Home Gujarat Ahmedabad Ahmedabad Vastral Cyber Fraud Ayurvedic Medicine Call Center Bust

અમદાવાદના વસ્ત્રાલમાં કરોડોની સાયબર છેતરપિંડીનો પર્દાફાશ : શક્તિવર્ધક દવાના નામે દેશભરમાં 5 હજાર લોકોને બનાવ્યા શિકાર

વસ્ત્રાલમાંથી પકડાયેલા સાયબર ફ્રોડના આરોપીઑ
Play Video
Published by: Chintan Chavda
Last Updated: Jul 10, 2026, 12:10 PM IST

ગાંધીનગર સીઆઈડી ક્રાઈમના સાયબર સેન્ટર ઓફ એક્સલન્સે અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં ચાલતા એક કોલ સેન્ટર પર દરોડો પાડી આંતરરાજ્ય સ્તરે ફેલાયેલા સાયબર છેતરપિંડીના મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ સોશિયલ મીડિયા પર શક્તિવર્ધક અને સેક્સ્યુઅલ પાવર વધારવાની આયુર્વેદિક દવાઓની લોભામણી જાહેરાતો આપીને લોકોને ફસાવતા હતા. ત્યારબાદ દવાના નામે રૂપિયા પડાવ્યા બાદ નકલી પોલીસ અધિકારી બની ધમકી આપીને વધુ રૂપિયા ખંડણી સ્વરૂપે વસૂલતા હતા. આ સમગ્ર કૌભાંડમાં ઉત્તર પ્રદેશના મુખ્ય સૂત્રધાર સહિત કુલ સાત આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

સાયબર સેન્ટર ઓફ એક્સલન્સના એસપી ડૉ. રાજદીપસિંહ ઝાલાના જણાવ્યા મુજબ, આ ગેંગ છેલ્લા કેટલાક સમયથી અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં 15 સીટર કોલ સેન્ટર ચલાવતી હતી. ટેકનિકલ સર્વેલન્સ અને ગુપ્ત બાતમીના આધારે કરવામાં આવેલી કાર્યવાહીમાં સમગ્ર નેટવર્કનો પર્દાફાશ થયો છે.

સોશિયલ મીડિયા જાહેરાતોથી ફસાવી, પછી ડોક્ટર બની વેચાતી દવાઓ

તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ દરરોજ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ જેવી સોશિયલ મીડિયા સાઇટ્સ પર અંદાજે રૂ.30 હજારથી રૂ.50 હજાર સુધીનો ખર્ચ કરીને આકર્ષક જાહેરાતો ચલાવતા હતા. "100 ટકા ગેરંટી", "આયુર્વેદિક શક્તિવર્ધક દવા" અને "પરફોર્મન્સ વધારવાની સારવાર" જેવા દાવા કરીને લોકોને જાહેરાત પર ક્લિક કરાવવામાં આવતા હતા.

જાહેરાતમાં રસ દાખવનાર વ્યક્તિ પાસેથી ઓનલાઈન ફોર્મ ભરાવવામાં આવતું હતું. ત્યારબાદ કોલ સેન્ટરના કર્મચારીઓ પોતાને ડોક્ટર અથવા તબીબી નિષ્ણાત તરીકે ઓળખાવી ફોન અને વોટ્સએપ દ્વારા વાતચીત કરીને અલગ-અલગ દવાઓ ખરીદવા માટે સમજાવતા હતા. દવાઓ પોસ્ટ અને કુરિયર મારફતે કેશ ઓન ડિલિવરી (COD) પદ્ધતિથી મોકલવામાં આવતી હતી.

આ પણ વાંચો: સિગારેટના એક પેકેટે ખુલ્લો પાડી દીધો કરોડોનો નકલી નોટોનો ખેલ! : જાણો કેવી રીતે માત્ર એક 500ની નોટથી પોલીસ નકલી નોટ ફેક્ટરી સુધી પહોંચી

દવા ન સ્વીકારો તો નકલી પોલીસ બની ધમકી

આ ગેંગની છેતરપિંડી માત્ર દવા વેચવા સુધી મર્યાદિત નહોતી. જો ગ્રાહક પાર્સલ સ્વીકારતો ન હોય અથવા સરનામું ખોટું હોય તો આરોપીઓ ફરી ફોન કરીને પોતાને પોલીસ અધિકારી અથવા ડોક્ટર તરીકે ઓળખાવતા હતા. ગ્રાહકોને જણાવવામાં આવતું કે તેમની સામે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે અને કાનૂની કાર્યવાહી થવાની છે.

જો કોઈ ગ્રાહકે દવા સ્વીકારી લીધી હોય તો લગભગ એક અઠવાડિયા બાદ ઉત્તર પ્રદેશના ઇટાવાથી મુખ્ય સૂત્રધારના સાગરિતો ફોન કરીને પોતાને સંબંધિત જિલ્લાના પોલીસ અધિક્ષક (SP) તરીકે ઓળખાવતા હતા. ગ્રાહકોને કહેવામાં આવતું કે તેમણે પ્રતિબંધિત દવા ખરીદી છે અને તેમની સામે કેસ થઈ શકે છે. કેસ રફેદફે કરવા માટે રૂ.2 હજારથી રૂ.1 લાખ સુધીની રકમ વસૂલવામાં આવતી હતી. તપાસમાં એ પણ સામે આવ્યું છે કે બજારમાં રૂ.80થી રૂ.100માં ઉપલબ્ધ દવાઓ ગ્રાહકોને રૂ.2 હજારથી રૂ.3 હજાર સુધીના ભાવે વેચવામાં આવતી હતી.

5 હજાર લોકો સાથે છેતરપિંડી, ગુજરાતના એક હજારથી વધુ લોકો ડેટાબેઝમાં

સાયબર ક્રાઈમની તપાસ દરમિયાન કોલ સેન્ટરમાંથી મળેલા કમ્પ્યુટર અને ડિજિટલ ડેટાના વિશ્લેષણમાં દેશભરના અંદાજે 4 હજારથી 5 હજાર લોકો આ ગેંગના શિકાર બન્યા હોવાનું સામે આવ્યું છે. તેમાં ગુજરાતના એક હજારથી વધુ લોકોનો ડેટા પણ મળી આવ્યો છે. આરોપીઓ પાસે મળેલા 14 બેંક ખાતાઓમાં રૂ.5 કરોડથી વધુના શંકાસ્પદ નાણાકીય વ્યવહારો સામે આવ્યા છે. આ ખાતાઓનો ઉપયોગ નાગરિકો પાસેથી ઉઘરાવવામાં આવેલા નાણાં ટ્રાન્સફર કરવા માટે થતો હતો.

આ પણ વાંચો: સુપ્રીમ કોર્ટમાં ચોંકાવનારી ઘટના : અરજદારે ચીફ જસ્ટિસ સામે બોલ્યા અપશબ્દો , કોર્ટરૂમમાં કાગળો ફેંકતા સુરક્ષાકર્મીઓએ બહાર કાઢ્યો

44 મોબાઇલ, કમ્પ્યુટર અને બેંક કિટ સહિત મોટો મુદ્દામાલ જપ્ત

દરોડા દરમિયાન પોલીસે 44 મોબાઇલ ફોન, 23 કોમ્પ્યુટર અને CPU, 2 લેપટોપ, 1 મોટું મોનિટર, 3 કોલર આઈડી ફોન, 3 પેનડ્રાઇવ અને 14 બેંક કિટ સહિતનો મોટો મુદ્દામાલ કબજે કર્યો છે. આ ઉપરાંત વિવિધ નકલી પેઢીઓના દસ્તાવેજો અને અન્ય ડિજિટલ પુરાવાઓ પણ મળી આવ્યા છે. પકડાયેલા આરોપીઓમાં ધીરેન્દ્ર પ્રતાપસિંહ રાજાવત, દેવેન્દ્રસિંહ રાજાવત, આર્યન રાવલ, અનિરુદ્ધ ભદોરિયા, સુમિત દિવાકર, દેવપ્રતાપસિંહ ભદોરિયા અને કોલ સેન્ટરની મેનેજર તરીકે કામગીરી કરતી પ્રિયા કુર્મીનો સમાવેશ થાય છે.

સાયબર સેન્ટર ઓફ એક્સલન્સની જનતાને અપીલ

સાયબર સેન્ટર ઓફ એક્સલન્સે લોકોને સોશિયલ મીડિયા પર આવતી શક્તિવર્ધક દવા, ચમત્કારિક સારવાર અથવા "100 ટકા ગેરંટી" જેવા દાવા કરતી જાહેરાતોથી સાવચેત રહેવા અપીલ કરી છે. કોઈપણ દવા ખરીદતા પહેલાં તેની વિશ્વસનીયતા ચકાસવી, તબીબી નિષ્ણાતની સલાહ લેવી અને અજાણ્યા વ્યક્તિ સાથે OTP, UPI PIN, CVV અથવા બેંક ખાતાની વિગતો શેર ન કરવાની સૂચના આપવામાં આવી છે. વિભાગે જણાવ્યું છે કે જો કોઈ વ્યક્તિ ઓનલાઈન છેતરપિંડીનો ભોગ બને તો તાત્કાલિક 1930 હેલ્પલાઈન અથવા નેશનલ સાયબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલ પર ફરિયાદ નોંધાવવી.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now