Home Gujarat Surat Surat Flood Relief Survey 1185 Beneficiaries Rs 35 21 Lakh Assistance

પૂરના ઘા વચ્ચે રાહતની આશા, સુરતમાં સહાય માટે તંત્રનું ઝડપી એક્શન : 41 ટીમો દ્વારા ડોર-ટુ-ડોર સર્વે શરૂ, 1,185 અસરગ્રસ્તોને રૂ.35.21 લાખની સહાય

Surat
Published by: Aryan Shah
Last Updated: Jul 10, 2026, 11:26 AM IST

Surat : સુરત શહેરમાં તાજેતરમાં પડેલા અતિભારે વરસાદ બાદ સર્જાયેલી પૂર જેવી સ્થિતિને પગલે જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણ એક્શન મોડમાં આવી ગયું છે. ખાડીપૂર અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાને કારણે અનેક પરિવારોને નુકસાન વેઠવું પડ્યું છે. અસરગ્રસ્તોને સરકારની રાહત સહાય ઝડપથી મળી રહે તે માટે જિલ્લા કલેક્ટર તેજસ પરમારના માર્ગદર્શન હેઠળ યુદ્ધના ધોરણે નુકસાનીના સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે. સર્વેની કામગીરી ઝડપથી અને પારદર્શક રીતે પૂર્ણ થાય તે માટે વર્ગ-1 અને વર્ગ-2ના કુલ 22 અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે. તેમના માર્ગદર્શન હેઠળ નાયબ મામલતદાર, રેવન્યુ તલાટી, કો-ઓર્ડિનેટર તથા અન્ય કર્મચારીઓને સાથે રાખીને કુલ 41 ટીમોનું ગઠન કરવામાં આવ્યું છે. તમામ ટીમોને તાત્કાલિક ફીલ્ડ પર પહોંચી ઘરે-ઘરે જઈને નુકસાનીનો સર્વે શરૂ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

227 અધિકારી-કર્મચારીઓ સર્વેમાં જોડાયા

જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વર્ગ-1, વર્ગ-2 અને વર્ગ-3ના મળીને કુલ 227 અધિકારી-કર્મચારીઓને રાહત અને સર્વેની કામગીરીમાં જોડવામાં આવ્યા છે. તમામ ટીમો સંબંધિત તાલુકાના મામલતદારોના સંપર્કમાં રહીને અસરગ્રસ્ત વિસ્તારોમાં સતત કામગીરી કરી રહી છે. તંત્રનો પ્રયાસ છે કે કોઈપણ અસરગ્રસ્ત પરિવાર સરકારી સહાયથી વંચિત ન રહે. કલેક્ટરના નિર્દેશ અનુસાર સર્વે પૂર્ણ થતાંની સાથે જ લાભાર્થીઓને કેશ ડોલ્સ તેમજ ઘરવખરી સહાયનું વિતરણ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે, જેથી લોકોને રાહ જોવી ન પડે.

બપોરે 1:00 વાગ્યા સુધીમાં Rs. 35.21 લાખની સહાય

સત્તાવાર માહિતી અનુસાર શુક્રવારે બપોરના 1:00 વાગ્યા સુધીમાં કુલ 1,185 અસરગ્રસ્તોને Rs. 35.21 લાખની સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમાં કતારગામ, પુણા, મજુરા, અબ્રામા અને ઉધના વિસ્તારમાં રહેતા 701 અસરગ્રસ્તોને કુલ Rs. 11 લાખની કેશ ડોલ્સ આપવામાં આવી હતી. ઉપરાંત 484 અસરગ્રસ્ત પરિવારોને Rs. 24.20 લાખની ઘરવખરી સહાય ચૂકવવામાં આવી હતી. તંત્રના જણાવ્યા મુજબ જેમ જેમ સર્વે પૂર્ણ થઈ રહ્યો છે તેમ તેમ સહાયનું વિતરણ પણ કરવામાં આવી રહ્યું છે.

આ પણ ખાસ વાંચો : જંગલની જમીન પર પ્રોટેક્શન વોલ બનતા આદિવાસી ખેડૂતોમાં રોષ : સરકાર પાસે ન્યાયની કરી માંગ

લિંબાયત અને પુણા વિસ્તારમાં ડોર-ટુ-ડોર સર્વે

લિંબાયત વિસ્તારના રતનજીનગર, મઝદા પાર્ક-1 અને મઝદા પાર્ક-2 સહિતની સોસાયટીઓમાં જિલ્લા આયોજન અધિકારી શિતલબેન માંડવિયા સહિતના અધિકારીઓ દ્વારા સ્થળ પર જઈને સર્વે હાથ ધરવામાં આવ્યો હતો અને કેશ ડોલ્સનું વિતરણ કરવામાં આવ્યું હતું. પુણા વિસ્તારમાં કુંભારીયાના ધનજીવલ્લી મહોલ્લો, પાદર ફળીયું, ખાડી ફળીયું, પીપળા ફળીયું અને સારોલીની નવી કોલોનીમાં જિલ્લા શિક્ષણાધિકારી તથા શિક્ષણ નિરીક્ષકની દેખરેખ હેઠળ 5 ટીમો કાર્યરત કરવામાં આવી છે. દરેક ટીમમાં 5 કર્મચારીઓ ઘરે-ઘરે જઈને નુકસાનીની વિગતો નોંધે છે.

વિવિધ વિસ્તારોમાં અલગ-અલગ અધિકારીઓને જવાબદારી

નાયબ ઉદ્યોગ કમિશનર અને જનરલ મેનેજરના નેજા હેઠળ બાવરી ફળીયું, સણિયા હેમાદના બ્રાહ્મણ ફળીયું, ખરી ફળીયું, પારસી ફળીયું તથા ભુત ફળીયામાં 5 ટીમો સર્વે કરી રહી છે. મજુરા વિસ્તારમાં જમીન દફતર નિરક્ષક ડી.એમ. દેસાઈના માર્ગદર્શન હેઠળ આંબેડકરનગર, રસુલાબાદ, આઝાદનગર અને ઈન્દીરાનગરમાં 4 ટીમો કામગીરી કરી રહી છે. ઉધના અને લિંબાયત વિસ્તારમાં જિલ્લા આયોજન અધિકારીના માર્ગદર્શન હેઠળ મીઠી ખાડી વિસ્તાર, ઈસ્લામી ચોક, રઝા ચોક, આઝાદ ચોક, બેઠી કોલોની, પતરાની ચાલ, કાંતિનગર, ફુલવાડી, નુરે ઈલાહી નગર, કદીરી ચોક, મઝદા પાર્ક, રતનજીનગર, ભેદવાડ તેમજ ગોડદરા વિસ્તારના મીરાનગર, રામકૃષ્ણ સોસાયટી, ભવાની સોસાયટી, હળપતિવાસ અને રબારીવાસમાં 4 ટીમો સતત સર્વે કરી રહી છે.

આ પણ ખાસ વાંચો : "આશરે 50 જેટલા બાળલગ્ન થયા છે." : ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણે સ્વીકાર્યું, 'જવાબદારી સંપૂર્ણ રીતે નિભાવી શક્યા નથી'

ગરીબ અને ઝૂંપડપટ્ટી વિસ્તારોને પ્રાથમિકતા

નાયબ નિયામક (વિકસતી જાતિ)ના નેજા હેઠળ ગોડાદરા, ધીરજનગર, નીલકંઠ સોસાયટી, સ્વામિનારાયણ નગર, પટેલનગર, પરવટ વિસ્તાર, ગીતાનગર, હળપતિવાસ, ખાડી ફળીયું, ઉધના ઉદ્યોગ સંઘ વિસ્તાર તથા સંજયનગર ઝૂંપડપટ્ટીમાં 4 ટીમો કામગીરી કરી રહી છે. ડી.આઈ.એસ.એસ.ના ડેપ્યુટી ડાયરેક્ટરના માર્ગદર્શન હેઠળ ગોડાદરા આસપાસનગર, આસ્તિકનગર, કૌશલનગર, કલાકુંજ, પ્રકાશનગર, ગાયત્રીનગર, પ્રિયંકાનગર અને ડુંભાલ વિસ્તારમાં 3 ટીમો નુકસાનીનો સર્વે કરી રહી છે.

પુણા, સરથાણા અને નાના વરાછામાં વિશેષ ટીમો

જિલ્લા રજિસ્ટ્રાર હરેશ કાછડના નેજા હેઠળ પુણા, સરથાણા અને નાના વરાછાના અનેક રહેણાંક તેમજ વ્યાપારી વિસ્તારોમાં 5 ટીમો કાર્યરત કરવામાં આવી છે. સીમાડા વિસ્તાર, સ્વામિનારાયણ નગર, શુભમ પાર્ક, સ્વાગત સોસાયટી, વાલમનગર, સિદ્ધાર્થ નગર, ધર્મરાજ, એસ.ડી. પાર્ક, ઠાકોરદ્વાર, શાંતિનિકેતન, વ્રજભૂમિ સેક્ટર, હરિઓમ પાર્ક, દિવાળીનગર, અજમલધામ, વીટીનગર, કેશવ પાર્ક, શ્યામવિલા, હરે કૃષ્ણ રો-હાઉસ, આદર્શ રો-હાઉસ, લક્ષ્મીનગર, CH પાર્ક તેમજ નાના વરાછાની અનેક સોસાયટીઓમાં સર્વે ચાલી રહ્યો છે. જિલ્લા રજીસ્ટ્રાર હાઉસિંગના માર્ગદર્શન હેઠળ ખોડીયારનગર, લક્ષ્મણનગર, કલ્યાણનગર, લસકાણા, કઠોદરા અને પાસોદરા વિસ્તાર માટે 2 ટીમો અલગથી કામગીરી કરી રહી છે.

વિશેષ વિભાગોની પણ મદદ લેવામાં આવી

ડી.આઈ.એસ.એચ.ના ડેપ્યુટી ડાયરેક્ટરને મજુરા વિસ્તારમાં 2 ટીમોની જવાબદારી સોંપવામાં આવી છે. પશુપાલન વિભાગના નાયબ નિયામક ડો. એમ.પી. ભીમાણીના માર્ગદર્શન હેઠળ ગોડાદરા, પાંડેસરા અને મીઠી ખાડી વિસ્તાર માટે 4 ટીમો કામગીરી કરી રહી છે. સિંચાઈ વિભાગના કાર્યપાલક ઈજનેરના માર્ગદર્શન હેઠળ ગોડાદરા આસપાસ, આસ્તિકનગર અને કૌશલનગર સહિતના વિસ્તારોમાં 2 ટીમો સર્વે કરી રહી છે. જિલ્લા કલેક્ટર તેજસ પરમારે જણાવ્યું છે કે પરિસ્થિતિની સતત સમીક્ષા કરવામાં આવી રહી છે અને જરૂર જણાય તો વધુ અધિકારીઓ તથા કર્મચારીઓની પણ તાત્કાલિક ફાળવણી કરવામાં આવશે, જેથી પૂરગ્રસ્તોને સહાય પહોંચાડવાની કામગીરીમાં કોઈ વિલંબ ન થાય.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now