Ahmedabad World Heritage City Color Policy: ભારતનું પ્રથમ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સિટી તરીકે ઓળખાતું અમદાવાદ હવે પોતાની ઐતિહાસિક ઓળખને વધુ આકર્ષક અને એકરૂપ બનાવવાની દિશામાં મોટું પગલું ભરી રહ્યું છે. જયપુરની 'પિંક સિટી' અને પેરિસની અનોખી આર્કિટેક્ચરલ કલર થીમની જેમ હવે અમદાવાદની વોલ્ડ સિટી પણ ચોક્કસ રંગોની વિશિષ્ટ ઓળખ સાથે વિશ્વ સમક્ષ રજૂ થશે. શહેરની ઐતિહાસિક ઇમારતો, પોળો અને પરંપરાગત સ્થાપત્યને વધુ સુમેળભર્યું અને દૃશ્યમાન રીતે આકર્ષક બનાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)એ નવી કલર પોલિસી અમલમાં મૂકવાનો નિર્ણય લીધો છે. નવી નીતિ અનુસાર હવે અમદાવાદની વોલ્ડ સિટી અને તેની આસપાસના 200 મીટરના બફર ઝોનમાં બનતી તમામ નવી સરકારી અને ખાનગી ઇમારતોને માત્ર ત્રણ રંગોમાં જ રંગી શકાશે. આ નિર્ણયનો મુખ્ય હેતુ ઐતિહાસિક વિસ્તારની મૂળ ઓળખ જાળવી રાખવાની સાથે નવા વિકાસકાર્યોમાં પણ દૃશ્ય એકરૂપતા (Visual Harmony) જાળવવાનો છે.
હવે માત્ર ત્રણ જ રંગોને મળશે મંજૂરી
AMC દ્વારા જાહેર કરાયેલી નવી માર્ગદર્શિકા મુજબ વોલ્ડ સિટી વિસ્તારમાં નવી ઇમારતો માટે માત્ર લાઇટ સ્કાય બ્લૂ (આસમાની), ક્રીમ અને લાઇટ બ્રાઉન રંગોને મંજૂરી આપવામાં આવશે. નગર નિગમના અધિકારીઓના જણાવ્યા મુજબ, આ ત્રણ રંગો શહેરની ઐતિહાસિક ઓળખ અને પરંપરાગત સ્થાપત્ય સાથે સુસંગત હોવાથી તેમની પસંદગી કરવામાં આવી છે. જોકે, હેરિટેજ શ્રેણીની જૂની ઇમારતોના માલિકોને મુખ્ય ફસાડ સિવાયના કોતરણીવાળા ભાગોમાં અન્ય રંગોનો ઉપયોગ કરવાની મર્યાદિત છૂટ આપવામાં આવશે.
નવી ઇમારતો માટે Heritage Impact Assessment ફરજિયાત
AMCએ માત્ર રંગો સુધી જ નહીં પરંતુ નવા બાંધકામ માટે પણ કડક નિયમો અમલમાં મૂક્યા છે. હવે વોલ્ડ સિટીના આશરે 6 ચોરસ કિલોમીટર વિસ્તાર તેમજ 200 મીટરના બફર ઝોનમાં આવતાં દરેક નવા સરકારી કે ખાનગી વિકાસ પ્રોજેક્ટ માટે Heritage Impact Assessment (HIA) કરાવવું ફરજિયાત રહેશે. આ મૂલ્યાંકન દ્વારા તપાસ કરવામાં આવશે કે નવા બાંધકામથી ઐતિહાસિક વારસા અને શહેરની પરંપરાગત ઓળખ પર કોઈ નકારાત્મક અસર તો નહીં થાય.
આ પણ વાંચો: AMCનો માસ્ટરસ્ટ્રોક : 102 ખાલી પ્લોટનો કર્યો એવો ઉપયોગ કે ટ્રાફિક પણ ઘટ્યો અને કરોડોની કમાણી પણ થઈ
UNESCOની મુલાકાત બાદ લેવાયો મહત્વનો નિર્ણય
સૂત્રોના જણાવ્યા મુજબ, આ નવી નીતિ અંગે વિચારણા ત્યારે શરૂ થઈ જ્યારે આ વર્ષે માર્ચ મહિનામાં UNESCOની બે સભ્યોની ટીમે અમદાવાદની મુલાકાત લીધી હતી. ટીમે વોલ્ડ સિટીમાં ચાલી રહેલા મોટા વિકાસકાર્યોનું નિરીક્ષણ કર્યું હતું. તેમાં ખાસ કરીને કાલુપુર રેલવે સ્ટેશન રિડેવલપમેન્ટ, દાણાપીઠ મલ્ટીલેવલ પાર્કિંગ અને ગીતામંદિર બસ ટર્મિનલ જેવા પ્રોજેક્ટનો સમાવેશ થતો હતો. આ તમામ પ્રોજેક્ટ હેરિટેજ બફર ઝોનમાં આવતા હોવાથી સંભાવના છે કે હવે આ પ્રોજેક્ટમાં પણ AMC દ્વારા મંજૂર કરાયેલા ત્રણ જ રંગોનો ઉપયોગ કરવામાં આવશે.
100થી વધુ આર્કિટેક્ટ્સની નિમણૂક
હેરિટેજ ઇમ્પેક્ટ એસેસમેન્ટની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ થાય તે માટે AMCએ 100થી વધુ નોંધાયેલા આર્કિટેક્ટ્સને HIA કરવા માટે અધિકૃત કર્યા છે. આ ઉપરાંત નવા બાંધકામ માટે Urban Design Guidelines, Design Toolkit અને નવી Heritage Impact Assessment Policy પણ તૈયાર કરવામાં આવી છે. હેરિટેજ કન્ઝર્વેશન કમિટીની વિશેષ સબ-કમિટી HIA અરજીઓની ઝડપી તપાસ કરશે.
આ પણ વાંચો: અમદાવાદના શાસ્ત્રીનગરમાં ડીપીએસ સ્કૂલ બસની અડફેટે યુવકનું મોત : અકસ્માતનો CCTV વીડિયો આવ્યો સામે
પોળોના દરવાજા અને વારસાગત ઇમારતોના સંરક્ષણ પર ભાર
અમદાવાદની ઐતિહાસિક પોળોના દરવાજાના જતન અને પુનઃસ્થાપન માટે AMCએ સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) પણ તૈયાર કરી છે. સાથે જ દેશભરની ઐતિહાસિક અને હેરિટેજ સંપત્તિના સંરક્ષણ અને જાળવણી માટે વિશેષ સંસ્થા સ્થાપવાનો પ્રસ્તાવ પણ મંજૂર કરવામાં આવ્યો હોવાનું સૂત્રો જણાવે છે.
ભારતનું પ્રથમ UNESCO World Heritage City
8 જુલાઈ, 2017ના રોજ UNESCOએ અમદાવાદને ભારતના પ્રથમ World Heritage City તરીકે જાહેર કર્યું હતું. હાલ શહેરમાં કુલ 2,692 નોંધાયેલ હેરિટેજ પ્રોપર્ટી છે, જ્યારે વોલ્ડ સિટીની બહારની 382 ઐતિહાસિક મિલકતો હજી ટેન્ટેટિવ યાદીમાં સામેલ છે. આ તમામ વારસાગત ઇમારતોને ગ્રેડ-I, ગ્રેડ-IIA, ગ્રેડ-IIB અને ગ્રેડ-IIIમાં વર્ગીકૃત કરવામાં આવી છે અને દરેક શ્રેણી માટે અલગ-અલગ સંરક્ષણના નિયમો અમલમાં છે.
હેરિટેજ સંરક્ષણ સાથે વિકાસનું સંતુલન
AMCનું માનવું છે કે નવી કલર પોલિસી, Heritage Impact Assessment અને સંરક્ષણ માટેના નવા નિયમો માત્ર ઐતિહાસિક વારસાને જ સુરક્ષિત નહીં રાખે, પરંતુ ભવિષ્યના વિકાસકાર્યોને પણ શહેરની મૂળ ઓળખ સાથે સુમેળમાં રાખશે. આ નિર્ણયથી અમદાવાદ વિશ્વના એવા ઐતિહાસિક શહેરોની હરોળમાં વધુ મજબૂતીથી સ્થાન મેળવશે, જ્યાં વારસો અને આધુનિક વિકાસ વચ્ચે સંતુલન જાળવવા માટે સ્પષ્ટ શહેરી આયોજન અને સંરક્ષણ નીતિઓ અમલમાં છે.





