અમદાવાદના શાસ્ત્રીનગર વિસ્તારમાં શુક્રવારે બપોરે આશરે 2:15 વાગ્યે સર્જાયેલા ગમખ્વાર માર્ગ અકસ્માતમાં ઇલેક્ટ્રિક સ્કૂટર પર જઈ રહેલા એક યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. પલ્લવ ચાર રસ્તા નજીક બોપલની ડીપીએસ (DPS) સ્કૂલની બસની અડફેટે યુવક આવી જતા આ દુર્ઘટના સર્જાઈ હતી. અકસ્માત બાદ બસનો ડ્રાઇવર અને કંડક્ટર બસ તેમજ તેમાં બેઠેલા બાળકોને સ્થળ પર મૂકીને ફરાર થઈ ગયા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.
હવે આ સમગ્ર અકસ્માતનો સીસીટીવી વીડિયો પણ સામે આવ્યો છે. વીડિયોમાં અકસ્માત કેવી રીતે સર્જાયો તેની ઘટના કેદ થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. પોલીસે સીસીટીવી ફૂટેજ કબજે કરીને અકસ્માતના ચોક્કસ કારણો અને જવાબદારી નક્કી કરવા તપાસ શરૂ કરી છે.
ઘટનાસ્થળે જ યુવકનું મોત
પ્રાથમિક માહિતી મુજબ, ઇલેક્ટ્રિક સ્કૂટર પર પસાર થઈ રહેલા યુવકને સ્કૂલ બસે ટક્કર મારતાં તે બસની નીચે આવી ગયો હતો. માથા સહિત શરીરના ગંભીર ભાગોમાં ઇજા થતાં યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ વિસ્તારમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી અને મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે એકત્ર થઈ ગયા હતા.
બી ડિવિઝન ટ્રાફિક પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આ પણ વાંચો: અમદાવાદના શાસ્ત્રીનગરમાં ડીપીએસ સ્કૂલ બસની અડફેટે યુવકનું મોત : બાળકોને ત્યાં જ મૂકી ડ્રાઇવર-કંડક્ટર ફરાર
ફરાર બસચાલકની શોધખોળ
પોલીસના જણાવ્યા અનુસાર, અકસ્માત બાદ બસનો ડ્રાઇવર અને કંડક્ટર સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. તેમની શોધખોળ માટે અલગ-અલગ ટીમો કામે લાગી છે. સાથે જ બસને કબજે લઈ તેની તકનીકી તપાસ પણ હાથ ધરવામાં આવી છે.
સીસીટીવી ફૂટેજ, પ્રત્યક્ષદર્શીઓના નિવેદનો અને અન્ય પુરાવાઓના આધારે પોલીસે સમગ્ર ઘટનાની તપાસ તેજ કરી છે. અકસ્માતમાં કોઈની બેદરકારી જવાબદાર હતી કે કેમ તે અંગે પણ તપાસ ચાલી રહી છે.






