)ના આગામી હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. કેન્દ્ર સરકાર દ્વારા આ યોજના હેઠળ પાત્ર ખેડૂતોને દર વર્ષે રૂ.6,000ની આર્થિક સહાય ત્રણ સમાન હપ્તામાં આપવામાં આવે છે. અત્યાર સુધી 23 હપ્તા ખેડૂતોના ખાતામાં જમા થઈ ચૂક્યા છે અને હવે ખેડૂતોની નજર આગામી 24મા હપ્તા પર છે. જો તમે પણ PM Kisan યોજના સાથે જોડાયેલા છો, તો તમારા માટે જાણવું જરૂરી છે કે, આગામી હપ્તો ક્યારે જમા થઈ શકે છે અને તમે તેનો લાભ મેળવવા માટે પાત્ર છો કે નહીં. સરકાર દ્વારા કેટલીક પ્રક્રિયાઓ ફરજિયાત કરવામાં આવી છે, જેના આધારે જ લાભાર્થીના ખાતામાં હપ્તાની રકમ ટ્રાન્સફર કરવામાં આવે છે.

PM Kisan યોજનામાં ખેડૂતોને કેટલો લાભ મળે છે?

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ પાત્ર ખેડૂતોને દર વર્ષે કુલ રૂ.6,000ની સહાય આપવામાં આવે છે. આ રકમ રૂ.2,000ના ત્રણ સમાન હપ્તામાં સીધી ખેડૂતોના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે. સરકારનો ઉદ્દેશ નાના અને સીમાંત ખેડૂતોને ખેતીના ખર્ચમાં આર્થિક મદદ પૂરી પાડવાનો છે, જેથી તેઓ ખેતી સંબંધિત જરૂરી ખર્ચ સરળતાથી ઉઠાવી શકે.

24મો હપ્તો ક્યારે આવી શકે?

PM Kisan યોજનાના હપ્તા સામાન્ય રીતે દર ચાર મહિનાના અંતરે જાહેર કરવામાં આવે છે. 23મો હપ્તો 20 જૂનના રોજ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. આ જ પેટર્ન મુજબ જોવામાં આવે તો આગામી 24મો હપ્તો ઓક્ટોબર મહિનામાં જાહેર થવાની શક્યતા છે. જોકે, કેન્દ્ર સરકાર તરફથી હજુ સુધી 24મા હપ્તાની સત્તાવાર તારીખ જાહેર કરવામાં આવી નથી. ખેડૂતોને સલાહ આપવામાં આવે છે કે તેઓ સત્તાવાર જાહેરાત પર જ વિશ્વાસ કરે.

આ પણ વાંચો: ખેડૂતો માટે સારા સમાચાર : વચેટિયાઓ અને છેતરપિંડી પર લાગશે નિયંત્રણ, ગુજરાત સરકારે લીધો મોટો નિર્ણય


તમને 24મા હપ્તાનો લાભ મળશે કે નહીં? આ રીતે કરો સ્ટેટસ ચેક

જો તમે જાણવા માંગતા હોય કે આગામી હપ્તો તમારા ખાતામાં આવશે કે નહીં, તો તેનું સ્ટેટસ ઓનલાઈન સરળતાથી ચેક કરી શકાય છે.

તે માટે સૌપ્રથમ PM Kisan યોજનાની સત્તાવાર વેબસાઇટ પર જાઓ. ત્યારબાદ હોમપેજ પર 'Know Your Status' વિકલ્પ પસંદ કરો. હવે તમારો Registration Number દાખલ કરો. જો રજીસ્ટ્રેશન નંબર યાદ ન હોય તો 'Know Your Registration Number' વિકલ્પ દ્વારા તેને શોધી શકાય છે. ત્યારબાદ કેપ્ચા કોડ દાખલ કરીને 'Get Details' પર ક્લિક કરો. ત્યારબાદ તમારા અરજીની સ્થિતિ, e-KYC, જમીન ચકાસણી અને હપ્તા માટેની પાત્રતા સંબંધિત તમામ માહિતી સ્ક્રીન પર જોવા મળશે.

હપ્તો મેળવવા માટે આ બાબતો જરૂરી

PM Kisan યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતોનું e-KYC પૂર્ણ હોવું, આધાર નંબર બેંક ખાતા સાથે જોડાયેલો હોવો અને જમીનના રેકોર્ડની ચકાસણી પૂર્ણ થયેલી હોવી જરૂરી છે. જો આમાંથી કોઈ પ્રક્રિયા અધૂરી હશે તો હપ્તાની રકમ અટકી શકે છે.

સત્તાવાર માહિતીની રાહ

હાલ 24મા હપ્તાની ચોક્કસ તારીખ જાહેર કરવામાં આવી નથી. જોકે અગાઉના હપ્તાઓના સમયગાળાને ધ્યાનમાં લેતા ઓક્ટોબરમાં આગામી હપ્તો જાહેર થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. ખેડૂતોને સલાહ આપવામાં આવે છે કે તેઓ માત્ર PM Kisanની સત્તાવાર વેબસાઇટ અથવા સરકારના અધિકૃત માધ્યમો પરથી મળતી માહિતી પર જ વિશ્વાસ કરે અને કોઈપણ અફવાઓથી દૂર રહે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now